Gujarat

શાળા સંચાલકો વિદ્યાર્થીઓને કેવું સ્વેટર કે જેકેટ્સ પહેરવું એ માટે દબાણ નહીં કરી શકે

ગાંધીનગર: રાજકોટની (Rajkot) જસાણી સ્કૂલમાં (School) ધોરણ-8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું કાતીલ ઠંડીની અસરના કારણે મોત (Death) નીપજ્યું હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખાસ કરીને આ શાળાના સંચાલકો દ્વારા આ મૃતક વિદ્યાર્થિનીને એક ચોક્કસ દુકાનમાંથી ખરીદેલું સ્વેટર તથા ચોક્કસ રંગનું સ્વેટર પહેરવાનો આગ્રહ રખાયો હતો. બીજી તરફ વિદ્યાર્થિની પોતાની પાસે જે સ્વેટર હતું તે પહેરીને સ્કૂલે આવી હતી. આ દરમિયાન શાળામાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે.

બુધવારે કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને સમગ્ર ઘટના અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. જો કે, આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં ચાલુ શાળાએ વિદ્યાર્થિનીનું મૃત્યુ હૃદય રોગના હુમલાના કારણે થયું છે. અલબત્ત, આ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. જો કે, સરકારનું સ્પષ્ટ માનવું છે કે, શાળા સંચાલકો એવું ના કહી શકે કે વિદ્યાર્થીએ કયું સ્વેટર પહેરવું અથવા ક્યાંથી ખરીદવું ? ઠંડી રોકી શકાય તેવું સ્વેટર પહેરવામાં કોઈ વાંધો નથી. બીજું કે જે જિલ્લાઓમાં વધુ ઠંડી પડી રહી છે. તે જિલ્લાઓમાં વહીવટી તંત્ર પોતાની મેળે ઠંડીને ધ્યાને રાખીને શાળાનો સમય પાછો ઠેલી શકશે, તેમાં સરકારે મંજૂરી આપી દીધી છે.

રાજકોટની જસાણી સ્કૂલની મૃતક વિદ્યાર્થિની રિયા કિરણકુમાર સાગર (સોની) સવારે સ્કૂલે પહોંચી કે એક કલાકની અંદર જ ચાલુ ક્લાસે ઢળી પડી હતી. જ્યારે તેણીને હોસ્પિટલમાં લઈ જવાઈ ત્યારે ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. મૃતક રિયાના જાનકી સોનીએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે, શાળા સંચાલકો દ્વારા ચોક્કસ પ્રકારનું સ્વેટર પહેરવાનો આગ્રહ રખાયો હતો. જેના કારણે ઠંડી લાગી જવાથી અમારા પરિવારની પુત્રીનું મોત નીપજ્યું હતું. શાળા સંચાલકો જે સ્વેટર પહેરવાનો આગ્રહ રાખી રહ્યા છે, તે ઠંડીની સામે રક્ષણ આપી શકે ન હતું. જેના કારણે મારી પુત્રી મોતને ભેટી છે. શાળાનો સમય પણ થોડોક પાછો ઠેલવો જોઈતો હતો.

Most Popular

To Top