બારડોલી: અમેરિકામાં (America) રહેતી બારડોલીની (Bardoli) 21 વર્ષીય યુવતીને ફેસબુક (Facebook) પર માંડવી તાલુકાના એક યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતી થોડા દિવસ પહેલાં જ વતન આવ્યા બાદ રવિવારે ગુમ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન યુવતી તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન (Marriage) કરી લીધાં હોવાનું જાણવા મળતાં સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
- પોલીસે તપાસ દરમિયાન યુવક-યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જાણવા મળ્યું
- અમેરિકાથી આવેલી યુવતીએ સ્થાનિક યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધાં હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની
- યુવતીને અમેરિકામાં જ ફેસબુક પર માંડવી તાલુકાના એક ગામમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો
બારડોલીની નજીકના એક ગામનો પરિવાર વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો છે. પંદરેક દિવસ આ પરિવાર માદરે વતન આવ્યો છે. તેમની સાથે તેમની 21 વર્ષીય પુત્રી પણ અહીં આવી હતી. ગત રવિવારના રોજ પુત્રી ગામ જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. શોધખોળ છતાં પણ કોઈ ભાળ ન મળતાં અંતે પરિવારે બારડોલી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી યુવતીની શોધખોળ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવતીને અમેરિકામાં જ ફેસબુક પર માંડવી તાલુકાના એક ગામમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. આથી તેણી રવિવારના બપોરે ગામ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસે તપાસ દરમિયાન ભીંસ વધારતાં યુવક-યુવતીએ કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું પ્રમાણપત્ર પણ બારડોલી પોલીસમથકે મોકલી દીધું હોવાનું જાણવા મળે છે. ફેસબુક પર પ્રેમ થયા બાદ અમેરિકાથી આવેલી યુવતીએ સ્થાનિક યુવક સાથે ભાગીને લગ્ન કરી લીધાં હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી.