Gujarat

કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ હાલના સમયની જરૂરીયાત છે: જીટીયુ કુલપતિ

અમદાવાદ: કૃષિ આપણા દેશના અર્થતંત્રનો આધાર સ્તંભ છે. કૃષિ ક્ષેત્રે નવીનત્તમ ટેક્નોલોજીનો વપરાશ હાલના સમયની જરૂરીયાત છે. આ પ્રકારની તાલીમથી એગ્રી સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસીકો અને ખેડૂતોને (Farmer) આર્થિક લાભ મળશે. જે આત્મનિર્ભર ભારત (India) અભિયાનમાં સહભાગી થશે, તેવું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.નવીન શેઠે જણાવ્યું હતું.

ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશની 75 ટકા જનસંખ્યા કૃષિ આધારીત વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકાર પણ સમયાંતરે વિવિધ પ્રકારના કૃષિમેળાઓ યોજીને ટેક્નોલોજી આધારીત કૃષિ અંગે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. કૃષિ વિકાસમાં ટેક્નોલોજીનો વ્યાપ વધે તે હેતુસર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કામધેનું ચેરની સ્થાપના કરવામાં આવી છે. તાજેતરમાં જ જીટીયુ કામધેનું ચેર અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જીટીયુના વિદ્યાર્થીઓ માટે ગાય આધારીત સજીવ ખેતી માટેની તાલીમનું આયોજન કુકમા ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.

એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને બાયો ટેકનોલોજી શાખાના પસંદગી પામેલા 22 વિદ્યાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધો હતો. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ અત્યાર સુધીમાં 9,000 થી વધુ લોકોને ગાય આધારીત સજીવ ખેતી સંદર્ભે તાલીમ આપી ચૂક્યું છે. તાલીમ દરમિયાન ગાય આધારીત ખેતીના વિવિધ પ્રકલ્પો અને ગૌ આધારીત ઉદ્યોગોનું પ્રેક્ટીકલ જ્ઞાન મેળવ્યું હતું. આ ઉપરાંત નિરોગી જીવનશૈલી માટે ગાય આધારીત સજીવ ખેતીના યોગદાન બાબતે પણ માહિતગાર કર્યા હતાં. વિદ્યાર્થીઓએ ગાયના છાણમાંથી બનાવવામાં આવતી ધૂપસળી, દિવાલ ઘડિયાળ, પેન સ્ટેન્ડ અને પૂજાની સામગ્રી વગેરે બનાવવાની તાલીમ મેળવી હતી. આ ઉપરાંત ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતાં ઈમ્યુનિટી બુસ્ટર અને તેના સેવન થકી થતાં તમામ પ્રકારના ફાયદાની વૈજ્ઞાનિક ઢબે પૂરવાર થયેલા રીસર્ચ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હતું. તાલીમ દરમિયાન કચ્છી સંસ્કૃતિની ઓળખ સમા ભૂંગામાં રહીને વિદ્યાર્થીઓ ખરા અર્થમાં પ્રાકૃતિક સાનિધ્યને માણ્યું હતું.

Most Popular

To Top