સુરત: લગ્ન સહિતના ભવ્ય કાર્યક્રમનું (Grand Program) આયોજન કરવાના બહાને 43 લોકો સાથે 2.12 કરોડની છેતરપિંડીનો (Fraud) મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ઈકો ક્રાઈમ બ્રાન્ચે (Eco Crime Branch) શહેરની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના (Event Management Company) સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાંદેર ગ્રીન પેરેડાઈઝના રહેવાસી પ્રતિક દેસાઈ ઉર્ફે પૃથ્વી અને તેની પત્ની ખ્યાતિએ મહિધરપુરા, ગલેમંડીના રહેવાસી ધર્મેશ સદરીવાલા સહિત 43 લોકોની સાથે 2.12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પ્રતિક અને ખ્યાતીએ મળીને 2018માં દેસાઈ ઈવેન્ટ એન્ડ ડેકોરેશન,મંત્રા ઇવેન્ટ નામે કંપનીઓ શરૂ કરી હતી. શરૂઆતમાં, તેણે કેટલાક ગ્રાહકો માટે સારું કામ કરીને પોતાની પ્રતિષ્ઠા બનાવી હતી.
પુત્ર પણ મહાઠગ નીકળ્યો તેને પણ લોકો પાસે તગડી રકમ લીધી હતી
ત્યારબાદ ભવ્ય કાર્યક્રમનું બહાનું કરીને ધર્મેશના પુત્રના લગ્નનું એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. તેણે એડવાન્સમાં પૈસા પણ લીધા હતા પરંતુ લગ્નના થોડા સમય પહેલા તેનું આયોજન કરવાની ના પાડી દીધી હતી. તેણે એડવાન્સના પૈસા પણ પરત કર્યા ન હતા. પેમેન્ટ માંગવા પર તેણે સમયાંતરે ચેક આપ્યા પણ બાઉન્સ થયા. આ જ રીતે તેણે અન્ય 42 લોકોને પણ છેતર્યા હતા. અગાઉથી લીધેલી રકમ પણ તેણે પરત કરી ન હતી. આ સંદર્ભે વિવિધ પીડિતોની લેખિત ફરિયાદો મળતાં, પોલીસ કમિશનરે કેસની તપાસ આર્થિક ગુના શાખા ઇકો ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ઈકો ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપી દેસાઈ દંપતીની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ ચાલુ છે.
આરસી બુક બનાવી છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ
અમદાવાદમાં આરસી બુક બનાવી છેતરપિંડી કરવાના કેસમાં ફરાર જિજ્ઞેશ વિરાણીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કામરેજ શાસ્વત વિલામાં રહેતા જિજ્ઞેશે વાલક ગામના રહેવાસી ઈમરાન પઠાણ સાથે મળીને અમદાવાદની ફાયનાન્સ એજન્સી સાથે રૂ. 18.11 લાખની છેતરપિંડી કરી હતી. ટ્રાવેલ એજન્સીમાં બુકિંગ એજન્ટ તરીકે કામ કરતા જીજ્ઞેશે ઈમરાન સાથે મળીને લક્ઝરી બસની નકલી આરસીબુક બનાવી હતી. ત્યાર બાદ તેનો ઉપયોગ કરીને ફાયનાન્સ એજન્સી પાસેથી લોન લીધી હતી. ત્યારબાદ હપ્તા નહીં ભરીને છેતરપિંડી કરી હતી. જીગ્નેશ સુરતમાં છેતરપિંડીના ત્રણ કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે.