અમદાવાદ: ભૌતિકતા પૂર્ણ બનાવે છે, તો આધ્યાત્મિકતા પરિપૂર્ણ બનાવે છે. ગુજરાત (Gujarat) ટેકનોલોજિકલ (Technological) યુનિવર્સિટી (University) એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે ગત વર્ષથી ભારતીય સંસ્કૃતિ, ભારતીય દર્શન, પ્રાચીન ભારતીય જ્ઞાન, વેદ, પુરાણ અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કર્યા છે. આ યુનિવર્સિટી પરિપૂર્ણ વ્યક્તિને સંપૂર્ણ માનવ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ છે. તેવું GTUનો ૧૨મો દીક્ષાંત સમારંભમાં આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના 12મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વધુમાં કહ્યું હતું
પ્રાચીન ભારતીય જ્ઞાન, વેદ, પુરાણ અને ઉપનિષદના 12 અભ્યાસક્રમ શરૂ કર્યા
વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ દ્વારા ખૂબ ઓછા સમયમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવી છે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય સંસ્થાન તરીકેની ખ્યાતિ મેળવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, વર્તમાનમાં 307 વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં અધ્યયન કરી રહ્યા છે. ગત વર્ષે 30 દેશોના 117 વિદ્યાર્થીઓએ આ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો ગૌરવપૂર્ણ દિવસ એટલે દીક્ષાંત સમારોહ. આ ગૌરવપૂર્ણ દિવસે આચાર્ય દેવવ્રત જેવા મહાપુરુષની ઉપસ્થિતિ હોય અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય એ ખૂબ જ મહત્ત્વની વાત છે.
વિદ્યાર્થીઓએ અવનવા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ શરૂ કર્યા
જીટીયુ એ વિદ્યાર્થીઓને ટેકનિકલ ક્ષેત્રે ઉમદા પ્રદર્શન કરવા અને ઓળખ ઊભી કરવા માટેનું એક ઉમદા પ્લેટફોર્મ પૂરું પાડે છે, જેનાં થકી આજે વિદ્યાર્થીઓએ અવનવા ઇનોવેશન અને સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. આવા જ ઇનોવેશન અને સ્ટાર્ટઅપથી આપણે આગળ વધી રહ્યા છીએ અને દેશમાં નિકાસની ગતિને વેગ આપી રહ્યા છીએ સાથે સાથે રોજગાર લેનાર નહિ પરંતુ રોજગાર આપનારની ભૂમિકા ભજવી રહ્યા છીએ.
સામાન્ય વિજ્ઞાનને આધ્યાત્મિક વિજ્ઞાન સાથે જોડી શિક્ષણ આપવામાં આવે છે
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી એ એવી બાબત છે જે મોટામાં મોટી સમસ્યાનું નિરાકરણ લાવી સરળતાથી કાર્ય પાર પાડી શકાય છે અને સમયની બચત કરી શકાય છે. આજે અવનવા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનથી ભારત અવનવા અયામોને પરિપૂર્ણ કરી રહ્યો છે તે ખૂબ જ ગર્વની બાબત છે. જીટીયુ દ્વારા સામાન્ય વિજ્ઞાનને આધ્યાત્મિક વિજ્ઞાન સાથે જોડી શિક્ષણ આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓ ભૌતિક, રાસાયણિક અને જૈવ વિજ્ઞાનની સાથે સાથે અધ્યાત્મિક વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને અલગ અલગ પરિપેક્ષમાં વિચારતો થાય છે તેથી તેનો સર્વાંગી વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. જે ખૂબ જ મહત્વની બાબત છે.