નવસારી : પઠાણ (Pathan) ફિલ્મમાં (Film) એક ગીત (Song) અંગે દેશભરમાં વિરોધનો સૂર નીકળી રહ્યો છે, ત્યારે બીજી તરફ નવસારીમાં (Navsari) પોંડરીક મહારાજનો વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મુસ્લિમોની લાગણી દુભાય એવા તેમના નિવેદન સામે મુસ્લિમ સમાજના લોકોએ નવસારી ટાઉન પોલીસ (Police) સમક્ષ વિરોધ નોંધાવી આરોપીઓ સામે પગલાં ભરવા માંગણી કરી છે.
નવસારીમાં પઠાણ ફિલ્મ સંદર્ભે કોઇ કથિત પોંડરીક મહારાજનો વીડિયો વાઇરલ થયો છે. એ વીડિયોમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાય એવા તેમના નિવેદનો છે. એ અંગે નવસારીના ચારપુલ વિસ્તારમાં રહેતા સાજીદ આદમ અલાદે નવસારી ટાઉન પોલીસ મથકના પીઆઇને સંબોધીને પોંડરીક મહારાજ, સાજન ભરવાડ, નવસારીની ન્યૂઝ ચેનલના પત્રકાર, માલિક તથા તેની સાથે સંકળાયેલી બીજી વ્યક્તિઓ ઉપરાંત તપાસ દરમ્યાન બીજા કોઇ કસુરવાર જણાય એ તમામ સામે ફરિયાદ આપી હતી.
એ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી સાજીદ આદમ અલાદ ઇસ્લામ ધર્મમાં માને છે. તા. 21-12-22ના દિવસે પોંડરીક મહારાજે નવસારી લાઇવના પત્રકારની હાજરીમાં મંતવ્ય રજુ કર્યું હતું. પોંડરીક મહારાજે વીડિયોમાં આપેલા મંતવ્યમાં મુસ્લિમ સમાજના પયગંબર મહંમદ વિશે તથા તેમના ધર્મમાં માનનારાઓ વિશે અપશબ્દો બોલીને મુસ્લિમ તથા હિન્દુ જ્ઞાતિના લોકો વચ્ચે ઝઘડો થાય અને કોમી એકતાનું વાતાવરણ તંગ બને એ રીતે કોમવાદ ફેલાય એવા શબ્દો- અપશબ્દો બોલ્યા હતા. પોંડરીક મહારાજે મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવવાના ઇરાદાથી દ્વેષપૂર્વકનું કૃત્યુ કર્યું છે. જ્યારે સાજન ભરવાડે બંધારણથી ઉપરવટ જઇને બધાને જોઇ લેવાની ધાક ધમકી આપી હતી. નવસારીની ચેનલના પત્રકાર તથા માલિકે લોકોની ધાર્મિક લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ઊભું થાય એ રીતે શહેરની શાંતિ તથા સલામતી જોખમાય એવું વાતાવરણ ઊભું કરવા મીડિયાનો સહારો લઇને આપત્તિજનક વીડિયો વોટ્સએપ તથા યુ ટ્યુબના માધ્યમ દ્વારા એકત્ર થઇને પૂર્વ યોજીત કાવતરાંના ભાગરૂપે વીડિયો વાઇરલ કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મુસ્લિમ સમાજને શાહરૂખ ખાન કે તેની આવનારી ફિલ્મ પઠાણ સાથે કશું લાગતું વળગતું નથી અને મુસ્લિમ સમાજ એ ફિલ્મને સમર્થન પણ આપતો નથી, ત્યારે મુસ્લિમ સમાજને પિક્ચર સાથે ખોટી રીતે સાંકળી લઇને મુસ્લિમ સમાજ તથા તેની લાગણીને દુભાવવાના બદ ઇરાદે ખોટી રજુઆત કરી એક વર્ગના ધર્મનું અપમાન કર્યું છે. એ તમામ હકિકતો આરોપીના વીડિયોમાં સ્પષ્ટ જોઇ સંભાળી શકાય છે. આ વીડિયો દ્વારા ધર્મનું અપમાન કરવા તથા ધાર્મિક લાગણી દુભાવવા ઇરાદાથી ધાર્મિક માન્યતાનું અપમાન કરી જાણીજોઇને વીડિયો વાઇરલ કર્યો છે, ત્યારે તેમની વિરૂદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે આ ફરિયાદ આપી હતી. નવસારી પીઆઇને આ ફરિયાદ આપવા માટે મુસ્લિમ સમાજ એકત્ર થઇને ટાઉન પોલીસ મથક બહાર એકત્ર થઇ જતાં પરીસ્થિતિ તંગ બની હતી.