ગાંધીનગર: પદવી મેળવીને જવાબદાર નાગરિક બનેલા છાત્રો, આ દેશના મેઘાવી, પ્રતિભાશાળી અને બુદ્ધિશાળી યુવાનો પોતપોતાના ક્ષેત્રોમાં પ્રમાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે. વર્તમાન સમયના અનેક પડકારોના ઉકેલ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ જ સફળ વિકલ્પ છે, તેવું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 18માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી જણાવ્યું હતું.
આ સમારોહમાં 36 છાત્રને સુવર્ણપદક, 33 વિદ્યાર્થીને પીએચ.ડી., 164 વિદ્યાર્થીને અનુસ્નાતક પદવી અને 338 વિદ્યાર્થીને સ્નાતકની પદવી એનાયત કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આ દેશના યુવાનો આવા આદર્શ વ્યક્તિત્વ સાથે મજબૂતાઈથી જોડાઈને દેશની પ્રગતિ માટે દ્રઢતાપૂર્વક પ્રયત્નશીલ થાય તો આ દેશને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ 24 ટકા જવાબદાર છે. આ પ્રકારની ખેતીથી ખેડૂતોનો ખર્ચ વધ્યો છે, શરીર અનેક રોગોનું ઘર બન્યું છે, ભૂમિનું ઓર્ગેનિક કાર્બન ઓછું થયું છે. જો આમ જ ચાલ્યું તો આપણે આપણી આવનારી પેઢીને વારસામાં વેરાન જમીન આપતા જઈશું.
પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, અહીંથી પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારોના સર્વાગી વિકાસમાં સહભાગી થઇ સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરીએ. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્યને કૃષિ વિકાસના સંદર્ભમાં મોડેલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે.