નવસારી : ચૂંટણી (Election) પૂરી થઇ ગઇ, મત (Vote) મળી ગયા એટલે પ્રજા ભલે પીસાતી એવું સૂત્ર નવસારી વિજલપોર પાલિકાના કારભારીઓએ અપનાવ્યું હોય એમ હવે પીવાના પાણીના રોટેશનમાં કાપ મૂકવાની જાહેરાત થઇ ગઇ છે. હજુ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયાને અઠવાડિયું જ થયું છે. લોકોમાં હજુ ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવારને જીતાડ્યાનો હરખ દેખાય છે, ત્યાં જ હવે પીવાના પાણીના રોટેશનમા કાપ મૂકીને હરખ ઉપર પાલિકાના કારભારીઓએ ડામ દીધો હોય એવી સ્થિતિ થઇ ગઇ છે.
નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો ઉકાઇ ડેમ આધારિત છે. એ પાણી મળે તો જ નગરજનોને પીવાનું પૂરતું પાણી આપી શકાય એમ છે. નવસારી સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરની એક યાદીમાં જણાવ્યા મુજબ આગામી 40 દિવસ સુધી ઉકાઇ ડેમમાંથી નવસારીની પ્રજા માટે તળાવમાં અપાતો પાણીનો જથ્થો આપી શકાશે નહીં. એ સંજોગોમાં અત્યારે પાણીનો જે જથ્થો છે, એ જથ્થો ચાળીસ દિવસ સુધી ચલાવવો પડે એવી સ્થિતિ છે. એ સંજોગોમાં નવસારી વિજલપોર પાલિકાના કારભારીઓ પાસે લોકોને દરરોજ અપાતા પાણીના જથ્થામાં કાપ મૂકવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેતો નથી, તેને પગલે હવે પાલિકા પીવાના પાણીના રોટેશનમાં કાપ મૂકી રહી છે.
નગર પાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા યોજના દ્વારા અપાતો પાણીનો પુરવઠો હવે ઓછા દબાણથી અને ઓછા સમય માટે અપાશે. ઉપરાંત તળાવમાંથી અપાતા પાણીમાં બોરના પાણીને મીક્ષ કરીને પાલિકા થીંગડા મારવાનો પ્રયાસ કરશે. આ સંજોગોમાં લોકોએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવાની નોબત આવશે. ઉકાઇ ડેમ આધારીત પાણી પુરવઠા યોજના હોવાને કારણે દર વર્ષે આ સમસ્યા પેદા થાય છે, ત્યારે ન તો પાલિકાના કારભારીઓને કે ન તો ધારાસભ્ય કે ન તો સાંસદને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં રસ હોય એમ લાગતું નથી. ઢગલો મત આપતી પ્રજાને પૂરતો વેરો ભરવા છતાં પણ સુવિધા અપૂરતી મળે એ જનપ્રતિનિધિઓની નિષ્ફળતા છે.
પૂરતું પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ ગયેલી પાલિકાએ લોકોને કરકસર કરવા સલાહ આપી
નવસારી નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે અને ધારાસભ્ય તરીકે પણ ભાજપના ઉમેદવારો જ દાયકાઓથી જીતતા રહ્યા છે, એમ છતાં નગરને પીવાનું પૂરતું પાણી પુરૂ પાડતી એક પણ સક્ષમ પાણી પુરવઠા યોજના બની શકી નથી. કરોડોના પાઇપ નાંખીને પાણી પૂરૂં પાડવાની યોજના તો ચાલુ થઇ જ નહીં, પણ તેના પાઇપો પણ ક્યાં ગુમ થઇ ગયા એ પણ તપાસનો વિષય છે. પરંતુ પાલિકાના કારભારીઓને એમાં રસ હોય એમ લાગતું નથી.
પૂર્ણા નદી પર ડેમ બને તો પાણીની અછત ટળે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે નવસારીમાં પૂર્ણા નદી પર ડેમ બનાવવાનું વચન આપી ગયા હતા. હવે તો છેલ્લા 8 વર્ષથી તેઓ વડાપ્રધાન પણ બની ગયા છતાં હજુ પૂર્ણા નદી પર ડેમ બનવાનું કોઇ ઠેકાણું દેખાતું નથી. એમ છતાં આ બંને ટર્મમાં નવસારીએ ભાજપના જ સી.આર.પાટીલને તથા એ દરમ્યાન ધારાસભ્ય તરીકે પિયૂષ દેસાઇને જીતાડ્યા હતા, એમ છતાં ડેમ બન્યો નહીં અને આજે પણ નગરજનો પીવાના પાણીની અછત ભોગવે છે. જોવાનું હવે એ છે કે ડેમનું મૂહુર્ત ક્યારે નીકળે છે ?