ઘેજ : ‘કોરોના ઇઝ બેક’ની આશંકા વચ્ચે ચીખલીની (Chikhli) સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં (Hospital) ત્રણેય ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant) બંધ હાલતમાં છે ત્યારે ઘર આંગણે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા હોસ્પિટલના બેદરકારીભર્યા કારભારમાં બિનઉપયોગી પૂરવાર થાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. જો કે હોસ્પિટલના તંત્રએ હવે મરામત માટે મથામણ હાથ ધરી છે ત્યારે નજીકના સમયમાં ઓક્સિજન પ્લાન્ટ ધમધમતા થશે કે કેમ તે જોવું રહ્યું.
કોરોનાની આશંકા વચ્ચે સરકાર દ્વારા હાઇલેવલ બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી ભીડવાળા વિસ્તારમાં અંદર બહાર માસ્ક પહેરવા સહિત કોરના ગાઇડ લાઇનનું પાલન કરવા સહિતની સૂચના અપાઇ છે. આ ઉપરાંત તમામ આરોગ્ય કેન્દ્રોને એક્ટિવ કરવા દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી, તમામ સેમ્પલનું જિનોમ સિક્વસિંગ કરવા સહિતના નિર્દેશ આપી કોરોનાની આશંકાએ સાવચેતી અને તકેદારી રાખવા અનુરોધ કરાયો છે અને પ્રિકોશન ડોઝ લેવા પર ભાર મુકાઇ રહ્યો છે.
ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી 1000, 500 અને 330 લીટરની ક્ષમતાવાળા ત્રણ જેટલા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા હતા. જે ત્રણેય પ્લાન્ટ હાલે બંધ હાલતમાં છે. જો કે સિલિન્ડરની વ્યવસ્થા છે. પરંતુ સરકાર દ્વારા કોરોના હજુ ગયો નથી તેવું અવાર નવાર કહેવાયું છે. તેવા સંજોગોમાં પ્લાન્ટ બંધ હાલતમાં કેવી રીતે રાખી શકાય. ? હોસ્પિટલના બેદરકારી ભર્યા વહીવટમાં આવી સ્થિતિ સર્જાઇ હોય તેમ લાગે છે. તાલુકામાં એકમાત્ર સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ છે ત્યારે તે ધમધમતા રહે તે જરૂરી છે. એ માટે હોસ્પિટલના અધિકારીઓએ તકેદારી રાખવી જોઇએ. હાલે સરકારની સૂચના બાદ સફાળા જાગી ઓક્સિજન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા મથામણ હાથ ધરાઇ છે ત્યારે હવે કયારે પ્લાન્ટ ચાલુ થશે અને ઓક્સિજનનું ઉત્પાદન થશે તે જોવું રહ્યું.
ચીખલીની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની વાત કરીએ તો સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 70 રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 24 અને ટાંકલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની વ્યવસ્થા છે અને આ ત્રણેય હોસ્પિટલમાં સિલિન્ડરોની વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત આલીપોરમાં ખાનગી સંસ્થા સંચાલિત હોસ્પિટલમાં ઓક્સિજન ચાલુ હાલતમાં છે.
મરામત માટે જાણ કરી દેવાઇ છે
ચીખલી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક ડો. દક્ષાબેન પટેલના જણાવ્યાનુસાર ત્રણેય ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં છે. પરંતુ મરામત માટે જાણ કરી દેવાઇ છે અને ટુંક સમયમાં આ પ્લાન્ટ ચાલુ થઇ જશે. આ ઉપરાંત હાલે ઓક્સિજન સિલિન્ડરની તો પૂરતી વ્યવસ્થા છે.