National

પીએમ દ્વારા 8મી વંદે ભારત એક્સપ્રેસ દેશને ભેટ, આ બે રાજ્યો વચ્ચે દોડશે ટ્રેન

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના (Makarsankaranti) અવસર પર દેશને આઠમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Train) ભેટ આપી હતી. વડા પ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું આ વંદે ભારત એક્સપ્રેસ એ ભારતનું પ્રતીક છે જે તેના દરેક નાગરિકને વધુ સારી સુવિધાઓ આપવા માંગે છે. તે ભારતનું પ્રતીક છે, જે ગુલામીની માનસિકતામાંથી બહાર આવીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. પીએમએ વધુમાં કહ્યું કે આજે વંદે ભારત પર જે ઝડપથી કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે.

બીજી ટ્રેન 15 દિવસમાં
વડાપ્રધાન મોદીએ કહ્યું, આ 2023ની પહેલી ટ્રેન છે. 15 દિવસમાં આપણા દેશમાં દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. આ દર્શાવે છે કે વંદે ભારત અભિયાન ભારતમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ટ્રેનની સ્પીડના ઘણા વીડિયો લોકોના દિલ અને દિમાગમાં છવાઈ ગયા છે.

જ્યાં ગતિ છે ત્યાં પ્રગતિ છે
પીએમએ કહ્યું જ્યારે કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકસાથે આવે છે, ત્યારે તે સપનાને વાસ્તવિકતા સાથે જોડે છે. તે ઉત્પાદનને બજાર સાથે જોડે છે. પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ સાથે જોડે છે. કનેક્ટિવિટી તેની સાથે વિકાસની સંભાવનાઓ લાવે છે. તેમણે કહ્યું કે અમે એ સમય પણ જોયો છે જ્યારે બહુ ઓછા લોકોને અહીં વિકાસ અને આધુનિક કનેક્ટિવિટીનો લાભ મળતો હતો. જેના કારણે દેશમાં બહુ મોટી વસ્તીનો સમય માત્ર આવન-જાવનમાં જ પસાર થતો હતો. આનાથી સામાન્ય નાગરિક, મધ્યમ વર્ગને નુકસાન થતું હતું. આજે ભારત એ જૂની વિચારસરણીને છોડીને આગળ વધી રહ્યું છે. વંદે ભારત ટ્રેન આનો મોટો પુરાવો અને પ્રતીક છે. જ્યારે ઇચ્છાશક્તિ હોય, ત્યારે સૌથી મુશ્કેલ લક્ષ્યો પણ પ્રાપ્ત કરી શકાય છે.

આ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. તેમણે કહ્યું પીએમએ કહ્યું હતું કે દેશના એન્જિનિયર, ડિઝાઇનર્સ, ટેકનિશિયન આ ટ્રેન બનાવશે. આ ટ્રેનમાં અવાજનું પ્રમાણ વિમાન કરતા 100 ગણું ઓછું છે, તે એન્જિનિયરો માટે ગર્વની વાત છે. રેલવે અને દેશનો વિકાસ રાજકારણથી ઉપર છે. જ્યાં કેન્દ્રની જરૂર પડશે ત્યાં હાજર રહીશું.

આ વંદે ભારતનો માર્ગ હશે
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ નવી ટ્રેનની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે. શનિવારથી ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ માહિતી આપી હતી કે વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે અને બપોરે 2.15 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. જ્યારે સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદ બપોરે 3 વાગ્યે ઉપડશે અને 11.30 વાગ્યે વિશાખાપટ્ટનમ પહોંચશે.

આ 8મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે
રેલ્વેએ માહિતી આપી હતી કે ટ્રેનમાં 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કાર કોચ સાથે 1,128 મુસાફરોની વહન ક્ષમતા છે. આ ટ્રેન સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર લગભગ 8 કલાકમાં કાપશે. ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી આ 8મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન
લગભગ 700 કિમીનું અંતર કાપીને, તે તેલુગુભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ ટ્રેન છે. ટ્રેન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશનો પર રોકાશે.

Most Popular

To Top