Business

કરાઈ પોલીસ એકેડમીમાં પોસઈ ભરતી મામલે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વોકઆઉટ

ગાંધીનગર: કરાઈ પોલીસ (Police) એકેડમીમાં એક નકલી પોસઈ ભરતીનો (Recruitment) ઓર્ડર લઈને હાજર થઈ જતાં સમગ્ર કૌભાંડ (SCAM) બહાર આવ્યું છે ત્યારે કોંગ્રેસે (Congress) પણ આજે ગુજરાત વિધાનસભામાં પોસઈ ભરતી કૌભાંડના મામલે આજે ગુજરાત વિધાનસભામાં હોબાળો મચાવી દીધો હતો. ખાસ કરીને કોંગ્રેસના સભ્યોએ આજે ગૃહની અંદર પ્લે કાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસે પોસઈ ભરતીના મામલે ગૃહની અંદર ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસના સભ્યોએ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ પણ કરી હતી. બીજી તરફ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. તેની તપાસ ડીજીપી દ્વારા ચાલતી હતી. હું તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છું. વિધાનસભા ગૃહ બહાર આ મામલે જવાબ મળશે. બીજી તરફ કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ પણ કર્યો હતો.

કરાઈ પોલીસ એકેડમીમાં બોગસ પોસઈ બનીને ટ્રેનિંગ લેતા મયૂર તડવીના કૌભાંડનો પર્દાફાશ બે દિવસ પહેલા આંદોલનકારી અગ્રણી યુવરાજસિંહે કર્યો હતો. જો કે ગઈકાલે કરાઈ પોલીસ એકેડમી દ્વારા સત્તાવાર રીતે એવી સ્પષ્ટતા કરાઈ હતી કે આ સમગ્ર ઘટનાની જાણ એકેડમીના સત્તાાળાઓને પહેલાથી જ હતી. જેની ખાનગી રાહે તપાસ પણ ચાલી રહી હતી. જો કે પગલા લેવાય તે પહેલા તેની જાણ મીડિયાને કરી દેવાઈ હતી. કરાઈ પોલીસ એકેડમીમાં એક નકલી ભરતી ઓર્ડર સાથે એક યુવક હાજર થયો હતો. જે કે આંતરીક તપાસ દરમ્યાન તે પકડાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટનાના આજે વિધાનસભાની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કોંગ્રેસ સરકાર સામે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતું. જો કે આ ધમાલ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે ક્હ્યું હતું કે, સરકાર પારદર્શક રીતે યુવાનોની ભરતી કરવા માટે તમામ પગલા લેવા તૈયાર છે. ગૃહની અંદર કોંગીના સભ્યોની ધમાલ ચાલુ હતી તે જ વખતે સત્તાધારી બીજેપી દ્વારા કોંગ્રેસના સભ્યોને સાગમટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરતાં તેને અધ્યક્ષ શંકર ચૌધરીએ મંજૂર રાખી હતી. જેના પગલે આજના દિવસ પુરતા કોંગીના તમામ સભ્યો ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ થયા હતા. જો કે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સરકારે કહે છે કે અમે પહેલાથી જાણતા હતા. હકીકતમાં નકલી પોસઈ મયૂર તડવી અંદર ઘૂસી જાય છે, તેને રહેવા માટેની, જમવાની વ્યવસ્થા થઈ જાય તે બતાવે છે કે આની પાછળ સરકારમાં બેસેલા લોકોની મિલીભગત જવાબદાર છે.

સરકારમાં બેસેલા લોકોની મિલીભગત છે: અમીત ચાવડા
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કૌભાંડી – ડબલ એન્જિન સરકાર દ્વારા તેમના શાસનકાળમાં પહેલા પેપરો ફૂટ્યા, એક – બે વખત નહિ તેરથી વધુ વખત પરીક્ષાઓના પેપર ફૂટયા છે, આ પેપર નહિ, ગુજરાતના યુવાનોના નસીબ ફૂટ્યા હતા, તેમના સપનાઓ તૂટ્યા હતા. પહેલા પેપર ફૂટવાના કૌભાંડ થતાં, હવે જે બહાર આવ્યું છે, તેમાં કોઈ પરીક્ષાની તૈયારી નહિ કરવાની, ફોર્મ નહિ ભરવાના, પરીક્ષા આપવા પણ નહિ જવાનું. સીધા ૪૦-૫૦ લાખ રૂપિયાનો વહીવટ કરો અને ભાજપ સરકારમાં સીધી નોકરી મેળવો. કરાઈ પોલિસ એકેડમી ખાતે કોઈ પણ જાતની પરીક્ષા પાસ કર્યા સિવાય એક મયુર નામનો યુવાન ત્યાં ટ્રેનિંગમાં ભરતી થાય છે, લાંબા સમય સુધી ટ્રેનિંગ લે છે. પરંતુ સરકારના, ગૃહ મંત્રાલયના ધ્યાને આવતું નથી. રાતોરાત જ્યારે બહારથી તેની માહિતી મળે ત્યારે સરકાર તપાસ માટે જાગી હોય તેમ કહે, બી.જે.પી. ઓફિસથી પ્રેસ રિલીઝ કરે કે આ તો અમે જાણતા હતા પણ ગુપ્ત રાહે તપાસ કરતા હતા. ૪ – ૪ દિવસથી ગુપ્ત રાહે તપાસ થતી હોય પણ તેની ખબર રાજ્યના ગૃહમંત્રી અને સરકારને ન હોય ત્યારે તેનો સ્પષ્ટ મતલબ છે કે કોઈ રાતોરાત આવી રીતે આવી જતું નથી, આની પાછળ ચોક્કસ સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત હોય છે.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતુ કે જો કોઈ બીજા વિભાગમાં થયું હોય તો પોલિસ વિભાગ તેની કાર્યવાહી કરે, રાતોરાત ફોર્સને કામ લગાડે પણ આ તો પોતાના જ લોકો દ્વારા થયું હોય અને તેમ છતાં આજે ગૃહમાં જ્યારે ગુજરાતના યુવાનોની ચિંતા કરી ગંભીર વિષય લઈ ચર્ચાની કોંગ્રેસ પક્ષ માંગણી કરે ત્યારે રાજ્યના ગુજરાતના મુખ્યમંત્રી તેની સ્પષ્ટ ના પાડે, ગૃહમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વિકારી શરમ અનુભવવી જોઈએ, રાજીનામું આપવું જોઈએ તેના બદલે રાજકીય વાતો કરતાં હોય. કોંગ્રેસ પક્ષ તરફથી, સાથી પક્ષો તરફથી માંગણી કરીએ કે આ ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે. યુવાનોમાં ચિંતા છે, ડર છે કે પહેલા તો પેપરો ફૂટતાં હતા હવે તો બારોબાર પરીક્ષા આપ્યા વગર પૈસા આપીને નોકરીઓ મળે છે તો અમારા ભવિષ્યનું શું? રાજ્યના ગૃહમંત્રી જે રાજકીય નિવેદનો તો ખૂબ જોરશોરથી આપે છે તેઓને કહેવા માંગીએ છે કે પહેલા વારંવાર પેપરો ફૂટ્યા તેની માટે તમારી સરકાર તમારો વિભાગ જવાબદાર હતો. હવે જ્યારે સીધી ભરતી થતી હોય અને ગૃહ વિભાગમાં થતી હોય ત્યારે નૈતિક જવાબદારી સ્વીકારી, શરમ કરી તાત્કાલીક ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગણી પણ કરીએ છીએ.

Most Popular

To Top