વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ ખડકી ગામે (Khadki village) વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં પ્રાર્થના બાદ પ્રાર્થના ખંડમાં વિદ્યાર્થીઓને બેરહેમીથી લાકડીથી મહિલા આચાર્યાએ માર મારતા કેટલાક વિદ્યાર્થીઓને પિંડવળની હોસ્પિટલમાં (Hospital) સારવાર આપવામાં આવી હતી. 1થી 8 ધોરણમાં ભણતા નાના ભૂલકાઓને સાગની લાકડીથી બેરહેમીથી મારવાના આ બનાવને પગલે સમગ્ર પંથકમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વિદ્યાર્થીઓને આચાર્યાએ માર્યા બાદ વાલીઓએ શાળા ઉપર આવીને શાળાને બંધ કરાવવાની ફરજ પાડી હતી. વાલીઓ રોષે ભરાતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દોડતું થયું હતું. આ ગંભીર બનાવને પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે બે અધિકારીઓને તાત્કાલિક શાળામાં મોકલ્યા હતા. બાળકોના કહેવા પ્રમાણે આ બનાવ શુક્રવારે બન્યો હતો. જેના પડઘા આજે પડતા ગામના લોકોએ શાળાને બંધ કરાવીને તંત્ર પાસે તપાસ કરાવી કસૂરવાર સામે પગલા લેવા માગ કરી હતી.
શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા વિદ્યાર્થીઓ દિગ્મૂઢ થઈ ગયા
સૂત્રોના જણાવ્યા મુજબ ખડકી ખાતે આવેલા સર્વોદય ટ્રસ્ટના છાત્રાલય ખાતે 160 થી વધુ વિદ્યાર્થીઓ રહે છે અને નજીકની ખડકીની જિલ્લા પંચાયત હસ્તકની સરકારી શાળામાં અભ્યાસ કરે છે. નિત્યક્રમ મુજબ વિદ્યાર્થીઓ શાળામાં પહોચ્યા હતા. દરમિયાન મોડે આવવા મુદ્દે મુખ્ય શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા વિદ્યાર્થીઓ દિગ્મૂઢ થઈ ગયા હતા. જોકે શિક્ષિકા દ્વારા આ મુદ્દે કોઈને કંઈ નહી કહેવાનું જણાવતાં વિદ્યાર્થીઓ ચુપ રહ્યા હતા જોકે સાંજે શાળાએથી છૂટી હોસ્ટેલ પહોંચ્યા બાદ ત્યાં સમગ્ર બાબત જણાવતાં મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ બનાવને પગલે શનિવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળામાં ધસી આવતા મામલો એક તબક્કે તંગ બન્યો હતો. આ બનાવ અંગે કોઈએ પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષણ સમિતિ અધ્યક્ષને જાણ કરી હતી. જેના કારણે પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ત્વરિત બે અધિકારીઓને તપાસ માટે મોકલ્યા હતા. તપાસ માટે ગામમાં પહોંચેલા અધિકારીઓએ બાળકોના નિવેદનો લીધા હતા.
વિદ્યાર્થીઓ રડતા હતા ત્યારે શિક્ષકો હસતા હતા
ખડકી શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું તે પ્રમાણે મોડે આવવા મુદ્દે અમને લાકડીથી મારવામાં આવ્યા છે, અમને લાગ્યું હોવાથી પીડા થતી હતી અને ક્લાસમાં રડતા હતા ત્યારે શિક્ષક કહેતા કે રડશો તો હજુ મારીશું. ઘણા બધા વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. અમે રડતા હતા ત્યારે શિક્ષકો હસતાં હતા.
રાત્રે વાલીની ફરિયાદને આધારે ધરમપુર પોલીસે ગુનો નોંધ્યો
શાળામાં વિદ્યાર્થીઓને મુખ્ય શિક્ષિકા દ્વારા મારવાના બનાવમાં મોડી સાંજે એક વિદ્યાર્થિનીના પિતાએ ધરમપુર પોલીસ મથકે તેની પુત્રી અને ધો.1થી8 ના કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા સાગની લાકડી વડે માર મારવામાં આવ્યા હોવા અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.