Columns

એક્સપ્રેસ હાઈવેના નિર્માણથી દેશની આર્થિક સદ્ધરતા વધી રહી છે…?

એક્સપ્રેસ હાઈવે હવે દેશમાં રાજ્યોની અને દુનિયામાં દેશની ઓળખ બની રહ્યો છે. છેલ્લા બે દાયકામાં દેશમાં એક્સપ્રેસ હાઈવે નિર્માણની ગતિ ઝડપથી વધી છે. છેલ્લે મહારાષ્ટ્રના બે મહત્ત્વના શહેરો મુંબઈ-નાગપુરને જોડતા સમૃધ્ધિ એક્સપ્રેસ હાઈવેનું અનાવરણ થયું. અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે અને મુંબઈ-નાગપુર એક્સપ્રેસ હાઈવેને અત્યાધુનિક હાઈવેમાં ગણાવાઈ રહ્યો છે. આ હાઈવે દેશનો હાલનો સૌથી લાંબા રૂટનો એક્સપ્રેસ હાઈવે છે. તેની લંબાઈ 520 Km છે અને તે 6 લેનનો છે. અત્યારે 6 લેનનો આ માર્ગ આવનારા દિવસોમાં 8 લેન સુધી નિર્માણ પામશે. આ પૂરા પ્રોજેક્ટમાં અત્યાર સુધી 55,000 કરોડ રૂપિયા ખર્ચાયા છે. દેશની આર્થિક રાજધાનીથી મહારાષ્ટ્રના અલ્પવિકસિત ક્ષેત્રો મરાઠાવાડા અને વિદર્ભ જોડાવાથી આ બંને ક્ષેત્રોને ખૂબ લાભ મળશે અને અહીંની સ્થિતિ સુધરશે.

બે દાયકા અગાઉ રોડ કનેક્ટિવિટી એ દેશનો મોટો પ્રશ્ન હતો. જ્યાં રોડ હતા ત્યાં તે રોડ ધોરણસરના નહોતા અને એ રીતે આર્થિક ગતિ પણ મંદ હતી પણ છેલ્લા બે દાયકાથી વર્લ્ડ ક્લાસ રસ્તાઓ ભારતમાં બની રહ્યા છે અને તેનાથી થઈ રહેલી પ્રગતિ આપણે જે-તે ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ. હાલમાં મુંબઈ–નાગપુર એક્સપ્રેસ હાઈવેના પરિણામે પણ વિદર્ભ અને મરાઠાવાડમાં આર્થિક અવકાશની આશા જન્મી છે. બીજું કે આ એક્સપ્રેસ હાઈવે અત્યાર સુધી દેશનો સૌથી અત્યાધુનિક કહેવાય છે. તેનું કારણ એ છે કે આ રોડ નિર્માણ કરતી વેળાએ ઇન્ટરનેશનલ માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે અને તેના પરના ટ્રાફિક સર્વેલન્સનું નિયંત્રણ પણ એ જ રીતે કરવામાં આવશે.

ઉપરાંત, આ હાઈવેથી જે પણ વાહન પસાર થશે તે બધા વાહનો પર CCTV કેમેરાની સતત નિગરાની રહેશે. મુંબઈ-નાગપુર હાઈવેના કેટલાક હિસ્સામાં ડિઝાઈન રન વેની જેમ રાખવામાં આવી છે જેથી કટોકટીની પળે અહીંયા એરોપ્લેન્સને પણ ઉતારી શકાય. સ્વાભાવિક છે કે ટેકનોલોજી આજે રોજેરોજ અપડેટ થઈ રહી છે અને તેનો લાભ છેલ્લે નિર્માણ પામેલા પ્રોજેક્ટને મળે છે. મુંબઈ–નાગપુર એ રીતે ટેક્નોલોજીથી સજ્જ છે અને તે કારણે અહીંયા સ્પીડ, લેન ડિસિપ્લિન અને વાહન બ્રેકડાઉન થાય તે બધી જ બાબતો ઇન્ટરગ્રેટેટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી નિયંત્રત કરાશે.

આવનારો સમય ઇલેક્ટ્રિક વાહનોનો હશે તેથી હાઈવે પર 40થી 50 Kmના અંતરે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. આ એક્સપ્રેસ હાઈવેની લગોલગ અત્યારે સોલર પેનલ નાંખવાની પણ વાત ચાલી રહી છે તેથી આ પૂરા હાઈવેની વીજળી તે જ જગ્યાએ ઉત્પાદિત થઈ શકે. હાઈવેની આસપાસ અનેક યોજનાઓ આકાર પામી શકે તે રીતે પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌથી અગત્યની વાત એ કે અત્યાર સુધી મુંબઈ – નાગપુરનું અંતર કાપવામાં 16 કલાક લાગતા તે હવે માત્ર 8 કલાકમાં પૂરું કરી શકાશે.

