Health

જીરીયાટ્રીક મેડિસિન

આજના લેખનું શીર્ષક વાંચીને 100% એવું થાય કે આ કોઈ એલોપથીના મેડિસિનની શાખા વિશે જ વાત કરવા જઈ રહ્યા છો કે કોઈ બીજી શાખા આવી છે.. ક્યારેક અંગ્રેજી શબ્દ ખબર હોય તો ધ્યાનમાં આવી જાય કે આ શાખા કઈ છે એટલે જરૂરી નથી કે સૌ કોઈને ખબર નહીં હોય! થોડુંક પાછળના અંકો પર નજર કરીએ તો આપણે ફેમિલી મેડિસિન, ઇમરજન્સી મેડિસિન, જનરલ મેડિસિન કે ઇન્ટર્નલ મેડિસિન, પેલીએટીવ કેર આ અંગે આપણે વાતો કરી ચૂક્યા. આપણે ફેમિલી ફિઝિશિયન કે કન્સલ્ટન્ટ ફેમિલી ફિઝિશિયન ત્યારબાદ ફિઝિશિયન અર્થાત ઇન્ટર્નિસ્ટ કે પછી ઇ.આર ફિઝિશિયન એટલે કે ઇમર્જન્સી મેડિસિન ફિઝિશિયન આવી ઘણી શાખાઓ કે આવા ઘણા નિષ્ણાતો વિશે જ્યારે વાત કરી ત્યારે ઘણીવાર એવું પણ આપણે જાણ્યું કે બાળકો માટેના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય છે તેવી રીતે જ વયસ્કો માટેના પણ ડોક્ટર હોય છે તો વયસ્કો માટેના ડોક્ટર લગભગ 60-62 વર્ષની ઉંમર સુધીના વયસ્ક દર્દીઓ માટે હોય છે, પણ શું એ પછી જ્યારે વૃદ્ધાવસ્થા હોય તો એના માટે પણ કોઈ સ્પેશિયલ ડોક્ટર હોય છે ખરા? તો આ અંગે આપણે ત્યાં જાગૃતતા કદાચ ના બરાબર છે અને એટલા માટે ના બરાબર છે એ ખૂબ જ જૂજ મેડિકલ બેઠકો છે આપણી પાસે! જે એમડી જીરીયાટ્રીક મેડિસિનનો કોર્સ ચલાવે અને તેથી આપણે જ્યારે ભારતમાં જોઈએ તો આપણે આપણા શહેરોમાં કોઈ જીરીયાટ્રીક ફિઝિશિયન ને ભાગ્યે જોતા હોઈએ છીએ, કે એમના વિશે સાંભળ્યું હોય છે અને કદાચ એવું હોય કે કદાચ છે જ નહીં આપણી પાસે.. તો શું છે આ શાખા? આવા ડોક્ટરોની શા માટે જરૂર હોય છે? અને ખરેખર તેઓની શામાં નિપુણતા હોય છે? ચાલો એ વિશે જાણીએ..

જીરીયાટ્રીક મેડિસિન એટલે શું?
આ એક તબીબી વિશેષતા છે જે વૃદ્ધ વયસ્કોની અનન્ય આરોગ્ય જરૂરિયાતો માટે કાળજી પૂરી પાડવા પર કેન્દ્રિત છે. તેનો ઉદ્દેશ્ય વૃદ્ધ વયસ્કોમાં રોગ અટકાવવા, નિદાન અને સારવાર દ્વારા સારા આરોગ્યને પ્રોત્સાહન આપવાનો છે. આ માટે આમ તો કોઈ નિર્ધારિત વય નથી કે જેમાં વૃદ્ધ દર્દીઓની સંભાળ રાખવામાં નિષ્ણાત હોય તેવા જીરીયાટ્રીક ફિઝિશિયન પાસે જ જવું. તેના બદલે, આ નિર્ણય દર્દીની વ્યક્તિગત જરૂરિયાતો પર આધારિત છે. પણ, લગભગ 65 વર્ષથી વધુ ઉંમર આ માટે ખરી પાત્રતા ધરાવે છે એમ કહું તો ખોટું નહીં.. આ એવા દર્દીને ચોક્કસ લાભ કરી શકે છે જેઓ બહુવિધ ક્રોનિક રોગોમાંથી પસાર થઈ રહ્યાં છે અથવા નોંધપાત્ર વય-સંબંધિત તકલીફોનો અનુભવ કરી રહ્યા છે જે દૈનિક જીવનની ગુણવત્તાને જોખમમાં મૂકે છે.

જીરીયાટ્રીક ફિઝિશિયન પાસે ક્યારે જવું, શા માટે જવું?
જીરીયાટ્રીક મેડિસિન કે જીરીયાટ્રીક ફિઝિશિયન અને નામથી જ જીરીયાટ્રીક એ વૃદ્ધો માટે થતી સારવાર અંગેની વાત છે. આપણે જ્યારે 60 કે 65 વર્ષથી ઉપરના વૃદ્ધોને જોતા હોઈએ છે અને ખાસ કરીને ઘણા વૃદ્ધો 70 કે 80 વર્ષની ઉંમર બાદ ખૂબ જ એકલતા અનુભવતા હોય છે, તેઓને ક્યારેક ઘણા બધા રોગોમાંથી જ્યારે પસાર થતા હોય છે તો તમામ દવાઓ લેવાનું પણ યાદ નથી રહેતું હોતું અને ઉંમર સાથે ક્યારેક ભૂલી જવું, હાડકા નબળા પડવા, યાદશક્તિ ઘટી જવી, વારેવારે પડી જવું વગેરે આ બધું સામાન્ય છે.

