સૌથી ખૂંખાર-બદનામ-ક્રૂર ગુનેગારો વિશે ઈન્ટરનેટ પર શોધ આદરો તો વિભિન્ન દેશના ઢગલાબંધ અપરાધીઓનાં નામ તમને મળી આવે. આમાંથી કેટલાક માત્ર જબરી લૂંટફાટ માટે તો અમુક અવનવી છેતરપિંડી માટે મળે તો વળી અમુકનાં નામ સંખ્યાબંધ હત્યા માટે બોલાતાં હોય…. જો કે આ બધામાં એક નામ એવું બદનામ છે, જેની નોંધ જગતભરના પોલીસ ચોપડે આજે પણ તાજી છે. ફ્રાન્સ-અફઘાનિસ્તાન-ઈરાન-સિલોન-વિયેતનામ-થાઈલેન્ડ-ભારત ઈત્યાદિ જેવા દેશમાં ચોરી-લૂંટ-છેતરપિંડીથી લઈને શ્રેણીબદ્ધ હત્યાઓ સુધી એનું નામ કુખ્યાત છે. નસીબનો એ બળિયો એવો કે પોલીસના હાથમાં ઝડપાવાનો હોય ત્યાં એ છેલ્લી મિનિટે આબાદ છટકી જતો. જેલમાંથી પલાયન થવાનો પણ અપરાધ એના નામ પર બોલે છે. એ નામ છે ચાર્લ્સ ગુરુમુખ શોભરાજ હોટચંદ ભવાની ઉર્ફે ચાર્લ્સ શોભરાજ!
આ નામ આજકાલ ફરીથી ગાજતું થયું છે. 2 હત્યા તેમ જ અન્ય કેટલાક ગુના માટે નેપાળમાં છેક 2003થી- 19 વર્ષથી જન્મટીપની સજા ભોગવી રહેલા 78 વર્ષી ચાર્લ્સ શોભરાજને તાજેતરમાં મુક્તિ મળી છે એની નાદુરસ્ત તબિયતને કારણે. …’નેપાળ ક્યારેય પાછો પગ ન મૂકતો’ એવા કડક ફરમાન સાથે નેપાળ સરકારે હાલ તો એના વતન ફ્રાન્સ પરત મોકલી દીધો છે.
આ કુખ્યાત ચાર્લ્સ શોભરાજને ભારત સાથે સારી ‘લેણા-દેણી’ રહી છે. અહીં લાંબો સમય સ્થાયી થઈને અનેક પ્રકારની છેતરપિંડી તથા લૂંટફાટ (ને બહાર ન આવેલી અનેક હત્યા)માં એ સંડોવાયેલો હતો. એક વાર પકડાયા પછી એ દિલ્હીની જેલમાંથી છટક્યો પણ પછી ફરી ગોવાથી ઝડપાઈ ગયો. આમાં મજાની વાત એ હતી કે એ બન્ને વાર એક જ પોલીસ ઈનસ્પેક્ટરના હાથે જ ઝડપાયો હતો. જે પોલીસને ચોપડે પણ એક વિક્રમ જ ગણાય!
પોલીસના ઈતિહાસમાં એક નમૂનાપાત્ર કહી શકાય એવું આ પાત્ર ચાર્લ્સ શોભરાજની ક્રાઈમ-કુંડળી જેવી ખોફનાક છે એવી જ અવનવા વળાંક લેતી રસપ્રદ પણ છે. શિકારને એ હણી નાખતો પછી માલમત્તા સાથે ખાસ કરીને એના પાસપોર્ટ પણ લૂંટી લેતો. સર્પ જેમ પોતાની કાંચળી બદલે તેમ આવા નકલી પાસપોર્ટ મુજબ શ્વાંગ ધરીને બીજા દેશમાં પ્રવાસ કરવામાં એણે અચ્છી કાબેલિયત મેળવી હતી અને એટલે જ એ અપરાધ જગતમાં ‘સર્પન્ટ’ તરીકે ઓળખાતો.
ડંસીલા સર્પ જેવો મિજાજ ધરાવતો અને ભલભલાને ભૂ પાઈ દે એવો ભેજાબાજ આ ભારતીય-વિયેતનામી ફરજંદ ચાર્લ્સનાં મા-બાપે તલાક લીધા પછી માતા એક ફ્રેન્ચ સૈનિકને પરણી એ હિસાબે ચાર્લ્સ મૂળ ફ્રાન્સનો નાગરિક છે. માતા-પિતાના વિખવાદી જીવનને લીધે ચાર્લ્સ નાનપણથી બૂરી સંગતમાં ઉછરીને અપરાધ તરફ વળ્યો હતો. 1970-80ના દાયકામાં એણે હોંગકોંગ-બેંગકોક અને ભારતના કેટલાંક શહેરોમાં અનેક અપરાધ આચર્યા હતા. ‘હિપ્પી કલ્ચર’ના એ વખતના વાયરામાં એણે 20 થી વધુ પ્રવાસીની હત્યા કરીને લૂંટ ચલાવી હતી.
એની અપરાધ કરવાની મોડસ ઑપરેન્ડી ( રીત-પદ્ધતિ ) સીધી ને સરળ હતી. પોતે હોંગકોંગ- બેંગકોકમાં હીરાનો વેપારી છે એવું કહીને આવા પ્રવાસી હિપ્પી યુવાનો-યુવતીઓ સાથે એ દોસ્તી કરતો – એમના ખોરાક કે ડ્રીન્કસમાં નશીલાં દ્રવ્ય ભેળવી-બેહોશ કરી લૂંટી લેતો પછી શિકારને પતાવી દેતો. પુરાવા નષ્ટ કરવા શબને બાળી નાખતો કે દરિયામાં શબને ધકેલી દેતો. દેખાવે સોહામણો ચાર્લ્સ બોલે-ચાલે પણ સ્માર્ટ હોવાથી પોતાની વાક્છટાથી કોઈને પણ એ ભરમાવી શક્તો. ખાસ કરીને બેંગકોકના સમુદ્રકાંઠે મોજ-મસ્તી માટે આવેલી વિદેશી સુંદરીઓને એ મોહી લેતો પછી ડ્રગ્સના નશામાં એમને બેહોશ કરી પતાવી દેતો.
આવા શિકારને લીધે ચાર્લ્સ પોલીસ તથા પ્રેસમાં ‘બિકીની કિલર’તરીકે ઓળખાતો. એક અહેવાલ મુજબ, થાઈલેન્ડમાં ચાર્લ્સે આવી 6થી વધુ બિકીનીધારી સુંદરીને નિર્મમતાથી પતાવી નાખી હતી. થાઈલેન્ડમાં એનું નામ પોલીસ ચોપડે બોલાવા માંડ્યું પછી એણે પોતાનું કાર્યક્ષેત્ર બદલ્યું. એણે દિલ્હીમાં પોતાની અપરાધ જાળ ફેલાવવી શરૂ કરી. દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં રહીને એણે ત્યાં ઊતરેલા એક ઝવેરીને લૂંટ્યો. પછી કેટલાક પ્રવાસી ફ્રેન્ચ વિદ્યાર્થીઓને ઝેરની ગોળીઓ ખવરાવીને પતાવી દેવાનો પ્રયાસ કર્યો. પાછળથી 1971માં ભારત-મુંબઈમાં એને સર્વ પ્રથમ પકડવાનું શ્રેય મળ્યું હતું ક્રાઈમ બ્રાંચના ઈનસ્પેક્ટર મધુકર ઝેન્ડેને.
