સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા નવા ‘લેબર લો’ વિષય (Subject) પર યોજાયેલા ઇન્ટરેક્ટિવ સેશનને સંબોધતા લેબર કાયદાઓના જાણકાર એડ્વોકેટ સોહેલ સવાણીએ નવા મજૂર કોડ લાગુ થાય તે પહેલાં હયાત મજૂર કાયદાઓ જેવા કે પીએફ, ઇએસઆઇ, પીટી, કોન્ટ્રાક્ટ લેબર, બોનસ, ગ્રેચ્યુઇટી વગેરેમાં છેલ્લા એક વર્ષમાં થયેલા ફેરફારો અને કોર્ટના આદેશો સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે જે. મહેતા એન્ડ કંપનીના પાર્ટનર એડ્વોકેટ આનંદ મહેતાએ નવા લેબર કોડ અંતર્ગત વિવિધ જોગવાઇઓ અને કાયદાની ગૂંચવણો વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
એડ્વોકેટ સવાણીએ જણાવ્યું હતું કે, ગત મહિને સુપ્રીમ કોર્ટ દ્વારા હાયર પેન્શન યોજનાનો વિકલ્પ રૂપિયા 15 હજારથી વધુ પગારદાર કર્મચારીઓ માટે ઇનામ સ્વરૂપે આપવામાં આવ્યો છે, પરંતુ આ વિકલ્પ હવે પછી સુપ્રીમ કોર્ટ દ્વારા ઇપીએફ વિભાગની રિવ્યુ પિટિશનને ધ્યાને લઇ નક્કી કરવામાં આવશે. જેથી કર્મચારીઓએ આ સંદર્ભે હજી રાહ જોવી પડશે. વધુમાં આવતા વર્ષથી ભારત સરકારના લક્ષ્યાંક પ્રમાણે પાન કાર્ડથી દરેક સંસ્થાઓને લેબર તથા અન્ય તમામ કાયદાઓથી સાંકળી લેવામાં આવશે. જેથી વધુ ને વધુ સંસ્થાઓ અને કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળી શકે.
ભારત સરકારે ઇ–શ્રમ કાર્ડ થકી આજદિન સુધીમાં 28 કરોડ અસંગઠિત કર્મચારીઓને જોડ્યા છે અને તેઓને આગામી દિવસોમાં પીએફના યુનિવર્સલ એકાઉન્ટ નંબર આપવામાં આવશે. આવી રીતે ભવિષ્યમાં 40 કરોડ ભારતીયોને તેઓની સામાજિક સુરક્ષા માટે આવરી લેવાનો ભારત સરકારનો લક્ષ્યાંક છે અને તેના માટેની કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.
એડ્વોકેટ આનંદ મહેતાએ લેબર કોડ અંતર્ગત વિવિધ વ્યાખ્યાઓ રજૂ કરી માલિક અને કર્મચારીઓનાં ખિસ્સાં ઉપર વધતાં ભારણો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં લેબર લો અંગેના નિયમો બહાર પાડવામાં આવ્યા છે અને બાકી રહેલાં રાજ્યો જ્યારે આ નિયમોને ફાઇનલ કરી પોતાનાં રાજ્યોમાં નિયમો બહાર પાડશે. ત્યારબાદ ચારેય લેબર કોડની અમલવારી શક્ય થશે. ખાસ કરીને પગારની વ્યાખ્યાને લઇ ભારતના વિવિધ માલિકોનાં એસોસિએશનો દ્વારા જરૂરી સુધારો કરવા રજૂઆતો કરવામાં આવી હતી અને તેને ધ્યાને લઇ સરકાર દ્વારા કુલ પગારના 50 ટકાવાળા સંશોધનને ત્રણ વર્ષમાં ધીમે ધીમે તબક્કાવાર અમલી કરવામાં આવશે.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ લેબર લો અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફરી વખત ટ્રેઇનિંગ ક્લાસિસ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ચેમ્બરના ગ્રુપ ચેરમેન ડો.અનિલ સરાવગી, ચેમ્બરની લેબર લો કમિટીના કો–ચેરમેન નાવેદ શેખ ઉપસ્થિત રહ્યા હતા.