વલસાડ: વલસાડના (Valsad) ગુંદલાવ હોટલની સામે સુરત તરફ જતાં માર્ગ પરથી ડુપ્લીકેટ (Duplicate) તેલના ડબ્બા (Oil cans) ઉપર તિરુપતિ (Tirupati) કપાસિયા તેલનું (Cottonseed Oil) સ્ટીકર લગાવીને હેરાફેરી કરાતી હોય પોલીસે કુલ 7 ડબ્બા જેની કિં.16,450 હોય પોલીસે ઝડપી પાડીને બે સામે ગુનો નોંધ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહેસાણામાં રહેતા પંકજ કાંતિ યાજ્ઞિક તેઓ એન.કે.પ્રોટીન્સ પ્રા.લિ. કંપનીમાં છેલ્લા 25 વર્ષથી નોકરી કરે છે. તિરુપતિ કપાસીયા ઓઇલની બજારમાં થતી ભેળસેળને રોકવા માટે કંપનીએ મેનેજર ઓથોરાઈટ લેટર આપેલ છે. વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે વલસાડના ગુંદલાવ ફલાહ હોટલની સામે સુરતથી મુંબઈ જતાં રોડ પરથી 7 નંગ તિરૂપતિ તેલના ડબ્બા સાથે વલસાડ પારડી ખોડીયાર માતાના મંદિરની બાજુમાં નિતીન જનરલ સ્ટોરની દુકાનની ઉપર રહેતા કપિલ ગોવિંદજી ભાનુશાલી અને ઘમડાચી ગામે શુભમંગલ એપાર્ટમેન્ટમાં રહેતા નિર્મલ બાબુ ચૌહાણની ધરપકડ કરી હતી.
ડબ્બા ઉપર ડુપ્લીકેટ તિરૂપતિ તેલના ડબ્બાનું સ્ટીકર
આ બાબતે પોલીસે તપાસ કરવા માટે કંપનીના મેનેજર પંકજભાઈને ફોન કર્યો હતો. પંકજએ વલસાડ આવીને તિરુપતિ તેલના ડબ્બાની તપાસ કરતા તેલના ડબ્બા ઉપર ડુપ્લીકેટ તિરૂપતિ તેલના ડબ્બાનું સ્ટીકર લગાવીને ભેળસેળ કરી હેરાફેરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કપિલ તથા નિર્મલ પાસેથી સાત તેલના ડબ્બા જપ્ત કર્યા, જેની કિં.રૂ.16,450 છે. જે અંગેની ફરિયાદ કંપનીના મેનેજરે કપિલ અને નિર્મલ વિરૂધ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવી છે.
નવસારી જિલ્લામાં બલુન અને ચાઇનીઝ દોરી વેચાણ કરતા વધુ 16 ઝડપાયા
નવસારી : નવસારી એસ.ઓ.જી. પોલીસે જિલ્લામાંથી સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ દોરી વેચાણ કરતા વધુ 16 લોકોને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાયે આગામી મકરસંક્રાતિના તહેવાર અન્વયે સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ બાબતે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન-શાખાને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન/શાખા દ્વારા અલગ-અલગ જગ્યાએ ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરી વેચાણ કરતા ઈસમો વિરુધ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાં અનુસંધાને જી.પી. એક્ટ 135 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગત 5મીએ વિજલપોર પોલીસે 1, જલાલપોર પોલીસે 1, મરોલી પોલીસે 1, ગણદેવી પોલીસે 3, બીલીમોરા પોલીસે 6, ચીખલી પોલીસે 1 અને વાંસદા પોલીસે 3 કેસો કર્યા હતા.