ગાંધીનગર : જમ્મુ- કાશ્મીરમાં (JammuKashmir) લિથિયમનો મોટો જથ્થો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) ની ટીમને હાથ લાગ્યો છે. ભારત (India) માટે લિથિયમનો મોટો એક વરદાન સાબિત થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઇ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમનો ભંડારનો હોવાની સંભાવના સેવાઇ રહી છે. દેશમાં પહેલીવાર બેટરી બનાવવામાં ઉપયોગમાં લેવાતા લિથિયમનો જથ્થો મળી આવ્યો છે. આ દુર્લભ ધાતુ ખૂબ જ ઓછી માત્રામાં મળે છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ કચ્છમાં પણ આ ધાતુ શોધી રહ્યુ છે.
કચ્છની જમીન સંશોધનનો વિષય
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) દેશમાં વિવિધ જગ્યાએ આ લિથિયમ સહિતની દુર્લભ ધાતુની શોધ કરી રહી છે. જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. ખનીજ અને ભૂસંપદાથી ભરપૂર કચ્છની જમીન સદીઓથી અભ્યાસુઓ અને વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય રહી છે. કચ્છના અખાત, જમીન અને રણમાં અનેક કેમિકલ, ખનીજ અને ધાતુની સંભાવનાઓ છે. દુનિયામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતી લિથિયમ નામની ધાતુની કચ્છમાં સંભાવનાઓને પગલે અહીં પણ ભારત સરકારે સંશોધન હાથ ધર્યું છે.
ચાર રાજયોમાં ચાલી રહેલી શોધ
વર્ષ 2019માં લોકસભામાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, આ અંગે તપાસ ચાલી રહ્યી છે. બેટરી અને ઇ-વાહનોના વધતા ચલણ માટે લિથિયમ ખૂબ જ જરૂરી છે. લિથિયમની માંગને સંતોષવા દેશમાં જ શોધના પ્રયાસો વધારવામાં આવ્યા છે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી હેઠળ કામ કરતા ઍટૉમિક મિનરલ ડાયરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ દ્વારા દેશમાં કર્ણાટક, રાજસ્થાન, ઝારખંડ અને કચ્છમાં શોધ કરવામાં આવી છે.
કચ્છમાં વધુ સંશોધનની જરૂર
ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે કચ્છના રણ, ડેક્કન ટ્રેપ તથા જુરાસિક યુગની જમીનોમાં સર્વે કર્યું હતું. પરંતુ તેમાં લિથિયમનો જથ્થો જોઇએ તેવી માત્રામમાં મળ્યો ન હતો. જોકે કચ્છના રણમાં આ ધાતુની સંભાવના છે. કચ્છમાં વિશાળ ક્ષેત્રમાં અરાવલ્લીના ગ્રેનાઇટમાંથી બનેલી જમીનો છે. જેમાં લિથિયમનું પ્રમાણ હોય છે. પરંતુ આ ખડકમાંથી કેટલી માત્રામાં લિથિયમ મળે છે તે મહત્વનું છે.