સુરત: રશિયા- યુક્રેન યુદ્ધ (War) લાબું ચાલતાં સુરત (Surat) સહિત દક્ષિણ ગુજરાતના કેમિકલ ઉદ્યોગની ડિમાન્ડમાં 70 ટકા વેપાર ઘટી ગયો છે. રશિયાથી (Russia) યુરોપ સપ્લાય થતો ગેસ (Gas) મોંઘો થતાં યુરોપમાં સ્લો ડાઉનની સ્થિતિ ઊભી થઈ છે. જેને લીધે ફેબ્રિક્સ અને ગારમેન્ટના એક્સપોર્ટને વ્યાપક અસર થઈ છે. કેમિકલના રો મટિરિયલના ઇમ્પોર્ટ અને ફેબ્રિક્સ, પ્રોસેસ કેમિકલના એક્સપોર્ટને ડોલરના ભાવની અસ્થિરતાની પણ અસર પડી રહી છે.
ઉદ્યોગના જાણકારો કહે છે કે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડિમાન્ડ નહીં હોવા છતાં ચીન દ્વારા કેમિકલનું રોમટિરિયલ અને ટેક્સટાઈલ, એગ્રી કેમિકલ 40 થી 50 ટકા ઓછા દરે ડમ્પ કરવામાં આવતાં ડોમેસ્ટિક કેમિકલ ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી થઈ છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ટેક્સટાઈલ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી પણ બેસી જતાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેમિકલ મેન્યુ ફેકચર્સને મોટું નુકસાન થઈ રહ્યું હતું. કેમિકલ ઉત્પાદકો ચીનથી ડમ્પ થતાં કેમિકલ પર એન્ટિ ડમ્પિંગ ડ્યુટી અથવા સેફ ગાર્ડ ડ્યુટી લાગુ કરવા માંગ કરી રહ્યાં છે.
પાકિસ્તાન,બાંગ્લાદેશ અને યુરોપના દેશોમાં ડિમાન્ડ નહીં હોવાથી કેમિકલ એકમો મહિનામાં 10 દિવસ ફેકટરી બંધ રાખી રહ્યાં છે. છેલ્લા ચાર મહિનાથી કપાસના ભાવો વધતાં કોટન ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રીને નુકશાન થઈ રહ્યું છે. દિવાળી પછી લગ્નસરાની સિઝન છતાં માંડ 30-40 ટકા પ્રોસેસ હાઉસ ચાલુ થયા છે. સુરત,નવાપુર અને સંઘ પ્રદેશ દમણ અને સેલવાસના વિવિંગ એકમોની સ્થિતિ પણ સારી નથી.
કોવિડ પેહલા ગુજરાતનો કેમિકલ ઉદ્યોગનું ટર્નઓવર 35,000 કરોડ હતું
જાણકારો કહે છે કે કોવિડ-19ની વ્યાપક મારમાંથી કેમિકલ ઉદ્યોગ બહાર આવે ત્યાં રશિયા – યુક્રેન યુદ્ધે બાજી બગાડી છે. એક સમયે કોવિડ પેહલા ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ 35,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતો હતો. રાજ્યના વટવામાં 1000 એકમો, નરોડાના 300, વાપીના 700 અંકલેશ્વરના 600, ભરૂચના 100 , દહેજના 240, સચિન-સુરત ઝોનના 80 અને સાયખાના 50 મળી રાજ્યમાં 3000 થી વધુ કેમોકલ એકમો કાર્યરત છે. અહીં છેલ્લા 4 મહિનાથી કામકાજ ઠપ થયું છે. ઉદ્યોગો જાણે 2008ની મંદીથી ગંભીર મંદીનો સામનો કરી રહ્યાં છે. કોરોના કાળ પછી કેમિકલ ઉદ્યોગની ગાડી પાટે ચઢી હતી પણ કપાસની 356 કિલોની એક કેન્ડીના ભાવ એક લાખને પર પહોંચી ગયા પછી રશિયા – યુક્રેન યુદ્ધ શરૂ થતાં એની અસર એક્સપોર્ટ પર વ્યાપક પડી છે. સ્પીનિંગ અને વિવિંગ સાથે પ્રોસેસિંગ એકમો પણ ભીંસમાં મુકાયા છે.