એક જમાનામાં ‘ખાલિસ્તાન’ના નામે પંજાબમાં – ‘આઝાદ કશ્મીર’ના નામે જ્મ્મુ-કશ્મીરમાં અને પશ્ચિમ બંગાળમાં ‘નક્સલવાદ’ના નામે કત્લેઆમ થતી ત્યારે શરૂઆતમાં આવી આતંકવાદી ઘટનાઓ TV ચેનલોમાં ‘બ્રેકિંગ ન્યૂઝ ’તરીકે તો દૈનિકોમાં આઠ-આઠ કોલમોમાં ચિત્કારતી. પાછળથી એવી ઘટના રોજિંદી થવા માંડી ને એ સમાચારો સંકોચાઈને 7-10 લીટીમાં સમાઈ જવા માંડ્યા. આવું જ કંઈક થતું રહ્યું છે અબજો રૂપિયાની હેરાફેરી-કૌભાંડ કરીને વિદેશ પલાયન થઈ ગયેલા આપણા સમાજના ‘શ્રેષ્ઠી’ ગણાતા એવા વિજય માલ્યા અને નીરવ મોદીના સમાચારો સાથે..
એમને દેશ પરત લાવવા આપણી સરકાર થોડાં વર્ષથી મથી રહી છે પરંતુ કાયદાના અનેક ચોપડે ભાગેડુ તરીકે નોંધાઈ ગયેલા આ બન્ને ‘લાપતા’ આસામીને આપણે હજુ સ્વદેશ લાવી શક્યા નથી એ કડવી પણ વાસ્તવિક વાત છે.આમ તો આ બન્ને એમનાં કાળાં-ધોળાં કારનામાં પછી બન્ને દેશ છોડીને અલોપ થઈ ગયા ને મહિનાઓ પછી લંડનથી ઝડપાયા બાદ એમના પ્રત્યાર્પણ માટે આપણી સરકારે પ્રયાસ શરૂ કર્યા એ વખતે આ ભાગેડુઓના સમાચાર આપણી TV ચેનલો અને પ્રિન્ટ- સોશ્યલ મીડિયાઓ પર રોજે રોજ ચમકતા રહ્યા. પછી બન્ને આરોપી અને સરકારી વકીલો વચ્ચે કાનૂની દાવપેચ શરૂ થઈ ગયા ને ધીરે ધીરે એમના સમાચારો ઓછા ને ઓછા થતા ગયા…. જો કે, હમણાં ફરી નીરવ મોદી સમાચારોમાં આળસ મરડીને ખડા થયા છે.
લંડનની કોર્ટોમાં વિવિધ તબક્કે કાયદાકીય આંટીઘૂંટી પેશ કરીને નીરવે ઘણા ધમપછાડા કર્યા પણ તાજેતરમાં લંડન કોર્ટમાં એનો પરાજય થતા એણે હવે જખ મારીને પણ ભારત પરત થવું જ પડશે એટલે કે નીરવે ગમે કે ન ગમે તોય સ્વદેશગમન કરવું પડશે . એની ‘ઘરવાપસી’ પછી આ ‘મિસ્ટર જ્વેલથીફ ’ને આપણી કઈ જેલમાં ‘ઉતારો’ એનાયત થશે એ જાણવું પણ રસપ્રદ બની રહેશે. વિદેશોમાં કેટલાંક એવાં કાળમીંઢ કારાગૃહ છે કે એને અંદરથી ભેદીને કોઈ બહાર ન આવી શકે કે પછી બહારથી ખાતર પાડીને અંદર ન પ્રવેશી શકે…. વિદેશની આવી પોલાદી પ્રિઝનમાં બહુ જાણીતી છતાં બડી બદનામ છે. અમેરિકાની‘અલકાટ્રઝ પ્રિઝન’. એના ઉલ્લેખ માત્રથી ભલભલા રીઢા અપરાધીઓ ભયથી ધ્રૂજી જાય ને એનાં ગાત્રો ગળી જાય. સાન ફ્રાન્સિસકોના દરિયા કિનારેથી માંડ 2 કિલોમીટરના અંતરે આવેલા એક ટાપુ પર છેક 1934માં શરૂ થયેલાં આ કારાગૃહની શરૂઆત લશ્કરી જેલ તરીકે થઈ હતી.
