છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સતત એવા સમાચાર વાંચ્યા અને સાંભળ્યા કે ટૅક જાયન્ટ્સમાંથી મોટી સંખ્યામાં લોકોની છટણી કરવામાં આવી રહી છે મેટા, ટ્વીટર, માઇક્રોસોફ્ટ, ઇન્ટેલ, એપલ, સ્નેપ, એમેઝોન, સ્ટાઇપ, બૈજુઝ, સેલ્સફોર્સ, – તમે નામ લો તે ટૅક કંપનીએ મોટી સંખ્યામાં લોકોને ઘરભેગા કર્યાં છે અથવા તો ત્યાં છટણીના પડઘમ વાગી રહ્યા છે.. આમ જોવા જઇએ તો ભારતને આ આખાય છટણી મહોત્સવ સાથે કોઇ લેવાદેવા નથી પણ છતાં ય આપણે ત્યાં જે યુવાનો ટૅક જાયન્ટ્સમાં જોડાવા માગતા હોય તેમને સ્વાભાવિક રીતે ઉત્સુકતા થાય કે માળું આ મોટા માથાઓ આવું કરે છે શા માટે? અને યુએસએની સિલીકોન વૅલીમાંથી ઘર ભેગા થયેલા આટલા બધા લોકો હવે નોકરી વગરના રહેશે કે ક્યાંક થાળે પડશે?
ટૅક જાયન્ટ્સ માટે એક સામૂહિક શબ્દ વપરાય છે – બિગ ટૅક. કોરોના વાઇરસના રોગચાળા દરમિયાન ટૅકનોલૉજી કંપનીઝ મોટી ને મોટી થતી ગઇ કારણ કે વાઇરસમાં સપડાયેલી દુનિયાનો આધાર ટૅક્નોલૉજી પર જબ્બરદસ્ત વધ્યો. નોકરી વાંચ્છુકો અને રોકાણકારો માટે લાડકી બનેલી બિગ ટૅક હવે તકલીફમાં છે અને જે રીતે છટણી થઇ રહી છે જે રીતે તેમના વિસ્તારને જ્યાં જરૂર ન હોય ત્યાં આ ટૅક જાયન્ટ્સ સંકેલી રહ્યા છે તે જોતા સમજાતું નથી કે આ હોળી ક્યાં જઇને અટકશે. બિગ ટૅકના માર્કેટને જાણનારાઓ કહે છે કે 850 જેટલી ટૅક કંપનીઝમાંથી અંદાજે 1 લાખ 40 હજાર જેટલી વ્હાઇટ કૉલર જોબ્ઝનું બાષ્પીભવન થઇ ગયું છે અને આ અહીં અટકવાનું નથી. ટૅક જાયન્સ્ટમાં છટણીની સેકન્ડ સિઝન પણ આવશે. અમુક કંપનીઝએ ધાર્યું હતું એટલું તે કમાઇ ન શકી તો અમુક માથે તોળાતી મંદીના ભયમાં અગમચેતી રૂપે પોતાની પછેડી અને સોડ બંન્ને સંકેલી રહી છે.
ફેસબૂક એટલે કે મેટા જેવા ટૅક જાયન્ટ્સ જેની પર ટકે છે તેવા એડ રેવન્યુઝ પાંખા થતા ગયા અને ફાઇનાન્શિયલ યરમાં જેને થર્ડ ક્વાટર કહે છે એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય છે તે સાચવવો મુશ્કેલ થઇ પડ્યો છે. ટાર્ગેટ અચીવ નથી થઇ રહ્યા. એચપી ઇન્કે પણ પોતાના 61000ના વર્કફોર્સમાંથી 10 %ની છટણી કરવાની જાહેરાત કરી છે કારણ કે થર્ડ ક્વાટરમાં તેમની રેવન્યુની કમાણીમાં 11 %નો ઘટાડો જોવા મળ્યો. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમમાં ફેરફાર કર્યા અને કર્મચારીઓની રાતની ઊંઘ ઉડી ગઇ કારણકે છ ટકા કર્મચારીઓને તેમની કામગીરીના રિપોર્ટકાર્ડ પર નબળા હોવાનો સિક્કો મળ્યો. આપણને જે આંકડો માત્ર છ % લાગે છે એની જો છટણી કરાશે તો 10000 લોકો નોકરી ગુમાવશે.
