મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) કેપ્ટન મેગ લેનિંગની આક્રમક 70 રનની ઇનિંગ ઉપરાંત જેસ જોનાસન અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચેની પાંચમી વિકેટની 67 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે (DC) 20 ઓવરમાં 4 વિકેટે 211 રન બનાવીને મૂકેલા 212 રનના લક્ષ્યાંક સામે યુપી વોરિયર્સે તાહલિયા મેકગ્રાની આક્રમક ઇનિંગ છતાં 169 રન સુધી જ પહોંચતા દિલ્હી કેપિટલ્સે 42 રને મેચ જીતીને સતત બીજો વિજય મેળવ્યો હતો.
- મેગ લેનિંગની ઇનિંગ ઉપરાંત જેસ જોનાસન અને જેમિમા રોડ્રિગ્સ વચ્ચેની નોટઆઉટ ભાગીદારીની મદદથી દિલ્હીએ 211 રન બનાવ્યા
- યુપી વોરિયર્સ વતી તાહલિયા મેકગ્રા 90 રનની નોટઆઉટ ઇનિંગ રમીને એકલા હાથે લડી છતાં ટીમ 5 વિકેટે 169 રન સુધી જ પહોંચી
યુપી વોરિયર્સને કેપ્ટન એલિસા હિલીએ આક્રમક શરૂઆત અપાવી હતી, જો કે હિલી અંગત 29 રન કરીને આઉટ થઇ તે પછી વોરિયર્સે ઝડપથી બીજી બે વિકેટ ગુમાવી હતી. તે પછી તાહલિયા મેકગ્રાએ એકલા હાથે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અંતે યુપી વોરિયર્સ 20 ઓવરમાં 5 વિકેટે 169 રન સુધી જ પહોંચી હતી. તાહલિયા 50 બોલમાં 90 રન કરીને નોટઆઉટ રહી હતી. આ પહેલા ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને લેનિંગ અને શેફાલી વર્માની જોડીએ આક્રમક શરૂઆત અપાવીને પાવરપ્લેમાં વિના વિકેટે 62 રન બનાવી લીધા હતા. શેફાલી આઉટ થયા પછી પણ લેનિંગે આક્રમક બેટીંગ ચાલુ રાખીને 32 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. લેનિંગ 42 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 70 રન બનાવીને આઉટ થઇ ત્યારે ટીમનો સ્કોર 12 ઓવરમાં 3 વિકેટે 120 રન હતો. જો કે જેમિમા અને જેસે મળીને અંતિમ 5.4 ઓવરમાં 67 રનની નોટઆઉટ ભાગીદારી કરીને સ્કોર 4 વિકેટે 211 રન સુધી પહોંચાડી દીધો હતો. જેસ 20 બોલમાં 42 અને જેમિમા 22 બોલમાં 32 રન કરીને નોટઆઉટ રહી હતી.