Gujarat

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેની પ્રગતિનું નિરીક્ષણ કરતાં નીતિન ગડકરી

ગાંધીનગર : કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (Express Way) (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર કુલ ₹4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

ગડકરીએ કહ્યું હતું કે, અમદાવાદ અને ધોલેરાને જોડવા અને ધોલેરાના કેટલાંક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનને અમદાવાદ સાથે જોડવા માટે એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે કામ કરશે. આ એક્સપ્રેસ વે અમદાવાદ અને ધોલેરા વચ્ચે હાઇ સ્પીડ મુસાફરીને સક્ષમ બનાવશે અને મુસાફરીનો સમય લગભગ 1 કલાક (હાલમાં 2.25 કલાકથી) ઘટાડશે. ધોલેરા ખાતેના એરપોર્ટને પણ સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે. આ માર્ગ સરખેજને ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા નવાગામ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR) નજીક સરદાર પટેલ રિંગ રોડને જોડે છે. આ એક્સપ્રેસ વે અમદાવાદ અને ધોલેરામાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે પણ મદદરૂપ સાબિત થશે.

દાદા તથા નીતિન ગડકરી વચ્ચે બેઠક
ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરવામાં આવી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. નેશનલ હાઇવેના વિકાસ અને સુધારણા માટેના ૮૧ કામો માટે ગુજરાતમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ માટે ૫૨,૭૭૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે ૩૦,૯૦૮ કરોડના ૧૩૬૬ કિમી.ના ૨૨ કામો આયોજનના તબક્કામાં છે. આમ ગુજરાતમાં નેશનલ હાઇવેના બાંધકામ અને સુધારણા માટે કુલ ૧,૦૮,૬૯૦ કરોડ રૂપિયા વાપરવામાં આવનાર છે.

રાજ્યમાં કાર્યરત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જેમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, અમૃતસર જામનગર એક્સપ્રેસ વે અને થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Most Popular

To Top