બે વર્ષ બાદ લાંબી સજા પામેલા ડ્રગ્સ માફિયાના ખોફનાક કેદીઓને અહીં રાખવાના શરૂ થયા. છેલ્લે અહીં માંડ 350 કેદીને સમાવવાની જ કોટડીઓ હતી. જો કે કેદી પર એવી સખ્ત નિગરાની રાખવામાં આવે કે કોઈ કેદી જેલ નિયમનો નાનો અમથો ય ભંગ કરે તો એને અતિ ક્રૂર કહેવાય એવી માનસિક-શારીરિક સજા ફ્ટકારવામાં આવે . અહીંની સિક્યુરિટી સિસ્ટમ એવી તગડી હતી કે આટલાં વર્ષોમાં જેલમાંથી ભાગી જવાના કુલ 14 પ્રયાસ થયા, જેમાંથી પાંચેક કેદી જેલની હદ-સરહદ માંડ પાર કરી શક્યા. એમાંથી 3 તો દરિયાઈ માર્ગે ભાગવાના પ્રયાસમાં ડૂબી મર્યા તો બાકીના 2 જેલ સિક્યોરિટીના હાથે વીંધાઈ ગયા. આ પ્રિઝનની ક્રૂરતા- કડકાઈ એવી વગોવાઈ ગઈ હતી કે આ જેલનું જ લોકાલ ને માહોલ લઈને હોલીવૂડમાં કેટલીક સફળ ફિલ્મો બની છે… છેલ્લે છેલ્લે, કારાવાસના ઈતિહાસમાં સૌથી બદનામ આ કારાગૃહ કાર્યરત રાખવું બહુ ખર્ચાળ બની ગયું હોવાથી સરકારે જ 1968માં બંધ કરીને એને જેલ મ્યુઝિયમમાં ફેરવી નાખ્યું છે….
જો કે, તમને કદાચ નવાઈ લાગશે કે એક યા બીજા કારણોસર વગોવાઈ ગયેલાં આવાં ઘણાં બધાં ‘જાણીતાં’ જેલખાનામાં આપણા પણ એક કારાવાસની ગણના થાય છે અને એ છે મુંબઈની ‘આર્થર રોડ જેલ ’! આ બાજુ, આપણા ભાગેડુ VIP અપરાધી નીરવ મોદી તથા વિજય માલ્યાને ‘આવકારવા’ આપણા સત્તાવાળા તત્પર બેઠા છે એ નિમિત્તે પણ આપણે એ બન્નેનાં કૌભાંડો પર અહીં ઝડપભેર નજર દોડાવી જઈએ. દુનિયાભરમાં હીરા-જવેરાતના વેપારમાં ઉદ્યોગ સાહસિક તરીકે બહુ ઝડપથી નામના હાંસલ કરનારા નીરવ મોદીની ઊંચી શાખ ચારેક વર્ષ પહેલાં એવી વગોવાઈ કે કોઈને માન્યામાં જ ન આવે કે એ મોરલો કેવી કેવી કળા કરી જશે. ‘પંજાબ નેશનલ બેન્ક’ (PNB)ના એકાદ કૌભાંડમાં એની કંપની સંડોવાઈ છે એવી વાત હજુ બહાર આવી ને કાનૂની કાર્યવાહી હજુ શરૂ થઈ ત્યાં નીરવ રાતોરાત મુંબઈ-ભારતમાંથી ‘ગાયબ’ થઈ ગયો ત્યારે કાનૂનના રખેવાળોને ખબર પડી કે બેન્કના એકાદ નહીં, ઢગલાબંધ છેતરપિંડી તથા લોન- કૌભાંડમાં નીરવ સક્રિય સંડોવાયેલો હતો . એ બધાં કૌભાંડની રકમ થતી હતી અધધધ રૂપિયા 14,000 કરોડ…! આમાં એના ગુરુ એવા મામા મેહુલ ચોક્સી સાથે પણ એ ઘણા ધંધા(ગોરખધંધા!)માં સાથે નીરવ સંડોવાયેલો હતો. મામા-ભતીજાની એ લુચ્ચા શિયાળ જેવી જોડી સિફતથી એક રાત ઓઢીને 18 જાન્યુઆરી-2018ના દેશમાંથી નવ-દો-ગ્યારા થઈ ગઈ હતી. યોગાનુયોગ, એ જ વખતે દેશમાં કૌભાંડોનો સિનારિયો અનાયાસ એવો ગોઠવાઈ ગયો હતો કે નીરવ મોદી- મેહુલ ચોક્સી ‘લાપતા’ થયા એની થોડા સમય પહેલાં જ ‘કિંગફિશર’ જેવા ધૂમ વેચાતા બિયરની કંપની ‘યુનાઈટેડ બેવરેજ’ તથા ‘કિંગફિશર એરલાઈન્સ’ તથા બેંગ્લોરની ક્રિકેટ ટીમ ‘રોયલ ચેલેન્જર્સ’ના સર્વેસર્વા એવા વિજય વિઠ્ઠલ માલ્યા પણ 17 જેટલી રાષ્ટ્રીયકૃત બૅન્કો પાસે લીધેલી લૉનના 9000 કરોડ રૂપિયા વત્તા પોતાના કર્મચારીના લાખો રૂપિયાના પગાર-બચત ઑહિયા કરીને એરપોર્ટ કસ્ટમ્સની નજર સામે ‘લંડનના ઘેર જાઉ છું’ એમ કહીને બધાના દેખતા રૂઆબભેર લંડન ભેગા થઈ ગયો હતો…! ટૂંકમાં આ ‘કિંગ ઑફ ગુડ ટાઈમ્સ’ રૂપિયા 10 હજાર કરોડનું ફુલેકું ફેરવી અનેક સરકારી બૅન્ક ને અન્ય ઉઘરાણીવાળાઓને રાતે પાણીએ રડાવી ગયા પછી સરકારે વિજય માલ્યાને દેશમાં પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી પણ પેલાએ ‘સ્વદેશગમન’ ન કરવું પડે એ માટે કાયદાની બધી જ છટકબારીઓને ઉપયોગ કરી જોયો, જેમ કે ‘ભારતની બધી જેલ સાવ બદતર છે…’
ઈત્યાદિ એવી ઘણી વાહિયત દલીલો લંડનની હાઈકોર્ટમાં માલ્યાએ એના મોંઘા કાયદા નિષ્ણાત વકીલો દ્વારા પેશ કરી પણ લંડન હાઈકોર્ટે એની તમામ દલીલો-રજૂઆતોને ફગાવી દઈ ભારત સરકારની પ્રત્યાર્પણની અરજી મંજૂર રાખી છે. એને આજે પણ અટકાવવા વિજય માલ્યા છેલ્લી મિનિટના હવાતિયા મારી રહ્યો છે. લગભગ આ જ પ્રકારની દલીલો નીરવ મોદીનું ‘વિદ્વાન’ વકીલજૂથ કરી રહ્યું હતું કે ભારતની જેલ ગંદી છે, …ત્યાં મચ્છર -ઉંદરોનો ભારે ત્રાસ છે. જેલ નજીક બહુ ગંદી ઝૂંપડપટ્ટી છે. …મારા અસીલની માનસિક અવસ્થા ડામાડોળ છે. …જેલ-બેરેકનો માહોલ એવો છે કે એ કદાચ આપઘાત કરવા પણ પ્રેરાય…!
લગભગ આ જ પ્રકારની દલીલો ભોગ-વિલાસી એવા વિજય માલ્યાએ જ્યારે કરી હતી ત્યારે બ્રિટિશ કોર્ટે ભારત સરકાર પાસેથી સૌથી સુરક્ષિત ગણાતી મુંબઈની આર્થર રોડ જેલની બૅરેક નંબર -12ની વિગતો -ફોટા-વીડિયો ક્લિપ્સ મંગાવી એનો અભ્યાસ કર્યા પછી માલ્યા તથા મોદીની સુનાવણી વખતે કોર્ટે એના ચુકાદામાં તડ ને ફડ સંભળાવી દીધું કે તમારા જેવા હાઈ-ફાઈ આરોપી- અપરાધીઓ માટે આર્થર રોડ પ્રિઝન બૅરેક-12 એકદમ સુરક્ષિત છે. ત્યાં માનસિક- શારીરિક તબીબી સેવાની પૂરતી ગોઠવણ છે ને કેદી આપઘાત કરી શકે એવી કોઈ જ કચાશ કે ત્રુટિ ત્યાં શોધી જડે તેમ નથી માટે તમે નિશ્ચિંત થઈ પધારો તમારે જેલ…! આમ તો આપણી જેલ કેવી છે એ કોઈ આરોપી-અપરાધી કે પછી કોઈ વિદેશી સરકારને દેખાડવા- દર્શાવવા માટે આપણે તસુભાર બંધાયેલા નથી.
જેલ એટલે જેલ -મહેલ તો હરગીજ નહીં.… આપણી જેલમાં પોતાની સુવિધા કે અનુકૂળતા મુજબ માલ્યા કે મોદી સજા ભોગવે એ જરાય જરૂરી નથી. જેણે ગંભીર અપરાધ કર્યા છે એણે કાનૂન અનુસાર સખ્ત સજા ભોગવવી જ પડે. આમ છતાં આપણી સરકારે બ્રિટિશ સરકારને જોઈતી વિગતો તરત જ પૂરી પાડી કારણ કે ‘ભારતની જેલ બદતર છે -માનવ અધિકારોનું ત્યાં પાલન નથી થતું’ એવો હોબાળો મચાવી માલ્યા- મોદી જેવા હાઈ પ્રોફાઈલ અપરાધી રાજકીય આશરો માગી-મેળવી વિદેશમાં જ રહી ન જાય એને અટકાવવા આપણી સરકારે વાણિયા બુદ્ધિ વાપરી બ્રિટિશ કોર્ટે જેલની માગી એ બધી વિગતો તત્કાલીન પૂરી પાડીને પ્રત્યાપર્ણનો પહેલો રાઉન્ડ તો જીતી લીધો… હા, હજુ એ બન્ને આરોપીની ઘરવાપસી થતા સમય લાગશે કારણ કે હજુ બન્ને પક્ષે રમત-શૂન્ય -ચોકડી જેવા ઘણા કાનૂની દાવપેચ બાકી છે.
ખેર, આવી રમત તો સમય આવ્યે રમાતી રહેશે પરંતુ જગતના સૌથી ખોફનાક ગણાતી પ્રથમ 5 પ્રિઝનમાં આમચી મુંબઈની ‘આર્થર રોડ જેલ’નો પણ સમાવેશ થયો છે એટલે આજે નહીં તો કાલે વિજય માલ્યા-નીરવ મોદી જેવાને જે કારાગારને વર્ષો સુધી ‘નિવાસસ્થાન’ બનાવવું પડશે એ આર્થર રોડ જેલના બૅરેક નંબર-12ની વિશેષતા શું છે? મુંબઈ 26/11 ના હીચકારી હુમલામાં 133 લોકોની નિર્મમ હત્યાઓ કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પૂણેના યરવડા જેલમાં ફાંસીએ લટકાવવામાં આવ્યો એ પહેલાં એને મુંબઈની આર્થર જેલમાં રાખવામાં આવ્યો ત્યારે એના માટે સૌથી વધુ સુરક્ષાની ગોઠવણ થઈ હતી.
આશરે 4 વર્ષ આર્થરમાં ઘરજમાઈ તરીકે રાખવામાં આ ‘કેદી નંબર: C-7096 ‘ પાછળ અન્ય ખર્ચ તો ઠીક પણ માત્ર એની લૅટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ સુરક્ષા પાછળ સરકારે કુલ રૂપિયા 31 કરોડ 41 લાખનો ખર્ચ કર્યો હતો. આ કારણસર છેક 1926માં બંધાયેલી આ જેલ આજે જગતની સૌથી ખીચોખીચ ગીર્દીવાળા જેલ તરીકે બહુ બદનામ છે. આશરે અઢી એકરમાં પથરાયેલા આ જેલ સંકુલમાં આજે સત્તાવાર રીતે 805 કેદી રાખવાની ક્ષમતા હોવા છતાં અત્યારે અહીં 1500થી વધુ કેદીઓ કીડિયારાની જેમ ઊભરાય છે! આવા આર્થર રોડ પ્રિઝન કંપાઉન્ડના સૌથી વધુ સુરક્ષિત ગણાતા વિસ્તારમાં એક અલાયદી ઈમારત છે, જેમાં બૅરેક નંબર-12 છે.
