વાપી – દમણની (Daman) આસપાસ થર્ટી ફર્સ્ટને (Thirty First) લઈને પોલીસે નાકાબંધી મજબૂત કરી દીધી છે. બીજી તરફ દમણથી ઇંગ્લિશ બનાવટનો દારૂ લઈ જતા વાહનોને પણ પોલીસ તપાસ કરીને પકડી રહી છે. વલસાડ (Valsad) જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે વાપી નજીક મોરાઈ ફાટક પાસે દમણથી એસી ડક એલ્યુમિનિયમના સ્પેરપાર્ટસની આડમાં ખેડા લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આઈસર ટેમ્પોના ચાલકની અટક કરી કોરોના ટેસ્ટ બાદ ધરપકડ કરવા માટે વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દરવાજા તેમજ સીટના ખાનામાં ઇંગ્લિશ બનાવટનો દારૂ મળી આવ્યો
દારૂનો જથ્થો ટેમ્પોના માલિકે જાતે દમણથી ભરાવીને તેના ડ્રાઈવરને ખેડામાં તેના ઘરે પહોંચાડવા સૂચના આપી હતી. પોલીસે ટેમ્પોના માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ એલસીબી પીઆઈ વી.બી.બારડની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે વાપી નજીક મોરાઈ ફાટક પાસે મરૂન કલરના આઈશર ટેમ્પોને રોકીને તેની તપાસ કરતા કેબીનમાં ચોરખાનામાં દમણીયા બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. એલસીબીની ટીમે તેમની ઓફીસ પાસે ટેમ્પો લઈ જઈ તેની તપાસ કરતા ટેમ્પોની અંદર એસી ડક એલ્યુમિનિયમના સ્પેરપાર્ટસ હતા. જ્યારે ટેમ્પોની કેબીનમાં દરવાજા તેમજ સીટના ખાનામાં ઇંગ્લિશ બનાવટનો દારૂ મળી આવ્યો હતો.
વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
પોલીસે વ્હિસ્કીની 98 બોટલ જેની કિંમત રૂપિયા 17 400 કબજે લીધી હતી. જ્યારે એસી ડક એલ્યુમિનિયમના સ્પેરપાર્ટસ જેની કિંમત રૂપિયા 66 198 તથા ટેમ્પો સહિતના કુલ રૂપિયા ૩ 84 089 ના મુદ્દામાલને કબજે લઈ ટેમ્પો ચાલક ખેડાના પલાણા ગામે રહેતા પ્રફુલભાઈ રમેશભાઈ કડવા પટેલની અટક કરી હતી. જ્યારે દમણથી ટેમ્પોમાં દારૂ ભરાવીને ટેમ્પોને પેટ્રોલ પંપ પાસે ચાલક પ્રફુલભાઈને સોંપનાર ટેમ્પોના માલિક ખેડાના પલાણામાં રહેતા ભુપેશભાઈ કાંતભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરીને વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.