શિમલા (Shimla): હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના મુખ્યપ્રધાન (CM) તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ (Sukhwinder Singh Sukhu) એ ધારાસભ્યો સાથે પ્રથમ બેઠક કરી હતી. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ પહેલો મોટો નિર્ણય લીધો છે. સોમવારે સચિવાલયમાં ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ સુખુએ હિમાચલ ભવન ચંદીગઢ અને હિમાચલ સદન દિલ્હીમાં ધારાસભ્યોના રોકાણ માટે આપવામાં આવેલા ટેરિફમાં વધારો કરવાની ચર્ચા કરી છે.
ધારાસભ્યો પણ સામાન્ય લોકોની જેમ ભાડું ચૂકવશે
આ બેઠકમાં મુખ્યમંત્રીએ નિર્ણય લીધો કે હિમાચલ ભવન ચંદીગઢ અને હિમાચલ સદન દિલ્હીના ધારાસભ્યો સામાન્ય નાગરિકની જેમ રૂમનું ભાડું ચૂકવશે. ધારાસભ્યોને આપવામાં આવતી છૂટ નાબૂદ કરવામાં આવશે. સીએમ સુખુએ કહ્યું કે સામાન્ય નાગરિકોને અહીં રહેવા માટે વધુ પૈસા ચૂકવવા પડે છે જ્યારે ધારાસભ્યોને છૂટ હતી જે હવે નાબૂદ કરવામાં આવી છે. તેઓ પણ અહી સામાન્ય નાગરિકોની જેમ ભાડું ચૂકવી રોકાણ કરી શકશે. આ ઉપરાંત સીએમ સુખુએ કહ્યું કે ટૂંક સમયમાં હિમાચલ પ્રદેશ સરકાર તેના વચન મુજબ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા અંગે નિર્ણય લેશે. હિમાચલ પ્રદેશના કર્મચારીઓએ સોમવારે સચિવાલયમાં મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતી. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અધિકારીઓની બેઠક પણ લીધી હતી. બાદમાં, હિમાચલ પ્રદેશ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ એસોસિએશનના સભ્યો સાથે વાતચીત કરતા, મુખ્યમંત્રીએ તેમને રાજ્યના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે નવા જોમ, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે એક સારી સરકાર માટે સુશાસન જરૂરી છે, તેથી અધિકારીઓની ફરજ બને છે કે તેઓ લોકોની ફરિયાદોના નિવારણ માટે પોતાનો સમય ફાળવે. તેમણે કહ્યું કે અધિકારીઓએ સામાન્ય માણસના જીવનમાં સુખદ પરિવર્તન લાવવા માટે કામ કરવું જોઈએ.
રવિવારે લીધા મુખ્યમંત્રી પદનાં શપથ
શિમલામાં રવિવારે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સુખુએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ સમારોહ બાદ તેમણે કહ્યું કે તેમની સરકાર આગામી પાંચ વર્ષ માટે જનતા દ્વારા ચૂંટાઈ છે. તેમણે કહ્યું હતું કે તેઓ આ 5 વર્ષમાં માત્ર 10 ગેરંટી લાગુ કરશે. તેમણે કહ્યું કે આ સામાન્ય જનતાની સરકાર છે અને અમે સત્તા માટે નહીં પરંતુ વ્યવસ્થા બદલવા આવ્યા છીએ.