અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) એસપી રિંગ રોડ ઉપર આંગણજ નજીક પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ મહોત્સવનું વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક મહિનો ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશથી અનેક મહાનુભાવો અને વીઆઈપીઓ મુલાકાત લેનાર છે. જેને ધ્યાનમાં રાખી મહોત્સવ દરમિયાન ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પોલીસના (Police) 1500 થી વધુ જવાનો સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ડીસીપી કક્ષાના 6 અધિકારીઓ, 30થી વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એસઆરપીની બે ટુકડીઓ, સહિત લગભગ 1500 થી વધુ પોલીસકર્મીઓ ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત વીવીઆઈપી મુલાકાતીઓની કેટેગરી પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સમિતિના હજારો સ્વયંસેવકો પણ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, માર્ગદર્શન સહિતની તમામ વ્યવસ્થાઓમાં સહયોગ આપશે. કોઈપણ મુલાકાતે કે દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સ્વયંસેવકોનો ખડે પગે ઉભા રહેશે. આ મહોત્સવ તમામ દર્શનાર્થીઓ માટે બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. જ્યારે રવિવારે સવારે 9-00 વાગ્યાથી રાત્રે 9-00 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. દરરોજ રાત્રે 10 વાગ્યા પછી મહોત્સવ સ્થળને બંધ કરવામાં આવશે.