ભારતમાં Ed-Tech એટલે કે ઓનલાઇ શિક્ષણ આપતી ટૅક કંપનીઝમાં મોટા પાયે છટણી થઇ છે, એ બૈજુઝ હોય કે પછી અનએકેડેમી. આ કંપનીઝ કોરોનાવાઇરસ રોગચાળા દરમિયાન ભારે પૉપ્યુલર થઇ હતી પણ એકવાર બધું ઠેકાણે પડ્યું પછી આ કંપનીઝને ટકવાના વાંધા પડી ગયા. આ તરફ સિલીકોન વેલીમાં નોકરી માટે ગયેલા ભારતીયો અત્યારે કામ વગરના થઇ ગયા છે. એચ વિઝા મેળવવા માટે જેમને વર્ષો લાગ્યા હતા તેમની પાસે હવે નોકરી પણ નથી અને કોઇ સ્પોન્સર પણ નથી. બની શકે કે તેમને યુએસએની સરકાર ડિપોર્ટ કરી દેશે. H-1B વિઝા જે વર્ક પરમિટનું કામ કરે છે તે બેરોજગારો માટે નકામો બની જાય અને આવા સંજોગોમાં જો નોકરી ગુમાવ્યાના 60 દિવસમાં જે-તે વ્યક્તિને નોકરી કે સ્પોન્સર ન મળે તો એને ઘર ભેગાં જ થવું પડે.
ટૅકમાં બૂમ આવવાનું સૌથી મોટું કારણ હતું કોરોનાવાઇરસ. ઓનલાઇન એપ્લિકેશનની વધતી માંગને પગલે ટૅક જાયન્ટ્સે પગાર વધાર્યા, રોકાણ વધ્યા અને હવે બાજી પલટાઇ ગઇ. ના બિગ ટૅક કંઇ સાવ તળિયે ધસી ગયા છે એમ નથી પણ પાંચમાં ગિયરમાં ચલાવેલી ગાડી હવે બીજા ગિયરમાં લાવવી પડી છે. વળી યુક્રેન અને રશિયા વચ્ચેના સઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થયું છે. હવે આ આખી ત્રિરાશિમાં એક સાવ નવું પાસું છે. જે ટૅક કંપનીઝના છટણી મિશનનો ભોગ બન્યા છે તેમને માટે મંદીમાં પણ નોકરી સાચવી રાખવાની તક છે. જો કે આ તક ખાસ કરીને યુએસએના સરકારી વિભાગોમાં છે. તગડા પગારો આપતી ખાનગી કંપનીમાં જોડાતા ટૅક એક્સપર્ટ્સની ટેલેન્ટ માટે યુએસએના સરકારી તંત્રમાં જગ્યાઓ ખાલી છે.
એક ઉદાહરણ તરીકે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ વેટરન્સ અફેર્સમાં જ ટૅક વર્કર્સ માટે કોંગ્રેસ ગયા વર્ષે વધારાનું બજેટ આપ્યું છે અને આ જગ્યાઓ ખાનગી નોકરી ખોઇ બેઠેલા ટૅક કર્મચારીઓ માટે મોજુદ છે. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાહવાહી કરીએ કે તેને વખોડીએ એક બીજું સામેનું સત્ય એ પણ છે કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની અમુક વેબસાઇટ્સ રેઢિયાળ હાલતમાં છે, તેને સુધારવા માટે નવા લોકોની જરૂર પડશે જ અને આ લોકો આવશે સિલિકોન વેલીમાં નોકરી ખોઇ બેઠેલા લોકોના જૂથમાંથી. ખાનગી નોકરી જેટલા તગડા પગાર ભલે ન હોય પણ નોકરી તો હોય – એ ગણિત હવે અહીં કામ કરી જશે. વળી નાની કંપનીઝને પણ ટેલેન્ટ મળવું આસાન થશે. ટેલેન્ટ રિશફલિંગ – એટલેકે બહેતર કંપનીમાં નોકરી મેળવવાની ભાંજગડ કરનારા કર્મચારીઓ પણ USમાં વધ્યા છે.
