ઘેજ : સાદકપોરના ગોલવાડમાં એકલા રહેતા અને ડેરીના (Dairy) વ્યવસાય સાથે સંકળાયેલા વૃધ્ધ દંપતિના ઘરે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં પાંચેક જેટલા લૂંટારૂ (Robber) ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ ચપ્પૂ બતાવી ‘ચલો ખડે હો જાઓ, ગડબડ મત કરના, અવાજ મત કરના, જો કુછ ભી હો વો દિખાવો, કેશ હોય તો બતાવી દો નહી તો ઉડાવી દઇશું તેમ કહી ધમકાવી સોનાની ચેઇન, મંગળસૂત્ર, રોકડા, મોબાઇલ ફોન સહિત 50000 રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પોલીસે (Police) લૂંટારૂઓના સ્કેચ બનાવી, સીસીટીવી ફુટેજના આધારે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ચીખલીને અડીને આવેલા સાદકપોરના ગોલવાડમાં ચીખલી-ખેરગામ મુખ્ય માર્ગ સ્થિત લક્ષમણ નિવાસમાં ફરિયાદી લક્ષમણ ઝીણાભાઇ પટેલ (ઉ.વ. 72) અને તેમની પત્ની ભીખીબેન (ઉ.વ. 65) સાથે સોમવારની રાત્રે આઠેક વાગ્યે જમી પરવારીને ટીવી જોઇ રહ્યા હતા તે દરમ્યાન સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો ખુલ્લો હોય બે અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા અને તેમના કહેવાથી અન્ય ત્રણ જેટલા આવી તેમાંના એકે લક્ષમણભાઇને ચપ્પુ મારવા હિંદીમાં જણાવ્યુ હતુ કે ‘ચલો ખડે હો જાઓ, ગડબડ મત કરના, અવાજ મત કરના, કુછ ભી હો વો દીખાવો’ ત્યારે
વૃધ્ધ લક્ષમણભાઇએ મારા ગળામાં ચેઇન છે તે તમને આપી દઉં, બીજું મારી પાસે કંઇ નથી કહેતા તેમની પત્ની ઉપરના માળેથી નીચે ઉતરી બુમાબુમ કરતા 24 થી 25 વર્ષના અને પાછળ કાળા રંગની બેગ ભેરવેલા ઇસમે દાદર પાસે પહોંચી જઇ મોં દબાવી દીધું હતું અને તેમની પાસેની 30 ગ્રામ વજનની સોનાની ચેઇન, બેડરૂમના પલંગના ગાદલા નીચે મુકેલું 8 ગ્રામનું મંગળસૂત્ર, ટેબલના ખાનામાંથી 10000 રૂપિયા રોકડા તથા ચાર મોબાઇલ ફોન મળી 50000 રૂપિયાની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.
વૃધ્ધ દંપતિ એકલુ રહેતુ હોવાની જાણકારી લૂંટારૂઓને હતી
લૂંટનો ભોગ બનનાર લક્ષમણભાઇ વર્ષોથી ચીખલીમાં લક્ષમણ ડેરી ચલાવે છે અને તેમના દીકરાઓ પરિવાર સાથે અલગ રહે છે. તેથી આ વૃધ્ધ દંપતિ એકલુ જ રહેતુ હોવાની જાણકારી લૂંટારૂઓને અગાઉથી હોય તેમ લાગે છે. આ બંગલામાં સીસીટીવી કેમેરા છે કે કેમ તે પણ લૂંટારૂઓએ આવતાની સાથે જ પૂછી લીધું હતું અને આ લૂંટારૂઓ કોઇને જણાવશે તો મારી નાંખીશું તેવી ધમકી પણ જતા જતા આપતા ગયા હતા.
લૂંટારૂઓ લૂંટ ચલાવી ખેરગામ તરફ ચાલતા ગયા
રાત્રિના સાડા આઠેક વાગ્યાના બનાવની જાણ થતા રાત્રિ દરમ્યાન થતા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, ડીવાયએસપી રાય, પીઆઇ કે.એ. ચૌધરી, પીએસઇ સમીરભાઇ કડીવાલા, જયદીપસિંહ જાદવ સહિતનો કાફલો ધસી આવ્યો હતો. વધુમાં સવારે પોલીસે સ્કેચ બનાવડાવી એલસીબી ચીખલી સહિતની પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જો કે બનાવના સ્થળે કે આજુબાજુમાં સીસીટીવી કેમેરા ન હોય પોલીસને તપાસમાં મુશ્કેલી પડશે. વધુમાં લૂંટારૂઓ ત્યાંથી ખેરગામ તરફ થોડે દૂર ચાલતા જ ગયા હતા.
ચપ્પુ અને રિવોલ્વર જેવું બતાવી ધમકાવાનું શરૂ કરી દીધું
લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કરી દરવાજો બંધ કરી દીધો હતો અને લક્ષમણભાઇના જણાવ્યાનુસાર ચપ્પુ અને રિવોલ્વર જેવું કંઇ બતાવી ધમકાવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે મારા ગળામાં ચેઇન છે તે તમને આપી દઉં મારી પત્ની બીમાર છે તમે અમને હેરાન ન કરો. તમે જતા રહો. તેમ છતાં કેસ હોય તો બતાવી દો નહી તો ઉડાવી દઇશું તેમ કહી ધમકાવાનું ચાલુ જ રાખ્યું હતું અને ચેઇન, મંગળસૂત્ર, રોકડા આપી દીધા બાદ લક્ષમણભાઇએ અમને બંનેને મારી નાંખો એમ કહેતા તેમના પુત્રના સોગંદ ખવડાવી કોઇને નહીં જણાવવા કહી જણાવશો તો મારી નાંખીશું તેવી ધમકી આપતા ગયા હતા.
ચીખલી પોલીસમાં એક પીઆઇ ઉપરાંત ચાર પીએસઆઇનો સ્ટાફ છતાં નબળી કામગીરી બહાર આવી
ચીખલી પોલીસ સ્ટેશનથી ખૂબ નજીક અને વાહન-વ્યવહારથી ધમધમતા ચીખલી ખેરગામ માર્ગ પરના આ લૂંટના બનાવને પગલે સ્થાનિકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ચીખલી પોલીસમાં હાલે એક પીઆઇ ઉપરાંત ચાર ચાર પીએસઆઇનો સ્ટાફ હોવા છતાં નબળી કામગીરી બહાર આવી રહી છે અને ચોરી જેવા બનાવો શિયાળાની શરૂઆતમાં જ વધતા લોકોને ભયના ઓથાર હેઠળ રહેવાની નોબત આવી છે.