ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં (Election) આપને (AAP) ગુજરાતમાં (Gujarat) 5 બેઠકો મળી છે, જયારે સરકાર બનાવવાનું સપનુ પૂર્ણ થયુ નથી ત્યારે આપની કેન્દ્રિય નેતાગીરીએ આપના ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફાર કર્યા છે. ખાસ કરીને આપના પ્રદેશ પ્રમુખ પદેથી ગોપાલ ઇટાલિયાને હટાવવામાં આવ્યા છે. જયારે ગોપાલ ઇટાલિયાને રાષ્ટ્રીય સંયુકત્ત મહામંત્રી સાથે મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવાયા છે. જયારે ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ પદે ઈશુદાન ગઢવીની નિમણૂંક કરાઈ છે.
અન્ય નવી નિમણૂંક પણ કરાઈ છે. જેમાં સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે અલ્પેશ કથીરિયા, દક્ષિણ ગુજરાત ઝોનના કાર્યકારી પ્રમુખ ચૈતર વસાવા, ઉત્તર ગુજરાત ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ જગમાલ વાળા, મધ્ય ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે જેવલ વસરા અને કચ્છ ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકે કૈલાશ ગઢવીની વરણી કરાઈ છે. આપની બેઠકમાં ગુજરાતમા આગામી દિવસોમાં આપનું સંગઠન વધુ મજબૂત બને તે માટે ચર્ચા કરાઈ હતી.
હિન્દુ સંતો તથા મહંતો અને ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદી વિશે બેફામ નિવેદનો કરવા બદલ ગોપાલ ઇટાલિયા વિધાનસભાની ચૂંટણી વખતે વિવાદમાં આવ્યા હતા. તેમના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. જેના કારણે આપની છબીને નુકસાન થયુ હતું. આ કારણોસર ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાંથી હટાવાયા છે.