National

કાર ચલાવતા ડ્રાઈવરને ઊંઘ આવતા મહારાષ્ટ્રનાં ધારાસભ્યની કાર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રનાં ભાજપનાં ધારાસભ્યને ગંભીર અકસ્માત નડ્યો છે. પોતાના ગામ જતી વખતે ડ્રાઈવરને ઊંઘ આવી જતા કાર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતનાં પગલે ધારાસભ્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત તેઓની સાથે રહેલા ડ્રાઈવર અને બે ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તમામને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે,.

ચાલુ કારે ડ્રાઈવરને ઊંઘ આવતા સર્જાયો અકસ્માત
મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોર શનિવારનાં રોજ વહેલી સવારે સતારા જિલ્લામાં પુણે-પંઢરપુર રોડ પર મલથાન પાસેથી પોતાના ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર ચલાવતા ડ્રાઈવરને અચાનક ઊંઘ આવી ગઈ હતી. જેના કારણે કાર બેકાબુ બની ગઈ હતી અને પુલની રેલિંગ તોડીને 30 ફૂટ નીચે ઉંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતનાં પગલે ધારાસભ્યની પાંસળીમાં ફ્રેક્ચર થયુ ગયું છે. તેમજ તેઓની સાથે રહેલા ડ્રાઈવર અને બે ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ થયેલા ધારાસભ્યને સારવાર અર્થે પુણેની રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બારામતી રિફર કરવામાં આવ્યા છે.

ધારાસભ્ય પુણેથી દહીવડી જઈ રહ્યા હતા
મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત શનિવારે સવારે પુણે-પંઢરપુર રોડ પર મલથાણ ખાતે સ્મશાન ભૂમિ પાસે થયો હતો. ધારાસભ્ય જયકુમાર ગોર પુણેથી તેમના ગામ દહીવડી જઈ રહ્યા હતા. આ દરમિયાનડ્રાઈવરની બેદરકારીના કારણે ધારાસભ્યની કાર પુલથી 30 ફૂટ નીચે ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ધારાસભ્ય, ગાર્ડ અને ડ્રાઈવર સહિત ત્રણેયને ઈજા થઈ હતી. હાલમાં આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ધારાસભ્યનાં ગાર્ડે લોકોને મદદ કરવા વિનંતી કરી
અકસ્માત અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત શનિવારે સવારે થયો હતો. શક્ય છે કે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો, જેના કારણે કાર લોનંદ-ફલટન રોડ પર પુલથી લગભગ 30 ફૂટ નીચે પડી ગઈ.ધારાસભ્ય ગોર અને અન્ય ત્રણ લોકો અકસ્માતમાં ઘાયલ થયા છે. ધારાસભ્ય સતારા જિલ્લાની માન વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. બાણગંગા નદી પાસે ઘાયલોને બચાવી અને બહાર કાઢનારા ગ્રામજનોનું કહેવું છે કે કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા મદદ માટે વિનંતી કરી રહ્યા હતા. ગ્રામીણે જણાવ્યું કે ધારાસભ્યનો ગાર્ડ મદદ માટે વિનંતી કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે ધારાસભ્યની કારને અકસ્માત થયો છે. નજીકના પોલીસ સ્ટેશનને ફોન કર્યો. જે બાદ ગ્રામજનોએ પોલીસને બોલાવી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

Most Popular

To Top