સુરત : શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ (Builder Group) રાજગ્રીનના (Rajgreen) સંજય મોવલિયા અને મનોજ મોવલિયા સહિતના અન્યોએ રૂ. 100 કરોડની લોનની (Lone) ભરપાઈ નહીં કરતા નાદારી જાહેર કરાઈ છે. તેવામાં જ જિલ્લા કલેક્ટરે પાલની રાજહંસ મલ્ટિપ્લેક્સ (Rajahansa Multiplex) સાથે મગોબ પાસેની અમેઝિયા વોટર પાર્કવાળી (Amezia Water Park) મિલકત જપ્ત કરવા માટેનો હુકમ કરતા બિલ્ડરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.શહેરના પાલમાં રાજહંસ મલ્ટિપ્લેક્સ સાથે અમેઝિયા વોટર પાર્ક વાળી મિલકત પર જાણીતા બિલ્ડર ગ્રુપ રાજહંસના સંજય મોવલિયા અને મનોજ મોવલિયા બંને ભાઇએ રૂ. 136 કરોડની લોન યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લીધી હતી.
- યુનિયન બેંક પાસેથી રાજગ્રીન ગ્રુપ દ્વારા 136 કરોડની લોન લેવામાં આવી હતી
- આ લોનના 100 કરોડ રૂપિયા બાકી હતા અને હપ્તા ભરવામાં આવતા નહોતા
- યુનિયન બેંક દ્વારા મિલકતો કબ્જે કરવા માટે અરજી કરવામાં આવતાં કલેકટરનો આદેશ
100 કરોડની લોનની વસૂલાત માટે સરહેલી એક્ટ હેઠળ કાર્યવાહી
જે પછી લોનના અમુક હપ્તા ભર્યા બાદ બાકીના રૂ. 100 કરોડના હપ્તા નહીં ભરાતા બેંકે મોવલિયાભાઇઓને નોટિસ આપી હતી. પરંતુ તેમણે હપ્તા ભર્યા ન હતાં. તેવામાં જ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી હતી. જેમાં રૂ. 100 કરોડની લોનની વસૂલાત માટે સરહેલી એક્ટ હેઠળ કાર્યવાહી કરી મિલકત જપ્ત કરવા હુકમ કરવા અરજી કરી હતી. અરજીને પગલે જિલ્લા કલેક્ટરે સંજય મોવલિયા, મનોજ મોવલિયા, અતુલ કોટડિયા, અલ્પેશ પટેલ સહિતનાઓની બેંક લોન સામે ગિરો મૂકેલી પાલની રાજહંસ મલ્ટિપ્લેક્સ અને મગોબ ડુંભાલ સ્થિત અમેઝિયા વોટર પાર્ક વાળી મિલકત જપ્ત કરી કબજો બેંકને સોંપવા આદેશ જારી કર્યો છે.
અંત્રોલીમાં ગેરકાયદે મોરમની ચોરી: રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત
માંડવી: માંડવીના અંત્રોલી ગામે બિન અધિકૃત રીતે મોરમ (માટી)ની ચોરી થતી હોવાની બાતમી સુરત ભૂસ્તર વિભાગને મળતાં ચેકિંગ હાથ ધર્યુ હતું. આ બનાવમાં સ્થળ પરથી મોરમ, એક જેસીબી મશીન, હાઈવા ટ્રક મળી રૂ.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ રોડ ઉપર આવેલા અરેઠ નજીકના અંત્રોલી ગામે બિન અધિકૃત મોરમ (માટી) ખનનની બાતમી મળતાં સુરત ભૂસ્તર વિભાગના અધિકારી હિતેશ પટેલ, ભાવેશ ભાવસાર, બીપીન કાછડિયા અને માંગી લાલાએ ચેકિંગ કરતાં સ્થળ પરથી ખોદકામ કરતું એક જેસીબી નં.(GJ-19-AJ-9950) અને હાઈવા નં.(GJ-19-Y-1306) મળ્યું હતું.
હાઇવામાં મોરમનો જથ્થો હતો. બિન અધિકૃત મોરમની ખનીજ ચોરીમાં વદેશીયા ગામના કિરણ ડાહ્યા ચૌધરીનું નામ બહાર આવ્યું હતું. આ બનાવમાં મોરમ, જેસીબી મશીન અને હાઈવા ટ્રક મળી રૂ.50 લાખનો મુદ્દામાલનો કબજો લઈ કસાલ ખાતે લાવવામાં આવ્યો હતો. જેને કારણે માંડવી તાલુકામાં રેતીખનન અને માટીખનન કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.