નવી દિલ્હી : બીસીસીઆઈની (BCCI) વર્ષની પ્રથમ સમીક્ષા બેઠકમાં ટીમ ઈન્ડિયાના (Team India) ભૂતકાળના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ખેલાડીઓ (Players) માટે યો યો અને ડેક્સા ટેસ્ટ ફરજિયાત રહેશે. માત્ર યો યો ટેસ્ટ (Yo To test) જ નહીં, હવે ખેલાડીઓએ ડેક્સા ટેસ્ટમાંથી (Deksa Test) પણ પસાર થવું પડશે. આ ટેસ્ટ વિના ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની જશે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે યો યો ટેસ્ટ તો ઠીક હતો, લોકો તેનાથી પરિચિત હતા, પરંતુ હવે ડેક્સા ટેસ્ટ એ વળી કઇ બલા છે. જાણો ડેક્સા તેમજ યો યો ટેસ્ટમાં શું અંતર છે.
ડેક્સા ટેસ્ટમાં શું છે
ખેલાડીઓ માટે ડેક્સા ટેસ્ટ મૂળભૂત રીતે તેમની ઈજા, શરીરમાં ચરબીનું પ્રમાણ અને હાડકાંની મજબૂતાઈનું પરીક્ષણ કરે છે. આ ટેસ્ટમાં શરીરના હાડકાંની ઘનતા જાણવા મળે છે. આ એક ખાસ પ્રકારનો એક્સ-રે છે. 10 મિનિટના આ ટેસ્ટમાં જાણી શકાય છે કે ખેલાડી કેટલો ફિટ છે. ખેલાડીઓ ઘણીવાર હાડકાના ફ્રેક્ચરની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં આ ટેસ્ટ ખૂબ જ મદદગાર છે.
યો યો ટેસ્ટ શું છે
યો યો ટેસ્ટ એ ખેલાડીઓની ફિટનેસ ચકાસવાની એક રીત છે. આ ટેસ્ટમાં કુલ 23 લેવલ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 5મા લેવલથી શરૂઆત કરે છે. આમાં 20 મીટરના અંતરે એક એંગલ રાખવામાં આવ્યો છે, જેને ખેલાડીઓએ નિશ્ચિત સમયમાં દોડીને એંગલ સુધી પહોંચવું પડશે અને પાછા આવવું પડશે. આ રીતે, ખેલાડીઓ બંને બાજુએ કુલ 40 મીટરનું અંતર કાપે છે. આમ, જેમ જેમ લેવલ વધે છે તેમ તેમ અંતર કાપવાનો સમય ઘટતો જાય છે. આ દરમિયાન એક ખાસ સોફ્ટવેરની મદદથી સ્કોર આપવામાં આવે છે.