સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં (Hospital) જન્મેલા નવજાત બાળકને ફીડિંગ (Feeding) કરાવવાના બહાને એક અજાણી મહિલા લઇ ફરાર થઇ જતાં હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. ખટોદરા પોલીસ (Police) દ્વારા હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરાતાં મહિલા હોસ્પિટલના ગેટની બહાર જતી નજરે પડી હોય તેને આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાની વતની સાયના રફીક પિંજારી (ઉં.વ.23) થોડા સમય પહેલાં લિંબાયતના મારુતિનગર નજીક તેના પિયરે ડિલિવરી માટે આવી હતી. સાયનાને મંગળવારે મળસકે 4 વાગ્યે પ્રસવ પીડા ઉપડી હતી. તેને માતા ફરિદા 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગઇ હતી. જ્યાં ગાયનેક વોર્ડમાં સાયનાએ બાળકને જન્મ આપ્યો હતો. તેણીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ સમયે વોર્ડમાં એક અજાણી હિન્દીભાષી મહિલા પણ હાજર હતી. આ મહિલાએ ફરીદાબેન સાથે વાત કરીને વોર્ડમાં દાખલ એક દર્દીની સંબંધી હોવાનું જણાવ્યું હતું.
સાયનાને સિઝર કરાયું હોવાથી ડોક્ટર દ્વારા બાળકને ઉપરનું દૂધ પીવડાવવા જણાવીને ફીડિંગ માટેનો એક કાર્ડ આપવામાં આવ્યો હતો. આ સમયે અજાણી હિન્દીભાષી મહિલાએ ફરીદાબેનને હું બાળકને દૂધ પીવડાવીને આવું છું તેમ કહ્યું હતું. ભરોસો કરી ફરીદાબેને અજાણી મહિલાને બાળક આપ્યું હતું. દરમિયાન અજાણી મહિલાએ ફરીદાબેનને તેમની પુત્રી સાયનાનો આધાર કાર્ડ લઇ આવવા કહ્યું હતું. ફરિદાબેન આધાર કાર્ડ લેવા ગઇ તે તકનો લાભ લઇ અજાણી મહિલા બાળક સાથે ફરાર થઇ ગઇ હતી. નવી સિવિલની પોલીસ ચોકીમાં બનાવની જાણ થતાં ખટોદરા પોલીસને બોલાવાઇ હતી. પોલીસે મોડી સાંજે સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતાં, જેમાં એક મહિલા શંકાસ્પદ રીતે ગેટની બહાર નીકળતી નજરે પડી હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે આગળની તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે.