સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે તુલસી આર્કેડમાં ટ્રાયોનિક્સ સોલ્યુશનના નામે ઓફિસમાં (Office) એપ્લીકેશનમાંથી સટ્ટો રમાડનાર 11 જણાની પોલીસે (Polie) ધરપકડ કરી હતી. તથા 3 સંચાલકોને વોન્ટેડ જાહેર કરી ઓફિસમાંથી કુલ 5.10 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. દરમિયાન પોલીસને 200 કરોડ કરતા વધારેના વ્યવહારો મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. તેમાં 29 જાતની એપ્લીકેશન ડાઉનલોડ કરીને તેમાં નાણા નાંખવામાં આવતા હતા. સુરતમાં તમામ હિસાબ કિતાબ સ્થાનિક ઓફિસેથી કરવામાં આવતો હતો.
આ કેસમાં પોલીસને સ્થળ પરથી જે લેપટોપ મળ્યા છે તેમાં 200 કરોડ કરતા વધારેના ટ્રાન્જેકશન મળતા પોલીસ પણ ચોંકી ગઇ છે. આ આંકડો હજુ બમણો થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસને ગેમીંગ એપ્લીકેશન મારફત દુબઇ અને અન્ય દેશોમાં મોટા પ્રમાણમાં નાણા હવાલા મારફત ઠલવાઇ રહ્યાં છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પોલીસે અધિકૃત રીતે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. અલબત કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે તેઓએ ડીસીપીના સુપરવિઝનમાં આખી તપાસ મૂકી છે.
વિગતો જોઈએ તો ઉત્રાણ પોલીસની ટીમને મોટા વરાછા ખાતે સુદામા ચોક પાસે તુલસી આર્કેડમાં ઓફિસ નં.૩૨૮ માં ટ્રાયોનિક્સ સોલ્યુશન નામથી ઓફિસ ચલાવી અલગ અલગ એપ્લીકેશનો મારફતે ઓનલાઈન જુગાર અને ઓનલાઈન સટ્ટા બેટીંગ રમાતો અને રમાડતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરી હતી. ઓફિસમાં ચારેક વ્યક્તિ કોમ્પ્યુટર ઉપર બેઠેલા હતા. તેમાંથી એક વ્યક્તિનું નામ પુછતા પોતે મૌલીક પ્રવિણભાઈ કોદાળા હોવાનું કહ્યું હતું અને પોતે આકાશ વિનેશભાઇ ભલાણી, અભિષેક દિલીપભાઇ કાછડીયા તથા દિલ્હીના અજયભાઇ સાથે મળીને આ ઓફિસનું સંચાલન કરતા હોવાનું કહ્યું હતું. આકાશ, અભિષેક અને અજય પાસેથી અલગ અલગ એપ્લીકેશનોના આઇડી તથા પાસવર્ડ મેળવ્યા હતા અને આ આઈડી અને પાસવર્ડમાં સટ્ટા બેટીંગનો જુગાર રમતા અને રમાડતા હતા. પોલીસે ત્યાંથી 2.93 લાખના 16 મોબાઈલ ફોન, 55 હજારના 5 કોમ્પ્યુટર, 1.50 લાખના 15 લેપટોપ, 12500 રૂપિયા રોકડા મળીને કુલ ૫,૧૦,૫૦૦ ની મત્તાનો મુદ્દામાલ કબજે લીધો હતો.
દિલ્હીથી કુંદન ગેમીંગનુ સંચાલન કરતા હોવાના પુરાવા મળ્યા
આખા દેશમાં કરોડો રૂપિયાની ગેમીંગના જે વ્યવહારો ચાલતા હતા તેમાં સુરતને હબ બનાવવામાં આવ્યું હતું. તેમાં દિલ્હીથી કુંદન નામનો ઇસમ આ કરોડોની ગેમીગ સિસ્ટમનુ હેન્ડલીંગ કરતો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન દેશ વિદેશમાં 29 એપ મારફત લોકો હાર જીતનો સટ્ટો કરતા હોવાની વિગત હાલમાં પ્રકાશમાં આવી છે. ટ્રાયોનિકસ સોલ્યુશનના હિબાસ કિતાબમાં કેટલા વ્યવહાર થયા છે તેની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી છે. દેશમાં ગેમીંગના ગ્લેમ્બલિંગના ધંધામાં કુંદન મોટું નામ હોવાનું મનાઇ રહ્યું છે.