નોટબંધી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોમવારે સુપ્રીમ કોર્ટે તેની સમક્ષની પ૮ અરજીઓ પર ચુકાદો આપ્યો જે અરજીઓમાં કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૧૬માં બે મોટી ચલણી નોટોને અચાનક ચલણમાંથી રદ કરવાનું જે પગલું ભર્યું તેને પડકારવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ પગલાને કાયદેસરનું ગણાવ્યું છે. તેના આ ચુકાદાને નરેન્દ્ર મોદી સરકાર માટેનો એક મોટો વિજય ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે ૪:૧ના તેના બહુમતિ ચુકાદામાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૬માં રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની ચલણી નોટોને ચલણમાંથી રદ કરવાના ભરેલા પગલાને મંજૂરીની મહોર મારી હતી અને કહ્યું હતું કે તેમાં નિર્ણય લેવાની પ્રક્રિયા ન તો ભૂલભરેલી હતી કે ન તો ઉતાવળી હતી. બહુમતિ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોટબંધીની આ કવાયતને કાયદા અનુસારની ગણાવી હતી. અહીં નોંધપાત્ર એ પણ છે કે પાંચ જજોની બંધારણીય બેન્ચે સર્વસંમત ચુકાદો આપ્યો નથી પરંતુ બહુમતિ ચુકાદો આપ્યો છે. ચાર જજોએ નોટબંધીને કાનૂની રીતે યોગ્ય ગણાવી છે જ્યારે એક જજે અયોગ્ય ગણાવી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પછી ફરી એક વાર નોટબંધી અંગેની ચર્ચાઓ શરૂ થઇ છે.
અર્થતંત્રને મોટો આંચકો આપનાર એક નીતિ વિષયક નિર્ણય, કે જેનાથી મંદી પણ સર્જાઇ હોવાનું કહેવાય છે તેનો સમગ્ર રેકર્ડ ચકાસ્યા બાદ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ઉંચા ચલણ મૂલ્યની નોટો રદ કરવાનો નિર્ણય ભૂલ અથવા ગેરકાનૂનીપણાથી ગ્રસ્ત નથી. નોટબંધી માટેનું જાહેરનામુ બહાર પાડતા પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે છ મહિના સુધી ચર્ચા વિચારણા ચાલી હતી. ચુકાદો આપનાર બંધારણીય બેન્ચમાં બેન્ચના વડા જસ્ટિસ નઝીર ઉપરાંત બીજા ચાર જજ હતા. જેમાંથી જસ્ટિસ બી. નાગરત્નાએ ભિન્ન ચુકાદો આપ્યો હતો અને નોટો રદ કરવાના નિર્ણયને ખામીભર્યો અને ગેરકાનૂની ગણાવ્યો હતો જ્યારે બાકીના ચાર જજોએ સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
આર્થિક નીતીની બાબતોની અદાલતી સમીક્ષાનો સ્કોપ મર્યાદિત હોય છે એવું નિરિક્ષણ કરતા જસ્ટિસ એસ. એ. નઝીરના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે બહુમતિથી કહ્યું હતું કે આર્થિક નીતિની બાબતોમાં ઘણો સંયમ રાખવાનો હોય છે અને અદાલત સરકાર દ્વારા રચવામાં આવેલા કોઇ પણ અભિપ્રાય બાબતે દખલગીરી કરશે નહીં જો તે સંલગ્ન હકીકતો અથવા સંજોગો અથવા નિષ્ણાત સલાહ પર આધારિત હોય. આ ચુકાદામાં એમ પણ કહેવાયું છે કે નોટબંધીના નિર્ણયમાં તેના હેતુઓ સાથે વાજબી સંબંધ હતો. જો કે કાળા નાણાનો નાશ, ત્રાસવાદી ભંડોળો પર અંકુશ જેવા આ હેતુઓ સર થયા કે નહીં તેમાં ઉતરવાનું અસંલગ્ન ગણાશે એમ આ ચુકાદામાં કહેવાયું હતું.
અગાઉના નોટબંધીના બે પ્રસંગોએ આ કવાયત સંસદમાં કાયદો ઘડીને કરવામાં આવી હતી તેના પરથી એવું ઠરાવી શકાય નહીં કે કેન્દ્ર સરકાર પાસે આ સત્તા નથી. જેઓ આ બંધારણીય બેન્ચના સૌથી જુનિયર જજ હતા તે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે નોટબંધીમાં આરબીઆઇએ સ્વતંત્ર રીતે પોતાની વિચારણા કરી જ ન હતી અને સમગ્ર કવાયત ૨૪ કલાકમાં કરી નાખવામાં આવી હતી. પોતાના ૧૨૪ પાનાના ચુકાદામાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું કે આવી અગત્યની બાબતમાં સંસદને બાકાત રાખી શકાય નહીં અને આમાં સરકારે સંસદની મંજૂરી લીધા વિના ફક્ત જાહેરનામુ બહાર પાડીને નોટો રદ કરી નાખી છે. સુપ્રીમ કોર્ટના જજો કાયદાના અર્થઘટનમાં કે અમુક બાબતોના વિશ્લેષણમાં એક બીજાથી જુદા પડે તે સમજી શકાય તેવી વાત છે પરંતુ ચાર જજો કહે કે સરકારે આરબીઆઇ સાથે લાંબી ચર્ચા વિચારણા કરી હતી જ્યારે એક જજ કહે કે આરબીઆઇને વિચારવાની તક જ મળી ન હતી તે બાબતે શું કહેવું? ગમે તે હોય, પણ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે.
શાસક પક્ષ આને મોદી સરકારનો મોટો વિજય ગણાવે છે તો વિપક્ષ કહે છે કે આ ચુકાદો એ કંઇ નોટબંધીને સુપ્રીમ કોર્ટનું અનુમોદન નથી. વિપક્ષનું કહેવું એમ છે કે સુપ્રીમ કોર્ટે માત્ર નોટબંધી કઇ રીતે અમલમાં મૂકવામાં આવી તે પ્રક્રિયાની બાબતે જ વિચારણા કરી છે, તેનાથી સર્જાયેલા સંજોગો અંગે નહીં. સંજોગોની રીતે નોટબંધી યોગ્ય છે એમ સુપ્રીમ કોર્ટે કહ્યું નથી એમ વિપક્ષ કહે છે. આ વાત સાચી જણાય છે. સુપ્રીમ કોર્ટના બહુમતિ ચુકાદામાં એમ તો કહેવાયું જ છે કે નોટબંધીના હેતુઓ સિદ્ધ થયા કે નહીં તેમાં ઉતરવાનું કામ અદાલતનું નથી.
આર્થિક નીતિઓની બાબતમાં સરકારના અભિપ્રાયની સમીક્ષા કરવાની અદાલતને તક પણ મર્યાદિત છે એમ પણ સુપ્રીમ કોર્ટે કહીને આડકતરી રીતે કહી દીધું છે કે પોતે આ બાબતમાં બહુ દખલગીરી કરી શકે તેમ નથી. લાગે છે કે દેશમાં મોટા વમળો સર્જાય નહીં તે બાબત પણ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં રાખી છે. નોટબંધીને હવે ગેરકાયદે ઠરાવાય તો પણ તેના પછી સર્જાયેલા સંજોગોને છ વર્ષ પછી બદલી શકાય તેમ નથી તે બાબત પણ બહુમતિ ચુકાદો આપનાર જજોએ ધ્યાનમાં લીધી હશે.