સુરતઃ શહેરના લિંબાયત (Limbayat) વિસ્તારમાં ગઈકાલે ફરી એક વખત પાંચ વર્ષની માસૂમ બાળા પીંખાતા બચી ગઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પડોશમાં જ રહેતા હેવાને બાળકીને ચોકલેટ (Chocolate) આપવાના બહાને લઈ જઈ શારીરિક છેડછાડ કરતાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં (Police Station) અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- પડોશમાં જ રહેતા હેવાને બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ જઈ શારીરિક છેડછાડ કરી
- યુવકે બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી હતી
લિંબાયત પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા એક શ્રમિક પરિવારની પાંચ વર્ષની દીકરી ગઈકાલે સવારે તેમના ઘર આંગણે રમતી હતી. તે વખતે તેના પડોશમાં રહેતા બુધન રાય નામના યુવકે આ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી હતી. અને તેને રૂમમાં લઇ ગયો હતો. બાળકી સાથે ત્યાં શારીરિક છેડછાડ કરતાં બાળકી તેના ઘરે દોડી આવી હતી. બાદમાં તેની માતાને આ અંગે કહેતા સાંજે બાળકીના પિતા ઘરે આવ્યા ત્યારે માતાએ બાળકી સાથે થયેલી આ ઘટના અંગે જાણ કરી હતી.
બાળકીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને છેડતીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપીને આ અંગે ભણક લાગતા તે તેના વતન ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ બિહારનો વતની છે. ત્રણ મહિના પહેલાં જ આ બાળકીના પડોશમાં રહેવા માટે આવ્યો હતો. તે માર્કેટમાં મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.