સુરત: સલાબતપુરા (Salabatpura) વિસ્તારમાં રહેતા જરીના કારખાનેદારે ગ્રહણના સમયે કારખાનું બંધ હતું તેજ સમયે કારખાનામાં જ ફાંસો ખાઇ આપઘાત (Suicide) કરી લીધો હતો. કારખાનેદારે પેરાલિસીસની બીમારીથી કંટાળી જઇ અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસે (Police) જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
- કારખાનેદારે છતની હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો
- પેરાલિસીસની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું
સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સલાબતપુરાના વખારિયા વાડીમાં રહેતા ચેતનકુમાર મગનભાઇ જરીવાલા (ઉં.વ.55) તેમના ઘરની નજીક જ જરીનું કારખાનું ચલાવે છે. કારખાનેદાર ચેતનકુમાર ઘણા સમયથી પેરાલિસીસની બીમારીથી પીડાતા હતા. તેમની વલસાડ ખાતે સારવાર પણ ચાલતી હતી. ચેતનકુમારે મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી કારખાનું બંધ રાખ્યું હતું. જો કે, તેઓ કારખાના ઉપર બપોરના સમયે ગયા હતા અને છતની હૂક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સાંજના સમયે એક કારીગર કારખાને જતાં તેમણે ચેતનકુમારને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં પરિવારને જાણ કરી હતી. આ બનાવ અંગે સલાબતપુરાના એએસઆઇ લાલસીંગભાઇએ વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચેતનકુમારે પેરાલિસીસની બીમારીથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર છે.
પાંડેસરામાં લગ્નનાં બે વર્ષમાં જ પરિણીતાનો આપઘાત
સુરત: પાંડેસરા વિસ્તારમાં રહેતી 18 વર્ષિય પરિણીતાએ ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું. મૂળ બિહારનો વતની દીપકકુમાર મહંતો હાલ પાંડેસરા સાંઇનગર ખાતે રહે છે. પરિવારમાં પત્ની સુલેખાકુમારી છે. દીપકકુમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બે વર્ષ પહેલાં જ તેનાં લગ્ન થયાં હતાં. ગત તા.4 નવેમ્બરના રોજ સુલેખાકુમારીએ પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ પાંડેસરા પોલીસને થતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિણીતાએ કયાં કારણોસર આ પગલું ભર્યું એ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે.