સુરત : નવા શૈક્ષણિક સત્ર શરૂ થવાને હજી આઠ મહિનાનો સમય છે. દરમિયાન શહેરની સ્કૂલોએ (School) નર્સરીથી ધોરણ-1 સુધીની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. એડમિશનની સીઝન (Admission Season) એટલે સ્કૂલ્સ મેનેજમેન્ટ માટે ડોનેશનની (Donation) સીઝન ગણાઇ રહી છે. શહેરની કેટલીક સ્કૂલ્સમાં તો પ્રિપ્રાઇમરી એડમિશનમાં પણ એડવાન્સ બુકિંગ થઇ ગયુ છે. જેને લઇને કેટલીય સ્કૂલ્સમાં 60% બેઠકો ફૂલ ( ડોનેશનના જોરે) થઈ ગઈ હોવાનું જાણવામાં આવ્યું છે. આમ, આવી સ્થિતિથી વાલીઓ પોતાના બાળકોના પ્રવેશને લઇને દોડા દોડ કરતા દેખાયા છે.
શિક્ષણ વિભાગે આગામી પાંચમી જૂનથી નવા શૈક્ષણિક વર્ષ 2023-24નો પ્રારંભ કરવાનો આદેશ કર્યો છે. પરંતુ હાલમાં ધોરણ-10 અને 12ની ગુજરાત શિક્ષણ બોર્ડની મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. એ પછી પરીક્ષા યોજાયા બાદ પેપર ચેકિંગ સહિતની કામગીરી ચાલનારી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષાનું રિવિઝન સહિતની પણ કામગીરી પણ ચાલશે. અંતે પરિણામ સાથે એક કે બે વિષયમાં નાપાસ થનારાની પૂરક પરીક્ષાની કામગીરી પણ આવનારી છે. આમ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં સ્કૂલો શૈક્ષણિકની સાથે બિન-શૈક્ષણિક કર્મચારીઓ કામગીરીમાં વ્યસ્ત રહેનારા છે. જેથી સુરત શહેર જિલ્લાની મોટાભાગની સ્કૂલોએ દિવાળી વેકેશન પૂર્ણ થતા જ નર્સરીથી ધોરણ-1ની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે.
શહેરના અલગ અલગ વિસ્તારની જાણીતી સ્કૂલોના આચાર્યો અને સંચાલકો સાથે વાત કરતા જણાય આવ્યું હતું કે ધોરણ-10 અને 12ની શિક્ષણ બોર્ડની પરીક્ષા સહિતની કામગીરી જોતા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં સ્કૂલોમાં બેઠક ફૂલ થઇ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં શહેર જિલ્લાની સ્કૂલોમાં નર્સરીથી ધોરણ-1 સુધીમાં કેટલા પ્રવેશ થાય તે મામલે મોટી હરીફાઇ ચાલતી હોવાનું પણ નજરે દેખાયું છે. નાના બાળકોના અને તેમના માતાપિતાના ઇન્ટરવ્યુ સહિત સ્કૂલ્સમાં ડોનેશન પણ સરેઆમ ખંખેરવામાં આવે છે. પરંતુ આવી ડોનેશન ઉઘરાવતી સ્કૂલ્સ સામે પગલા ભરાતા નથી. જેને લઇને વાલીઓએ પસંદગીની સ્કૂલ્સમાં બાળકોને એડમિશન અપાવવા માટે પહેલા ડોનેશનની વ્યવસ્થા કરવી પડે છે.
અઠવાલાઇન્સની જાણીતી સ્કૂલ્સ ડોનેશમાં પકડાઇ અને ફી પેટે ચૂકવણુ કરવુ પડયુ
શહેરના અઠવા લાઇન્સ વિસ્તારની જાણીતી એક સ્કૂલમાં બે ચાર વરસ પહેલા ઓનલાઇન એડમિશનની આડમાં કરોડો રૂપિયાનું ડોનેશન ખંખેરવામાં આવ્યુ હતુ. આ મામલે વાલીઓએ મોરચો ખોલતા સંચાલકોના હાથ હેઠા પડયા હતા.અને વાલીઓને ફી સાથે ડોનેશનની રકમ સરભર કરવી પડી હતી.