Gujarat Election - 2022

ગુજરાતમાં નાનકડી સફળતા સાથે આપ પક્ષ હવે રાષ્ટ્રીપ પક્ષનો દરજ્જો મેળવશે

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી(આપ)ને ગુજરાતમાં (Gujarat) માત્ર પાંચ બેઠકો મળી રહી હોવાના સંકેતો છે પણ આ નાની સફળતા પણ આ પક્ષ માટે મહત્વની બની રહી છે કારણ કે ટેકનીકલ ધારાધોરણો મુજબ ગુજરાતમાંની તેની આ સફળતા સાથે જ તેને એક રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મળી જઇ શકે છે.

રાષ્ટ્રીય પક્ષ તેને કહેવામાં આવે છે જેની રાષ્ટ્રીય કક્ષાએ હાજરી હોય, જેનાથી વિપરીતે એક પ્રાદેશિક પક્ષ માત્ર એક ચોક્કસ રાજ્ય કે પ્રદેશ પુરતો મર્યાદિત હોય છે. રાષ્ટ્રીય પક્ષો સામાન્ય રીતે મોટા પક્ષો હોય છે – જેમ કે કોંગ્રેસ અને ભાજપ. જો કે કેટલાક નાના પક્ષો , જેમ કે સામ્યાવાદી પક્ષોને પણ રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા મળી છે. રાષ્ટ્રીય પક્ષ સાથે કેટલોક ચોક્કસ દરજ્જો ભલે સંકળાયેલો હોય પરંતુ દર વખતે તે જરૂરી નથી કે રાષ્ટ્રીય પક્ષ હોય તેનો દેશભરમાં દબદબો હોય જ, જેમ કે સામ્યવાદી પક્ષોનો દેશભરમાં દબદબો નથી. બીજી બાજુ કેટલાક રાજકીય પક્ષો એવા પણ છે કે જેઓ એક મોટા રાજ્યમાં પ્રભુત્વ ધરાવે છે – જેમ કે ડીએમકે તમિલનાડુમાં, બીજેડી ઓડિશામાં, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી આંધ્રપ્રદેશમાં, રાજદ બિહારમાં અને ટીઆરએસ તેલંગાણામાં. આ પક્ષો રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ તેમ છતાં તેઓ પ્રાદેશિક પક્ષોનો જ દરજ્જો ધરાવે છે.

રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ ક્યારે બને?
ભારતના ચૂંટણી પંચની હેન્ડબૂક મુજબ કોઇ રાજકીય પક્ષને ત્યારે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ ગણવામાં આવશે જ્યારે તે નીચેના ધોરણો સંતોષતો હોય.
૧. તેને ચાર અથવા વધુ રાજ્યોમાં માન્યતા હોય, અથવા
૨. જો તેના ઉમેદવારો કોઇ પણ ચાર અથવા વધુ રાજ્યોમાં લોક સભા અથવા વિધાનસભા ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા ૬ ટકા મત મેળવ્યા હોય અને છેલ્લી લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર સાંસદો લોકસભામાં ગયા હોય, અથવા
૩. લોક સભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યો કરતા ઓછા નહીં તેટલા રાજ્યોમાં લોક સભાની જે તે રાજ્યની કુલ બેઠકોની ઓછામાં ઓછી બે ટકા બેઠકો જીતી હોય.

કોઇ રાજ્યમાં પક્ષને માત્યતા મળેલી ત્યારે ગણાય જ્યારે તેને ગત વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછો ૬ ટકા વોટ શેર મળ્યો હોય અથવા ઓછામાં ઓછા બે ધારાસભ્યો હોય, અથવા રાજ્ય વિધાનસભામાં કુલ બેઠકોના ઓછામાં ઓછી ૩ ટકા બેઠકો અથવા ૩ બેઠકો, જે વધુ હોય તે ધરાવતો હોય. આપ પક્ષ બે રાજ્યો દિલ્હી અને પંજાબમાં સ્પષ્ટ બહુમતિ સાથે સત્તા ધરાવે છે જ્યારે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં તેને ૬.૭૭ ટકા મતો મળ્યા હતા અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેને ૧૩ ટકા જેટલા મતો મળી ગયા છે અને પાંચ ધારાસભ્યો પણ મળી શકે છે તે સાથે જ તે ચાર રાજ્યોમાં માન્યતા ધરાવતા પક્ષ બનવાની સાથે રાષ્ટ્રીય પક્ષ બની જશે.

Most Popular

To Top