બીજી બાજુ એવું પણ છે કે ઘણી બધી કંપનીઝમાં એવી બૂમો પડે છે કે તેમની પાસે સારી ટેલેન્ટની ઊણપ છે. વૈશ્વિક સ્તરે બદલાતા સમીકરણો જેમ કે વસ્તીના આંકડા, નાગરિકોનું સ્થળાંતર વગેરે પણ માનવ સંસાધનનું સંતુલન ખોરવે છે. હૉસ્પિટાલિટી, સર્વિસ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરર્સને કર્મચારીઓની જરૂર છે અને ઑસ્ટ્રેલિયા તથા કેનેડા જેવા દેશોમાં વિદેશી નાગરિકોને માટે ઓપનિંગ્ઝ છે. આવામાં અમુક કંપનીઝ પોતાના સ્ટાફને ટકાવી રાખવાનો પ્રયાસ કરતી હોય તેમ પણ બની રહ્યું છે. મંદીનો ગાળો પસાર થશે પછી સારા માણસોનું કામ હોય તે જરૂરી હશે તેવું આ અનુભવી કંપનીઝ જાણે છે અને માટે તેઓ યેનકેન પ્રકારણે પોતાના વર્કફોર્સને સાચવે છે. આ એકદમ વિરોધાભાસી ચિત્ર છે જ્યાં અમુક ક્ષેત્રોમાં લેબર ફોર્સ જ નથી તો અમુક ક્ષેત્રમાં વધુ પડતી ભરતીઓ કર્યા પછી છટણી કરવામાં આવી રહી છે.
બિગ ટૅક જેવા હાલ બૅંકિંગમાં પણ છે અને અહીં પણ છટણીની મોસમના એંધાણ છે. અંધાધૂંધ છટણી ચાલી રહી હોવા છતાં ય 2008માં જે હાલ બેહાલ થયા હતા તેવું નહીં થાય એવી માર્કેટ વિશેષજ્ઞોને ખાતરી છે. ટૅકની છટણીથી ગભરાવાની જરૂર નથી કારણ કે એડીપી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર USAની રોજગારીને મામલે ટૅક જાયન્ટ્સનો હિસ્સો માત્ર 2 % છે.
બાય ધ વેઃ
મૂળે એમ થયું કે જ્યારે વિકાસના એંધાણ હતા ત્યારે ટેક જાયન્ટ્સે ભરતી મોટા પાયે કરી. સંજોગો બદલાયા એટલે એ બધા સ્ટાફ કે મિકેનિઝમને એમણે દૂર કર્યા જેનાથી રેવન્યુમાં કોઇ ફેર પડતો નહોતો. હવે જેમની નોકરી ગઇ છે તે મ્હોં ફાડીને પગાર નહીં માગે એટલે એ રિક્રૂટર્સ માટે પણ ફાયદો છે. ભારતમાં સ્ટાર્ટ અપ્સમાં પંદરેક હજાર જેટલા લોકોની છટણી થઇ છે તો એડ-ટૅકમાંથી પણ લોકોને ઘર ભેગા કરાયા છે. છતાં ય એક હાશકારો એ છે કે જે પારંપરિક સોફ્ટવેર સર્વિસ ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ ટૅક ટેલેન્ટની ભરતી થતી હોય છે ત્યાં બધું સ્થિર અને સલામત છે. પરફોર્મન્સ નબળું હોવાને કારણે નોકરી ગુમાવવા સિવાય કર્મચારીઓને છટણી નથી ભોગવવી પડી. ટૅક કંપનીઓએ ઉત્સાહમાં કરેલી ભરતીઓ હવે છટણીમાં ફેરવાઇ રહી છે પણ જો મંદીનો ફટકો વધુ મોટો હશે તો આ સંજોગો વરવા થઇ શકે છે.