મહારાષ્ટ્રના મુખ્ય શહેરોને જોડતો સમૃદ્ધિ હાઈવે અગત્યનો છે તેમ આવનારા દિવસોમાં નિર્માણ પામી રહેલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે દેશની પ્રગતિ માટે અગત્યનો છે. દિલ્હી અને મુંબઈ દેશના બે મુખ્ય શહેર છે અને આ બંને શહેરો જ્યારે એક્સપ્રેસ હાઈવે દ્વારા જોડાશે ત્યારે તેનો લાભ પૂરા પશ્ચિમ ક્ષેત્રોને મળશે. આ પશ્ચિમ ક્ષેત્રોમાં ગુજરાત પણ છે અને ગુજરાતને તેનાથી મહત્તમ લાભ મળવાના અવસર અત્યારથી જોવાઈ રહ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના કાર્યનો આરંભ 8 માર્ચ 2019ના રોજ થયો હતો અને આ પૂરા પ્રોજેક્ટની કિંમત 1 લાખ કરોડને આંબશે. આ પ્રોજેક્ટ દિલ્હીના સોહવા ઇલેવેટેડ કોરિડોરથી મહારાષ્ટ્રના જવાહરલાલ નેહરુ પોર્ટને જોડશે. તેમાં આવનારાં મુખ્ય શહેરો કોટા, રતલામ, વડોદરા અને સુરત છે. ગુજરાતમાં આ હાઈવેનો સૌથી મહત્તમ ભાગ છે, જેની લંબાઈ 426 Km છે. અત્યારે પણ માર્ગ દ્વારા મુંબઈથી દિલ્હી અવરજવર કરી શકાય છે પણ તેનો ટ્રાવેલિંગ ટાઈમ 24 કલાકનો છે, જે હાઈવે નિર્માણ પામ્યા પછી અડધોઅડધ એટલે કે માત્ર 12 કલાકનો રહેશે. 

એક સમયે ફિલ્મોમાં માર્ગ પર દોડતી સડસડાટ ગાડીઓના દૃશ્ય જોઈએ ત્યારે તે વિદેશનું જ છે તેવું માની લેવાતું હતું. ભારતમાં આવી સડકોની માત્ર કલ્પના જ સેવાતી હતી પણ હવે દેશમાં એવા હાઈવે બની રહ્યા છે, જ્યાં ગાડીઓ 150ની સ્પીડે જઈ શકે છે. એક્સપ્રેસ હાઈવે દ્વારા માર્ગોની કાયાકલ્પ થવાની શરૂઆત વર્ષ 2002માં મુંબઈ-પુને એક્સપ્રેસ દ્વારા થઈ હતી. ભારતનો આ પ્રથમ 6 લેન પહોળો એક્સપ્રેસ હાઈવે છે. આજે પણ દેશનો આ સૌથી વ્યસ્ત માર્ગોમાંનો એક છે. મુંબઈ-પુને એક્સપ્રેસ હાઈવે નિર્માણ કરવાનો પણ પડકાર હતો કારણ કે અહીંયા સહ્યાદ્રીના પહાડો પરથી માર્ગ કાઢવાનો હતો. આ હાઈવેની લંબાઈ 95 Kmની છે અને અહીંથી રોજના 50 હજારની આસપાસ વાહનો પસાર થાય છે અને તેનાથી બમણી ક્ષમતા આ એક્સપ્રેસ હાઈવેની છે.

મુંબઈ-પુને એક્સપ્રેસ હાઈવે દેશનો પ્રથમ આ પ્રકારનો માર્ગ હોવાથી તેની ડિઝાઈનમાં કેટલીક ક્ષતિઓ પણ રહી ગઈ છે. આ ક્ષતિઓના કારણે અહીંયા 2010 અને 2012માં અકસ્માત થયા અને પ્રવાસીઓના જાન પણ ગયા પરંતુ ધીરે ધીરે કરીને અહીંયા થયેલી એકેએક ભૂલને સુધારતા હવે આ માર્ગને વધુ સુરક્ષિત બનાવાયો છે. ભવિષ્યમાં આ માર્ગને 8 લેન કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ પછી જે એક્સપ્રેસ હાઈવે દેશમાં બન્યો તેમાં અમદાવાદ-વડોદરાનું નામ આવે છે. 93 Kmથી આ બંને શહેરોને જોડતો આ હાઈવે હવે લાઈફલાઈન બની ચૂક્યો છે અને તેના નિર્માણથી આસપાસના ક્ષેત્રો-ગ્રામીણ વિસ્તારનો મળેલી કનેક્ટિવિટીથી ખૂબ લાભ થયો છે. તે પછી દેશમાં અનેક એક્સપ્રેસ હાઈવે બનતા ગયા અત્યારે સૌથી વધુ એક્સપ્રેસ હાઈવે ઉત્તર પ્રદેશમાં છે અને તેની સંખ્યા 6 છે. તે પછી હરિયાણામાં એક્સપ્રેસ હાઈવેનો ક્રમ આવે છે અને તેની સંખ્યા 7 છે. મહારાષ્ટ્રમાં 5 એક્સપ્રેસ હાઈવે નિર્માણ થઈ ચૂક્યા છે. કર્ણાટક અને દિલ્હી 4-4 હાઈવે સાથે તે પછીના ક્રમે આવે છે અને ગુજરાત હજુ 1 જ એક્સપ્રેસ હાઈવે ધરાવે છે.

દેશમાં અત્યારે સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે નાગપુર-મુંબઈ બન્યો છે પણ તે અગાઉ આ રેકોર્ડ પૂર્વાંચલ એક્સપ્રેસ હાઈવે પાસે હતો. આ હાઈવે ઉત્તર પ્રદેશના જ બે શહેરો લખનઉ અને ગાઝીપુર જિલ્લાને જોડે છે. આ પૂરા પ્રોજેક્ટનો ખર્ચ 22,494 કરોડ છે. એ પછી દેશનો સૌથી અગત્યનો એક્સપ્રેસ વે આગ્રા અને લખનૌનો છે. તેની લંબાઈ 302 Km છે અને તે રેકોર્ડ ગતિએ નિર્માણ પામ્યો હતો. આ હાઈવે પર તો અત્યાર સુધી ઇન્ડિયન એર ફોર્સના સુખોઈ અને મિરાજ રન ટેસ્ટ કરી ચૂક્યા છે. અહીંયા 3 Kmનો પટ્ટો યુદ્ધ જેવી કટોકટી સમય માટે બનાવ્યો છે.

આ તમામ એક્સપ્રેસ હાઈવેમાં જમીનોનું અધિગ્રહણની પ્રક્રિયા થઈ છે અને તેમાં ભ્રષ્ટાચાર પણ થયો છે. જે હાઈવે નિર્માણ પામ્યા તેમાં ભ્રષ્ટાચારના આરોપો એકબીજા સમક્ષ થયા છે. તેમ છતાં અંતે એક્સપ્રેસ હાઈવેના પરિણામે આજે લોકોની અવરજવર વધુ સગવડભરી થઈ છે અને તે કારણે આર્થિક સદ્ધરતા પણ જે-તે ક્ષેત્રમાં આવી છે. આજે પણ દેશમાં 44થી વધુ એક્સપ્રેસ હાઈવેનો પ્રસ્તાવ મુકાયો છે.

ગુજરાતનો આવો જ એક મહત્ત્વાકાંક્ષી એક્સપ્રેસ હાઈવે સુરત-ચેન્નઈ શહેર વચ્ચેનો છે. એક્સપ્રેસ હાઈવે આ રીતે અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રના સહયોગથી તો નિર્માણ પામી રહ્યા છે પણ હવે ‘ભારતમાલા’ પ્રોજેક્ટ અંતર્ગત પણ અનેક એક્સપ્રેસ હાઈવે નિર્માણ પામી રહ્યા છે. ભારતમાલાનો આ પૂરો પ્રોજેક્ટ 10 લાખ કરોડનો છે અને તેમાં પૂરા દેશભરમાં માર્ગોનું નેટવર્ક બનાવવાનું સપનું સેવાયું છે.

એક્સપ્રેસ હાઈવે દ્વારા દેશને કનેક્ટ કરવાનું આ કાર્ય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીના નેજા હેઠળ થઈ રહ્યું છે. તેઓ 8 વર્ષથી આ મિનિસ્ટ્રી સંભાળી રહ્યા છે અને તેમનું યોગદાન આ કાર્યમાં અગત્યનું છે. આ બધુંય છતાં હજુય એક્સપ્રેસ હાઈવે આમ લોકો માટે નથી બન્યા તેમ લાગ્યા કરે છે. મોટા ભાગના એક્સપ્રેસ હાઈવેના કોરિડોરના કારણે આસપાસના ગ્રામીણ લોકો કટ-ઓફ થયા છે. તેમને જેટલો લાભ આનાથી થયો છે તેટલું જ નુકસાન પણ તેમને છે. હજુય એક્સપ્રેસ હાઈવેનો લાભ શહેરીઓને વધુ છે અને તે તેની મોટી મર્યાદા છે.

Most Popular

To Top