ગાંધીનગર: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી રાજ્યમાં બીજા ચરણની ચૂંટણી (Election) માટેના પ્રચાર અર્થે આજે અમદાવાદમાં (Ahmedabad) હતા અને તેમનો મોટો રોડ-શો (RoadShow) યોજાયો હતો તે વખતે આ રોડ શો શહેરના ઐતિહાસિક લાલ દરવાજા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કોઇએ રોડ-શોના કાર કાફલા તરફ પથ્થર ફેંક્યો હતો. વડાપ્રધાનના કાર કાફલા પર કાંકરીચાળો થતા ખળભળાટ મચી ગયો હતો, જો કે પોલીસે (Police) પથ્થર મારનાર એક શંકાસ્પદ યુવકને તત્કાળ પકડી લઇને આખો મામલો થાળે પાડી દીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભદ્રકાળી માતાજીના મંદિર પહેલાં કોઈએ પીએમ મોદીના કારના કાફલા પર કાંકરીચાળો કર્યો હતો, જેમાં કોઈને ઈજા થઈ ન હતી. અલબત્ત, સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરીને પથ્થર ફેંકનાર યુવકની અટકાયત કરી લીધી છે. જેનાં સીસીટીવી ફૂટેજ પણ પોલીસે ચકાસી લીધાં છે. પીએમ મોદીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા તે પહેલા આ ઘટના બની હતી. પથ્થર મારનાર યુવકની ઓળખ જાણવા મળી નથી. જો કે મામલો વડાપ્રધાનની સુરક્ષા સાથે સંકળાયેલો હોવાથી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી. મોદીના રોડ-શોના સ્થળે સખત સુરક્ષા વ્યવસ્થા હતી અને પથ્થર રોડ-શોના કાફલાને કોઇ અસર કરી શક્યો ન હતો. આ બનાવ પછી રોડ-શો નિયત કાર્યક્રમ મુજબ ચાલુ રહ્યો હતો. બીજી બાજુ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે વડોદરામાં રોડ-શો કરી રહ્યા હતા, તેઓ રોડ-શો અધવચ્ચેથી ટૂંકાવીને અમદાવાદ આવી ગયા હતા પરંતુ કયા કારણોસર તેઓ અમદાવાદ આવ્યા તે તરત સ્પષ્ટ થઇ શક્યું ન હતું.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આજે વડાપ્રધાન મોદીનો રોડ-શો હોવાને કારણે સુરક્ષાને ધ્યાનમાં લઇને અનેક માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટથી ડફનાળા સુધીના ૪ કિમી સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો તે બાબતે પણ લોકોમાં ભારે રોષ પ્રવર્તતો હતો અને લોકોએ સોશ્યલ મીડિયા પર આ બાબતે પોતાનો રોષ ઠાલવ્યો હતો.