ગ્રાઉન્ડ ફ્લોર- એક માળના આ બીલ્ડિંગમાં 300 સ્કેવર ફૂટના બબ્બે સેલ છે. એક સેલ-કોટડીમાં વધુમાં વધુ ૩ કેદીને રાખી શકાય પરંતુ અગત્યના કેદીઓની સુરક્ષા ખાતર એટલા પણ કેદી અહીં રાખવામાં નથી આવતા. પહેલા માળની કોટડીમાં માત્ર કુખ્યાત કે પછી VIP કેદીને રાખવામાં આવે છે. આમ તો 2020થી બૅરેક -12 વિજય માલ્યા માટે તૈયાર રાખવામાં આવ્યો છે પણ નીરવ મોદીનું સ્વદેશાગમન જો વહેલું થઈ ગયું તો આ પ્રથમ માળની એ કોટડીનો લાભ એને મળશે…. અહીંની પ્રત્યેક કોટડીમાં બાથરૂમ-ટોઈલેટ ઉપરાંત સતત પાણી તેમ જ પંખાની વ્યવસ્થા છે. એ જ રીતે અન્ય અંધારી કોટડી કરતાં આ સેલમાં કેદીને પૂરતો સૂર્યપ્રકાશ પહોંચે એવી બારીની ગોઠવણ છે. આ સેલમાં જેને રહેવું પડશે એને પથારી-ચાદર-ધાબળો-ઓશીકું પણ મળશે. નાસ્તો-જમણ જેલનું હશે. ખાવા-પીવાનાં વાસણ ઉપરાંત અંગત ચીજ-વસ્તુ રાખવા નાનું કપબોર્ડ પણ ત્યાં છે.
…દરેક સેલની હિલચાલ પર નજર રાખવા અહીં ક્લોઝ્ડ સર્કિટ TV છે અને સુનાવણી વખતે જરૂર પડે તો કોર્ટ સાથે વીડિયો કોન્ફરન્શિન્ગની પણ અહીં ગોઠવણ છે. …જો કે કસાબને કોર્ટમાં પેશ કરવા તો કોટડીમાંથી એને ખાસ તૈયાર કરેલી અન્ડર ગ્રાઉન્ડ ટનલમાંથી લઈ જવામાં આવતો…! જસ્ટ જાણ ખાતર, આ અતિ સુરક્ષિત બૅરેક -12માં સંજય દત્ત- અબુ સાલેમ- અબુ જિંદાલ જેવા અનેક નામચીન વ્યક્તિ નિવાસ કરી ગઈ છે. આજકાલ આપણી સરકાર જે રીતે વિદેશ ભાગી ગયેલા અપરાધીઓને પ્રત્યાર્પણ દ્વારા ઘરવાપસી કરાવી રહી છે ત્યારે મુંબઈની આર્થર રોડ જેલ ઉપરાંત આપણા બીજાં ઘણાં કારાવાસ પણ બડા ખરડાયેલા છે જેમ કે દિલ્હીની તિહાર-પૂણેની યરવડા સેન્ટ્રલ જેલ-સાબરમતી- સુરત નજીક્ની અતિ મૉડર્ન ગણાતી લાજપોર જેલ… એ બધાની વિશેષતા સરકારે ધામધૂમ સાથે જાહેર કરીને વિદેશ વસી ગયેલા ભારતીય ભાગેડુઓને ‘ભાવભર્યું’ આમંત્રણ પાઠવીને કહેવું જોઈએ :
‘તમે માત્ર મોઢું હસતું રાખો. બાકીનું અમે સંભાળી લેશું!