જયપુર: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે ચીન (China) યુદ્ધની (War) તૈયારી કરી રહ્યું છે અને સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે આ જોખમની અવગણના કરવાના પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સરકાર ‘ઉંઘી’ રહી છે અને સ્થિતિને સ્વીકારવા તૈયાર નથી. રાહુલના સરકાર પર હુમલા પર ભાજપે (BJP) તીખી પ્રતિક્રિયા આપી હતી અને તેણે કોંગ્રેસ નેતા પર દેશમાં ગેરસમજ ઉભી કરવાના પ્રયાસ કરવાનો અને ભારતીય સૈનિકોને હતોત્સાહિત કરવાના આરોપ લગાવ્યા હતા. ભાજપે કહ્યું હતું કે આ 1962નો નહેરૂનો સમય નથી. અને આરોપ લગાવ્યો હતો કે ગાંધી ભારતીય સૈનિકોના સાહસ પર સતત શંકા વ્યક્ત કરે છે.
કોંગ્રેસની ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા પર જયપુરમાં પત્રકારોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે વિદેશ મંત્રી એસ જયશંકર સતત ટિપ્પણીઓ કરે છે પણ તેમને તેમની સમજ ઊંડી કરવાની જરૂર છે. ગાંધીએ મીડિયા પર પ્રહારો કરતા કહ્યું હતું કે પત્રકારો તેમને સચિન પાયલોટથી લઈને અશોક ગહેલોત વિશે પ્રશ્નો કરશે પણ ચીન પર કોઈ પ્રશ્ન નહીં કરે. તેમણે કહ્યું હતું, ‘હું ચીનનું જોખમ બહુ સ્પષ્ટ રીતે જોઈ શકું છું. હું છેલ્લા 2-3 વર્ષથી આના પર સ્પષ્ટ છું, પણ સરકાર તેને સંતાડવા અને તેની અવગણના કરવા માગે છે. તેની (ચીનની) પૂર્ણ આક્રમણની તૈયારી ચાલી રહી છે, ભારતની સરકાર ઉંઘી રહી છે.’
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જો ગુજરાતમાં વિધાનસભા ચૂ઼ટણીમાં આપ પક્ષ મેદાનમાં ઉતર્યો ન હોત તો ત્યાં કોંગ્રેસ ચૂંટણી જીતી હોત અને સરકાર બનાવી હોત.