ગુવાહાટી: આસામમાં એક પુરુષ અને તેની માતાને (Mother) મારી નાખીને તેમના મૃતદેહોના (Deadbody) ટુકડા કરવામાં આવ્યા હતા અને તે ટુકડા પાડોશી રાજ્ય મેઘાલયની ખીણોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ કૃત્ય કથિતપણે તે પુરુષની પત્ની અને તેણીના બે ગાઢ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું એમ પોલીસે (Police) આજે જણાવ્યું હતું.
- પોતાના બે પુરુષ મિત્રોની મદદથી આ હત્યાઓ કરીને બાદમાં પતિ-સાસુ લાપતા થયા હોવાની ફરિયાદ પણ નોંધાવી!
- જો કે મૃત પુરુષના ભત્રીજાએ પણ ત્રણ મહિના પછી મિસિંગની ફરિયાદ નોંધાવતા પોલીસને શંકા ગઇ અને આરોપીઓની પોલી ખુલી ગઇ
આ હત્યાઓ ગયા વર્ષના જુલાઇ અને ઓગસ્ટ માસમાં કરવામાં આવી હતી અને માતાના મૃતદેહના કેટલાક ટુકડાઓ આ રવિવારે ખાસી હિલ્સના ચેરાપુંજી નજીકથી મળી આવ્યા હતા. પહેલી હત્યા સાસુની થઇ હતી જે ૨૬ જુલાઇએ કરવામાં આવી હતી, જ્યારે પતિને ૧૭ ઓગસ્ટના રોજ મારી નાખવામાં આવ્યો હતો. અમે તમામ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે એમ ગુવાહાટીના પોલીસ કમિશ્નર દિગંત બરાહે પીટીઆઇને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પત્ની અને તેના એક સાથીદારની ગુવાહાટીમાં ધરપકડ થઇ છે જયારે ત્રીજો આરોપી તિનસુકીયા જિલ્લામાંથી પકડાયો છે.
આ ગુના અંગે વિગતો આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે પત્નીએ પોતાનો પતિ અમરજ્યોતિ ડે(૩૨ વર્ષ) અને સાસુ શંકરી દેવી(૬૨) લાપતા થયા હોવાની ફરિયાદ ૨૯ ઓગસ્ટે નોંધાવી હતી જેના પછી પોલીસે તપાસ કરી હતી. નવેમ્બરમાં અમરજ્યોતિના ભત્રીજાએ પણ લાપતાની બીજી ફરિયાદ નોંધાવી હતી જેના પરથી પોલીસને શંકા ગઇ હતી કારણ કે અમરજ્યોતિની પત્નીએ તેની સાસુના ખાતામાંથી નાણા પણ ઉપાડી લીધા હતા. તપાસ કરતા પોલીસને આ હત્યાઓ અમરજ્યોતિની પત્ની બંદના કાલિતા(૩૨) અને તેના બે પુરુષ મિત્રો ધનતી ડેકા(૩૨) અને અરૂપ ડેકા(૨૭) દ્વારા કરાઇ હોવાનું જણાયું હતું અને આરોપીઓએ લાશના ટુકડા ક્યાં ફેંક્યા છે તે પણ પોલીસને જણાવી દીધું હતું. વધુ તપાસ ચાલુ છે.