ભરૂચ: આમોદ તાલુકાના માતર ગામે ફટાકડા (Fireworks) ફોડતા તણખો બાજુમાં મુસ્લિમ યુવકના ઘર આગળ થર્મોકોલના ખોખા ઉપર પડતાં થર્મોકોલ સળગી જતાં આગ (Fire) લાગી હતી. જેની અદાવત રાખી મસ્જિદ ફળિયામાં રહેતા મુસ્લિમે યુવકને મારમારી જીવલેણ ઈજાઓ પહોંચાડતાં તેનું બીજા દિવસે કરુણ મોત (Death) થયું હતું. આમોદ પોલીસે (Police) હત્યા (Murder) તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હત્યારાને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના માતર ગામે ગત 13મી નવેમ્બરે રાત્રિના સમયે જગદીશ જીવણ વસાવા (ઉં.વ.40) તેના ઘરના આગળ આંગણામાં ફટાકડા ફોડતો હતો. તેવામાં ફટાકડાનો તણખો ઊડીને મસ્જિદ ફળિયામાં રહેતા ફૈઝલ મહંમદ કાળાના ઘર ઉપર રાખેલા થર્મોકોલના ખોખા ઉપર પડતાં થર્મોકોલમાં આગ લાગી હતી. જેની અદાવત રાખી ફૈઝલ મહંમદ કાળાએ જગદીશ વસાવાને મોં ઉપર પેટ ઉપર છાતીના ભાગે તેમજ પેઢાના ભાગે લાતો મારી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી જીવલેણ ઈજા થતાં તેનું 14 નવેમ્બરે બપોરે મોત થયું હતું. આ બાબતે જગદીશ વસાવાના કાકી મંજુલાબેને આમોદ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફૈઝલ મહંમદ સામે હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. જેની તપાસ એસસી, એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સરવૈયા ચલાવી રહ્યા છે.
માંડવીના વાઘનેરાથી પસાર થતી નહેરમાં આધેડ તણાયો
માંડવી: માંડવી તાલુકામાં આવેલા કાકડવા ગામે રહેતા હીરામણ મંગળુભાઈ ગાવીત (ઉં.વ.45) (મૂળ રહે., આહવા, જિ-ડાંગ) જે વાઘનેરા કાકરાપાર જમણા કાંઠા નહેર પર નાહવા ગયો હતો. અને આકસ્મિક રીતે તેમનો નહેરના પાણીમાં પગ લપસી જતાં વહેતા પાણીમાં તણાઈ ગયો હતો. જેની શોધખોળ કરતાં ન મળતાં ગુમ થયાની પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતાં ટાઉન જમાદાર મુકેશ ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી હતી.
સણવલ્લા કેનાલમાંથી યુવાનની લાશ મળી
અનાવલ: મહુવા તાલુકાના સણવલ્લા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની માઈનોર નહેરના પાણીમા 23 વર્ષીય અજાણ્યો યુવાન તા.15/11/2022 ને મંગળવારે આકસ્મિક રીતે પડી ગયો હતો. અને નહેરના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા મહુવા પોલીસ દ્વારા જાણ કરાતાં મહુવા પોલીસ સ્ટાફ ત્વરિત ઘટના સ્થળે આવી મૃત યુવાનનો મૃતદેહ નહેરના પાણીમાંથી બહાર કઢાવી મૃતક યુવાનના વાલી વારસાની શોધખોળ હાથ ધરી હતી.