જ્યાં રોજના દોઢ-બે કરોડ રોકડ રૂપિયાની લેતી-દેતી થતી એ મુંબઈની ‘ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની’ને લૂંટવાનો પ્લાન ચાર્લ્સે ઘડ્યો હતો પરંતુ એની બાતમી મળી જ્તાં મધુકર ઝેન્ડેએ એને ઝડપી લીધો હતો. ત્યારે એની પાસેથી ગેરકાયદે શસ્ત્રો અને વિભિન્ન નામે 8-10 નકલી પાસપોર્ટ મળી આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી પછી ચાર્લ્સ શોભરાજ દિલ્હીની તિહાર જેલમાં લાંબી સજા ભોગવી રહ્યો હતો. 10 વર્ષના કારાવાસ દરમિયાન ચાર્લ્સે જેલ અધિકારીઓ સાથે એક સારા-આજ્ઞાંકિત કેદી તરીકે પોતાની શાખ જમાવી દીધી હતી.
એક દિવસ ‘પોતાનો જન્મદિવસ છે’ એમ કહીને જેલ અધિકારીઓ-સ્ટાફને ઘેનની મીઠાઈ વહેંચીને એમને બેહોશ કરીને ચાર્લ્સ અન્ય 16 કેદીઓ સાથે તિહાર જેલમાંથી નાસી છૂટ્યો! તિહાર જેવી જેલમાંથી જે દિલધડક રીતે ચાર્લ્સ આબાદ છટકી ગયો એ ઘટના અપરાધજગતમાં જબરી ગાજી હતી. ચાર્લ્સને બરાબર ખ્યાલ હતો કે એને ભારતમાંથી વહેલા-મોડો થાઈલેન્ડ કે ફ્રાન્સ સરકારને સોંપવામાં આવશે, જ્યાં એના માથે ફાંસીનો ગાળિયો જ ઝૂલતો હતો માટે તિહારમાંથી છટકવા માટે આવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો.
આવા નાટ્યાત્મક રીતે ભાગી છૂટેલા ચાર્લ્સને શોધવા ભારતભરની પોલીસને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું. દેશમાં- મુંબઈના એક માત્ર ઈનસ્પેકટર મધુકર ઝેન્ડે જ હતા જેણે ચાર્લ્સને અગાઉ ઝડપેલો. ચાર્લ્સની ગુનાહિત ચાલચલગત-સ્વભાવ અને એની લાક્ષણિકતાથી એ પૂરતા માહિતગાર હતા. ખાનગીમાં ચાર્લ્સને શોધવાની કામગીરી એમને સોંપવામાં આવી પછી મધુકરભાઉએ એમના ખાસ બાતમીદારોનાં ચક્રો ગતિમાન કરી દીધા. એમને બાતમી મળી કે ચાર્લ્સ ગોવા તરફ ગયો છે.
એ પછી ખૂંખાર ચાર્લ્સ શોભરાજને પોતે કઈ રીતે ઝડપી લીધો એની દિલધડક કડીબદ્ધ કથા મધુકરભાઉએ મને કહી હતી ( એ સવિશેષ મુલાકાત -કથા ત્યારે ‘મેગેઝિન’માં પ્રગટ થઈ હતી.) એને અહીં સંક્ષિપ્તમાં જાણવી રસપ્રદ છે. હિપ્પીઓ માટે ત્યારે- 1986માં ગોવા સ્વર્ગ સમાન ગણાતું. વિદેશી પર્યટકો ત્યારે અહીં ટોળાંબંધ ઊતરી આવતા. દારૂ-ડ્રગ્સ અને બીજી અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓથી ગોવા રોજ મોડી રાત સુધી ધમધમતું. પોતાની ઓળખ છુપાવવા ચાર્લ્સ શોભરાજ માટે આ સ્થળ ઉત્તમ હતું. મળેલી બાતમી અનુસાર મધુકર ઝેન્ડે એમના 4 પોલીસસાથી સાથે સાદા ડ્રેસમાં ભળતા નામે ગોવા પહોંચ્યા હતા. ગોવા પોલીસને પણ આ ‘ઑપરેશન સર્પન્ટ’ની જાણ કરવામાં નહોતી આવી. એટલું જ નહીં, આ સમગ્ર ઑપરેશનનો મુંબઈ પોલીસના 2 કે 3 ઉચ્ચ ચુનંદા અધિકારીઓ સિવાય બીજા કોઈને અણસાર સુદ્ધાં ન હતો.
એ સમયે, ગોવાના માત્ર 2 કે 3 જ બાર-રેસ્ટોરાં એવાં હતાં, જયાંના પબ્લિક ટેલિફોન બુથ પરથી વિદેશ કોલ થઈ શકે એવી ગોઠવણ હતી. આવાં બાર પર વિદેશી પર્યટકોની ભીડ ઉમટતી. ઝેન્ડેભાઉને ખબર હતી કે ચાર્લ્સની ફ્રાન્સમાં રહેતી એની અમેરિકન પત્નીને ફોન કરવા જરૂર આવા બારમાં આવશે. આવાં બાર પર સતત 3 રાત ચાંપતી નજર રાખ્યા પછી ઝેન્ડે ટીમને ભાળ મળી કે ચાર્લ્સ ‘ઓ- કોકવેરિયો’નામના બારમાં મોડી રાતે ડ્રીન્ક્સ ને ડીનર લેવા આવે છે. એ મુજબ, ઝેન્ડે 2 શાર્પ શૂટર સહિતની પોતાની ટીમને લઈને ‘ઓ- કોકવેરિયો’ બારમાં મહત્ત્વના સ્થળે ગોઠવાઈ ગયા.
નિયત સમયે ચાર્લ્સ શોભરાજ એના કોઈ સાથી સાથે બારમાં આવ્યો. પોલીસ ટીમમાં મધુકર ઝેન્ડે એક માત્ર એવા હતા, જે ચાર્લ્સને નજરોનજર ઓળખતા હતા. આગોતરી સંજ્ઞા મુજબ, એમનો ઈશારો થતાં જ મધુકરનો એક સાથી પોતે વેઈટર હોય તેમ ચાર્લ્સ જે ટેબલ પર બેઠો હતો ત્યાં જઈને ઑર્ડર માટે પૂછયું. ચાર્લ્સ કશો જવાબ આપે એ જ વખતે મધુકર ઝેન્ડે ત્રાટક્યા. વીજળીવેગે એના એક હાથ અને ખભો ખેંચી દાવમાં જકડી લીધો ને પૂછયું : ‘હેલ્લો ચાર્લ્સ, હાઉ આર યુ? મને ઓળખે છે તું?’ અચાનક થયેલા આક્રમણથી ચાર્લ્સ માત્ર એટલું જ બોલી શક્યો : ‘કોણ ચાર્લ્સ? તારી કંઈ ભૂલ થાય છે’ એટલું કહી એણે બીજા હાથે પેન્ટમાંથી ગન કાઢવાનો પ્રયાસ કર્યો પણ મધુકર ઝેન્ડેના બીજા સાથીઓ એના પર તૂટી પડ્યા.
બારના બીજા લોકો હજુ કશું સમજે-વિચારે એ પહેલાં ઈનસ્પેક્ટર મધુકર ઝેન્ડેની ટીમ તો 21 દિવસ પહેલાં દિલ્હીની તિહારમાંથી નાસી છૂટેલા ખોફનાક અપરાધી ચાર્લ્સ શોભરાજને ઝબ્બે કરીને ઘટનાસ્થળેથી રવાના સુદ્ધાં થઈ ગઈ! 6 એપ્રિલ 1986ની 36 વર્ષ પહેલાંની એ નાટ્યાત્મક ઘટનાને યાદ કરતા નિવૃત્ત ACP મધુકર ઝેન્ડે આજે કહે છે : ‘નેપાળની જેલમાંથી આજે ભલે ચાર્લ્સને મુક્તિ મળી ગઈ પરંતુ આવા નિર્દય-રીઢા અપરાધી જેલમાં જ રહે એમાં સમાજનું ભલું છે. આજે પણ 78 વર્ષે સર્પ જેવી એની ડંશીલી વૃત્તિ ગઈ નથી..તક મળે તો એ હજુય અપરાધ આચરી શકે તેમ છે.’