SURAT

સુરતના મહિલા ચિત્રકારનાં ‘અદભૂત’ ચિત્રએ મુંબઈના લોકોના મન મોહી લીધા

સુરત : ચિત્રકળા (Painting) ક્ષેત્રમાં સક્રિય દરેક ભારતીય ચિત્રકારની (Painter) ઈચ્છા મુંબઈની (Mumbai) આંતરરાષ્ટ્રીય કક્ષાની આર્ટ ગેલેરી (Art Gallery) ‘જહાંગીર આર્ટ ગેલેરી’માં પોતાની કૃતિ મુકાય એવી હોય છે. તાજેતરમાં જહાંગીર આર્ટ ગેલેરી દ્વારા દેશના સિનિયર અને નવા આશાસ્પદ ચિત્રકારોની કળાને પ્લેટફોર્મ પૂરું પાડવા તા. 7 થી 13 ફેબ્રુઆરી-2023 સુધી પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. જેમાં દેશભરમાંથી જાણીતા અને નવા આશાસ્પદ ચિત્રકારોનાં 3000 જેટલાં ચિત્રો રજૂ કરવામાં આવ્યાં છે. આ ચિત્ર પ્રદર્શનની જ્યુરીએ 74 જેટલાં ચિત્રો પ્રોફેશનલ કેટેગરી માટે પસંદ કર્યા એમાં સુરતનાં યુવા મહિલા ચિત્રકાર ભાવિની મયુર ગોળવાળાનું ચિત્ર પણ પસંદગી પામતાં સુરતનાં કલા જગતમાં આનંદ છવાયો છે.

ભાવિનીનું ચિત્ર હવે જહાંગીર આર્ટ ગેલેરીના કલેક્શનમાં સ્થાન પામશે એ સુરત માટે ગર્વની બાબત બનશે. ભાવિની ગોળવાલાનું ફ્લાઈંગ હોર્સ ઘોડાનું ચિત્ર ‘અદભૂત’ શીર્ષક સાથે જહાંગીર આર્ટ ગેલેરીમાં પહેલીવાર પ્રદર્શિત થયું હતું. ભાવિની સુરતના એકમાત્ર સ્પર્ધક ચિત્રકાર છે કે જેમનું ચિત્ર બોમ્બે આર્ટ સોસાયટીના 131માં ઓલ ઈન્ડિયા વાર્ષિક આર્ટ એક્ઝિબિશન-2023ના પુસ્તકમાં પસંદ કરવામાં આવ્યું છે. જેઓ પણ આ ચિત્ર જોયું તેમની આંખો ત્યાં ઠરી જતી હોવાનું ભાવિનીએ નોંધ્યું હતું. આ ચિત્રની મુલાકાતીઓએ ખૂબ પ્રશંસા કરી અને તેમાં પણ 7 સોલો આર્ટ એક્ઝિબિશન અને 45થી વધુ ગ્રુપ એક્ઝિબિશન કરનારા અશોક હિંગેએ તેમની કળાને વખાણી હતી.

જહાંગીર આર્ટ ગેલેરીમાં ભાવિની ગોળવાલાનું ફલાઈંગ હોર્સનું ચિત્ર ‘અદભૂત’ શીર્ષક સાથે રજૂ કરાયું હતું અને હાલમાં જહાંગીર આર્ટ ગેલેરીની બાજુમાં આવેલાં કાલાઘોડા આર્ટ ફેસ્ટીવલ ચાલી રહ્યું છે તેમાં પણ વિવિધ હોર્સ વિષયક જ સ્કલ્પચર અને સ્ટેચ્યુ મૂકાયાં છે અને વેચાઈ રહ્યાં છે. ભાવિનીના મતે આ એક અનોખો સંયોગ હોઈ શકે છે કે તેમનું ચિત્ર જે પસંદ થયું છે તે પણ ફ્લાઈંગ હોર્સ જ છે. ‘કલાઆરંભ’નાં જાણીતા ચિત્રકારો પૈકી નિશીકાંત પલાંડેના ચિત્રો વચ્ચે ભાવિનીનું ચિત્ર પ્રદર્શિત થયું હોવાથી આ બાબત પણ ચિત્રની મહત્વતા દર્શાવે છે. મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનઘંટીવારે કર્યું હતું.

ભાવિની ગોળવાલાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાંથી 3000 હજાર જેટલાં અવનવા ચિત્રો એક્ઝિબિશન માટે આવ્યાં છે. તેમાં માત્ર 74 જેટલાં ચિત્રો પ્રોફેશનલ કેટેગરી માટે પસંદ કરાયાં છે જેમાં એક ચિત્ર મારુ છે એવી યાદી મુકાયા પછી આત્મ સંતોષની લાગણી થઈ છે. સુરતના મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલાએ મુંબઈ ખાતે યોજાનારા જહાંગીર આર્ટ ગેલેરીમાં પોતાના ચિત્રો પ્રદર્શિત કરવા માટે પ્રથમવાર ભાગ લીધો હતો. ભાવિની સહિતની સુરતની 10 મહિલા ચિત્રકારોનું ‘કંચલા આર્ટ એક્ઝિબિશન’ ત્રણ મહિના અગાઉ સુરતની વનિતા વિશ્રામ આર્ટ ગેલેરીમાં યોજાયું હતું. ગોળવાલા હવે 18 થી 23 એપ્રિલે અમદાવાદની ગુફામાં યોજાનારા પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ભાગ લેવા જશે.

Most Popular

To Top