આ ઉંમર સબંધિત બદલાવો છે, ઉંમર સાથે થતા શારીરિક બદલાવો છે તો એને સ્વીકારવા રહ્યા પરંતુ તેઓ જ્યારે એક ફેમિલી ફિઝિશિયન પાસે કે ફિઝિશિયન પાસે જતા હોય છે તો એમની તમામ શંકાઓ તેઓ વ્યક્ત નથી કરી શકતા હોતા, તેમના તમામ પ્રશ્નોનું તેમને કદાચ નિરાકરણ નથી મળતું હતું, ને શું દવા લેવાની છે ફક્ત એટલું માર્ગદર્શન આપવામાં આવે છે. તો ક્યારેક એમણે મનોચિકિત્સક પાસે જવાની જરૂર પડી જાય છે તો, આ તમામ વસ્તુઓ કે જે ઉંમર સાથે સંબંધિત છે, વધતી ઉંમર સાથે થતાં રોગો છે અને એ તમામ રોગો જે વર્ષોથી ચાલતા આવ્યા છે જેની કદાચ દિવસ દરમિયાન 5, 7, 10 કે તેથી વધુ દવાઓ તે દર્દી લેતું હોય છે.

તો ત્યારે આ તમામ પરિસ્થિતિનું સારી રીતે સંચાલન થઈ શકે, તમારા આરોગ્યની સારી રીતે દેખભાળ થઈ શકે, તમને સંતોષ મળી શકે, તમે ડોક્ટરને બતાવવા ગયા છો એ માટેનો પોતે એક સંતોષ મેળવી શકો કે તમારી સંપૂર્ણ વાત ડોક્ટર તમારા દ્રષ્ટિકોણથી સાંભળી શકે કે સમજી શકે જે ફક્ત તમારા જેવા જ દર્દીઓને જોવા માટે ભણ્યા છે કે અભ્યાસ કર્યો છે તો એ માટે જીરીયાટ્રીક મેડિસિનના તબીબો છે. નેશનલ કાઉન્સિલ ઓન એજિંગ અહેવાલ આપે છે કે 80% વૃદ્ધ પુખ્ત વયના લોકોને ઓછામાં ઓછો એક ક્રોનિક રોગ છે અને 68%ને ઓછામાં ઓછા બે રોગ છે.

આમ જીરિયાટ્રિક ફિઝિશિયન તમને વધતી ઉંમર સાથે થતી બીમારીઓ કે તમારી વધતી ઉંમર સાથે તમને જરૂરી કન્સલ્ટ્રેશન પૂરું પાડવામાં સમાજમાં ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ ભાગ ભજવે છે કમનસીબે આપણે સૌ પોતાના ફેમિલી ફિઝિશિયન પાસે કે આપણા કન્સલ્ટન્ટ ફિઝિશિયન પાસે જતા હોઈએ છીએ પણ તેઓ તમામ ઉંમરના દર્દીઓને તપાસતા હોય છે જ્યારે જીરીયાટ્રીક મેડિસિન ફિઝિશિયન તમામ ઉંમરના નહીં પરંતુ એક ઉંમર પછીના દર્દીઓના તપાસતા હોય છે. આ માટે કોઈપણ પ્રકારની એવી ઉંમરના ચોક્કસ કરવામાં આવી નથી પરંતુ એવું બને કે ક્યારેક કોકને 55-60 વર્ષની ઉંમરે તબીબની જરૂર પડે તો ક્યારેક એવું બને કે કોકને 70-75 વર્ષ બાદ આવા તબીબોની જરૂરિયાત પડે. વૃદ્ધાવસ્થાના નિષ્ણાતોને તેમના દર્દીઓના મૂડનું મૂલ્યાંકન કરવા માટે તાલીમ આપવામાં આવે છે. વૃદ્ધ લોકોમાં હતાશા હંમેશા યુવાન વયસ્કોમાં ડિપ્રેશન જેવી દેખાતી નથી. તેના લક્ષણો ઘણીવાર અન્ય તબીબી પરિસ્થિતિઓના પરિણામે દેખાય છે.

જીરીયાટ્રીક ફિઝિશિયન શું અભ્યાસ કરે છે?
જીરાટ્રીક ફિઝિશિયન એમબીબીએસ બાદ જે તે ટ્રેનિંગ કે ફેલોશીપ કે એ માટેના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ના કોર્સ વગેરે કરતા હોય છે કે પછી એમબીબીએસ બાદ એમડી મેડિસિન નો ત્રણ વર્ષનો અભ્યાસ કરતા હોય છે આપણા દેશમાં આ અંગેની જાગૃતતા ઘણી ઓછી છે પરંતુ પરદેશમાં જ્યારે જાઓ તો પરદેશમાં બેશક આ માટેના નિષ્ણાંત તબીબો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ જીરીયાટ્રીક ડોકટરોને જીરીયાટ્રીશીયન પણ કહેવામાં આવે છે. આમ, તેઓ ખાસ કરીને તમને વૃદ્ધાવસ્થામાં કાર્યશીલ રાખવા અને તમારા જીવનની ગુણવત્તા જાળવવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ સંભાળ રાખનારની ભૂમિકાને સમજે છે અને પરિવારના સભ્યો સાથે પણ હાથથી હાથ મિલાવી કામ કરે છે અને તમને દર્દી તરીકે માર્ગદર્શન આપતા રહે છે.

Most Popular

To Top