અમદાવાદ: “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તેવું પ્રદેશ કોંગ્રેસના (Congress) પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આજે પ્રદેશના હોદ્દેદારો, શહેર જીલ્લા પ્રમુખો, ધારાસભ્યોની “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાના આયોજન માટે એક અગત્યની બેઠક મળી હતી. જેમાં સર્વાનુંમતે ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રાનો ઉદ્દેશ્ય ભારતને એક કરવાનો છે. સાથે આવવાનો અને આપણા રાષ્ટ્રને મજબૂત કરવાનો. આ યાત્રા ૭ મી સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને ૧૨ રાજ્યોમાંથી પસાર થઈ જમ્મુ અને કાશ્મીરમાં પરિણામવાની છે. આજે આ યાત્રા ૧૦૪ દિવસ અવિરત રોજના ૨૫ કિ.મી. ચાલીને આપણા રાષ્ટ્રને વિભાજિત કરી રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓ સામે અવાજ ઉઠાવી રહી છે અને કોંગ્રેસના નેતાઓની સાથે લાખો લોકો આંદોલનમાં જોડાયા છે. આ યાત્રા પ્રચંડ બેરોજગારી અને મોંઘવારી, નફરત અને વિભાજનની રાજનીતિ અને આપણી રાજકીય વ્યવસ્થાના અતિશય કેન્દ્રીકરણને સંબોધવા માંગે છે જીવનના તમામ ક્ષેત્રના લોકો આ ઐતિહાસિક ચળવળનો ભાગ બનવા માટે એકઠા થઈ રહ્યા છે. તે ભારતની એકતા, તેની સાંસ્કૃતિક વિવિધતા અને તેના લોકોના અવિશ્વસનીય મનોબળની ઉજવણી છે.