ChatGPT શું છે અને તે શું અજાયબીઓ કરી શકે છે? તમે કદાચ તેના વિશે થોડું ઘણું જાણતા હશો, પરંતુ છેલ્લા 15 દિવસમાં તેની સાથે કંઈક અજીબોગરીબ બની રહ્યું છે! હજુ તો તેને ગૂગલનું રિપ્લેસમેન્ટ કહેવામાં આવી રહ્યું હતું, ત્યાં હવે તેના પર પ્રતિબંધના અહેવાલો દરેક જગ્યાએથી આવી રહ્યા છે! આ પ્લેટફોર્મ પર ભારતથી લઈને અમેરિકા અને ફ્રાન્સમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. આખરે એવું તો શું થયું કે જે ગેમ ચેન્જર બનવાનું હતું તે હવે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.
ChatGPT એ મશીન લર્નિંગ અને AI આધારિત સોફ્ટવેર છે. તેને OpenAI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. બાય ધ વે, હવે તેની ભાગીદારી માઈક્રોસોફ્ટ સાથે પણ થઈ ગઈ છે. તમારે ફક્ત આ ચેટ બોટને કહી દેવાનું અને એ તમારું કામ શરૂ કરી દેશે! લોન્ચ થયાના થોડા જ દિવસોમાં 10 લાખથી વધુ યુઝર્સે તેનો ઉપયોગ કર્યો હતો! પહેલા તે ફ્રી હતું, પરંતુ હવે તેનો પ્રીમિયમ પ્લાન પણ ઉપલબ્ધ છે. દર મહિને 3400 રૂપિયા ખર્ચ થાય છે. હવે તેના પર પ્રતિબન્ધ લાગવા માંડ્યો છે કારણ કે તેના ફાયદાઓ કરતા હવે ગેરફાયદા વધુ સામે આવી રહ્યા છે!
ન્યુ યોર્કની સ્કૂલોએ આ ચેટ બોટ પર પ્રતિબંધ મૂકીને વિશ્વમાં પ્રથમ ઑથોરિટી બની ગઈ છે. અહીંની સ્કૂલોને ડર હતો કે બાળકો આનાથી તેમનું હોમવર્ક કરાવી લેશે. ગણિતના પ્રશ્નો અને નિબંધો પણ ChatGPT લખી આપશે. પરીક્ષામાં પણ તેનો ઉપયોગ થવાનો ભય રહેલો છે. સિએટલની ઘણી પબ્લિક સ્કૂલોએ પણ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત બેંગ્લુરુની કોલેજે પણ ChatGPT પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. દેશના IT હબમાં જ ઘણી કોલેજોએ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે! કારણ લગભગ એક જ છે, વિદ્યાર્થીઓ તેમના અસાઇનમેન્ટ આમાંથી જ કરતા હતા!
આરવી યુનિવર્સિટી અને દયાનંદ સાગર યુનિવર્સિટીએ ChatGPT સાથે ગીથબ કોપાયલોટ અને બ્લેકબોક્સ જેવા એઆઈ ટૂલ્સના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. IIT બેંગ્લોરે વાસ્તવમાં તેના ઉપયોગ માટે એક સમિતિની રચના કરી છે. અસાઇનમેન્ટની પદ્ધતિ બદલવાની વાત પણ આવી છે અને આવા સાધનોનો ઉપયોગ કરવા બદલ કોલેજમાંથી હાંકી કાઢવા જેવા કડક પગલાં પણ સાંભળવા મળે છે. એટલું જ નહીં, ફ્રાન્સની ઘણી ટોચની કોલેજો અને યુનિવર્સિટીઓએ ChatGPT માટે તેમના દરવાજા બંધ કરી દીધા છે. જો તમે કોઈપણ કારણોસર તેનો ઉપયોગ કરવા માંગતા હો, તો ફક્ત કોલેજના અગ્રણીઓની દેખરેખ હેઠળ કરી શકશો. હજુ ઉભા રહો, સ્કૂલ અને કોલેજો જ નહીં, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મશીન લર્નિંગ (ICML) એ પણ ChatGPT પર પ્રતિબંધ મૂક્યો છે! ICML એટલે મશીન લર્નિંગનું સૌથી મોટું નામ. તેમણે તેમના કોન્ફરન્સના સહભાગીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તેઓ આ ટૂલ્સમાંથી લખીને લાવશે તો તે નહીં ચાલે.
અત્યારે આવું કેમ થઈ રહ્યું છે તેના ઘણા કારણો હોઈ શકે છે, પણ સૌથી મોટું કારણ એ છે કે ChatGPT દ્વારા કંઈપણ લખતી વખતે માનવીય સ્પર્શ અને મૌલિકતાનો અભાવ જણાય છે. બાય ધ વે, ChatGPTના ભવિષ્ય વિશે વાત કરતી વખતે, પ્રખ્યાત ટેક નિષ્ણાત માર્ક્સ બ્રાઉનલીએ તેમના વિડિયોમાં કહ્યું છે કે, ઓનલાઈન સામગ્રી બનાવતી વખતે કેટલીક મૂળભૂત બાબતો જરૂરી છે. જેમ કે સર્જનાત્મક પ્રક્રિયા. આ માટે પહેલા એક વિચારની જરૂર છે. પછી તેને વિકસાવવાની પ્રક્રિયાની જરૂર છે. કારણ કે ChatGPT દ્વારા યૂઝર્સ સાથે સંવાદ પણ થાય છે. આ બધા માટે કલ્પના શક્તિની જરૂર છે. તે ચેટ બોટ કેવી રીતે કરી શકશે. આ સિવાય મશીનમાં માનવીય લાગણી અને સ્પર્શનું કોઈ તત્વ નથી. AI ટૂલનો અર્થ છે, ડેટા બેઝની ખાણમાંથી તમારા કામના હીરા કાઢવાનું મશીન. અલબત્ત, એવું નથી કે તેણે તેની પ્રશંસા કરી ન હતી. પણ માર્ક્સ બ્રાઉનલીની એક પંક્તિ ઘણું બધું કહી જાય છે – ‘આ સાધન છે, સર્જક નથી.’ આગળ શું થશે, તે કદાચ ChatGPT જ કહી શકશે. જો તમારી પાસે તે હોય તો પછી પૂછી લેજો, અને હા આમ પણ પૂછો કે તમારા પર પ્રતિબંધ શા માટે છે?