કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષપદેથી રમીઝ રાજાની હકાલપટ્ટી કરવામાં આવી છે. પાકિસ્તાની (Pakistan) વડાપ્રધાન (PM) શાહબાઝ શરીફે નજમ સેઠીને આગામી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. સપ્ટેમ્બર 2021માં પીસીબી વડા બનેલા રઝાને ઈંગ્લેન્ડ (England) સામે પાકિસ્તાનની ઘરઆંગણે 0-3થી હાર બાદ હટાવી દેવામાં આવ્યા હતા, જોકે તેની હકાલપટ્ટી પાછળ ઘણા કારણો જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં એક કારણ ટી-20 વર્લ્ડકપની ફાઇનલની હાર પણ હોવાનું માનવામાં આવે છે.
ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી સીરિઝ દરમિયાન જ બોર્ડના માજી સભ્યોના નેતૃત્વમાં એક જૂથે રમીઝને પીસીબી અધ્યક્ષપદેથી હટાવવાનું અભિયાન શરૂ કરી દીધું હતું. આ જૂથનો એવો દાવો હતો કે પડદા પાછળથી કોઇ રમત રમાઇ રહી છે. દેશના કાયદા મંત્રાલયે પીસીબીમાં ફેરફાર માટે બોર્ડના સંરક્ષક વડાપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી. રમીઝ રઝા બોર્ડના 36મા અધ્યક્ષ હતા, જેમને 27 ઓગસ્ટ 2021ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાને અધ્યક્ષ બનાવ્યા હતા. તેના સ્થાને નવા અધ્યક્ષ બનેલા નજમ સેઠી જૂન 2013થી જાન્યુઆરી 2014 સુધી, ફેબ્રુઆરી 2014થી મે 2014 અને ઓગસ્ટ 2017થી ઓગસ્ટ 2018 સુધી પીસીબી ચેરમેન હતા, આ તેમનો ચોથો કાર્યકાળ હશે.
રમીઝ રાજાની વરણી થઇ ત્યારે જ માજી ક્રિકેટરોએ વાંધો ઉઠાવ્યો હતો
રમીઝ રાજાને જ્યારે પીસીબીનો ચીફ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ઘણા માજી ક્રિકેટરો તેનો વિરોધ કરી રહ્યા હતા. પાકિસ્તાનના માજી ઝડપી બોલર સરફરાઝ નવાઝે કહ્યું હતું કે રમીઝ રાજાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના વડા બનાવવા જોઈએ નહીં કારણ કે તેણે ભારતની તરફેણમાં બોલતી વખતે પાકિસ્તાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ માટે તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈમરાનને પત્ર પણ લખ્યો હતો. જો કે પીસીબી ચેરમેન બન્યા પછી રમીઝ પોતાના કાર્યકાળ દરમિયાન મોટાભાગે ભારત પર ખોટા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યો હતો.
રમીઝ રાજા પીસીબીનો ચીફ બનનારો માત્ર ચોથો ઇન્ટરનેશલ ક્રિકેટર હતો
રઝીઝ રાજા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું નેતૃત્વ કરનાર માત્ર ચોથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યો હતો. તેના પહેલા અબ્દુલ હફીઝ કારદારે 1972થી 1977, જાવેદ બુર્કીએ 1994થી 1997 અને એજાઝ બટ્ટે 2008થી 2011 દરમિયાન આ પદ સંભાળ્યું હતું. એક ક્રિકેટર તરીકે રમીઝ રાજાએ 255 ઇન્ટરનેશનલ મેચોમાં 8,674 રન બનાવ્યા છે. 60 વર્ષીય માજી ક્રિકેટરે લાંબા સમય સુધી ક્રિકેટ કોમેન્ટ્રી પણ કરી હતી.
રમીઝ રાજા કાર્યકાળ દરમિયાન પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહ્યો
પીસીબી ચેરમેન તરીકે રમીઝનો કાર્યકાળ તેના નિવેદનોને કારણે વિવાદી રહ્યો હતો. તેઓ પોતાના ભારત અને બીસીસીઆઇ વિરોધી નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં સપડાયેલા રહ્યા. બીસીસીઆઇ સચિવ જય શાહે એશિયા કપ રમવા ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય એવું નિવેદન કરતાં રમીઝે આવતા વર્ષે ભારતમાં વન ડે વર્લ્ડકપ રમવા ન આવવાની ધમકી આપી હતી. તેમણે બીસીસીઆઇ પૈસા રળી આપતું હોવાથી આઇસીસી તેને છંછેડતું ન હોનું દોષારોપણ પણ કર્યું હતું.