ગાંધીનગર : ‘આ ગુજરાત મેં બનાવ્યુ છે’ તેવા ભાજપના (BJP) પ્રચાર અભિયાનને આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે લોન્ચ કર્યુ હતું. કમલમ કાર્યાલય ખાતે પાટીલે કહ્યું હતું કે સાહસિક ખમીરવંતા ગુજરાતના લોકોના સાથ અને સહકારથી આ ગુજરાત મેં બનાવ્યું છે તે સૂત્ર પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતેથી ચૂંટણી અંગેની તેઓની પ્રથમ જાહેર સભાને સંબોધન કરતાં આપ્યું છે. પીએમ મોદીના પરિશ્રમ અને અમારો ભરોસો બંન્ને સાથે જોડીને આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત રાજ્યમાં કરવામાં આવેલ અવિરત વિકાસયાત્રાના વિઝયુઅલ થકી આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમેં પ્રજા સમક્ષ જઇ રહ્યાં છીએ.
પાટીલે જણાવ્યું હતું કે આ ગુજરાત મેં બનાવ્યું છે આ ગુજરાત શિર્ષક હેઠળ રાજ્યમાં જ્યારથી ભાજપાની સરકાર જન સેવાના શુભ આશયથી કાર્યરત છે ત્યારથી ગુજરાત રાજ્યમાં જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ૨૪ કલાક વિજળી પૂરી પાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં ખેડૂતો આવક બમણી થાય તે હેતુથી કૃષિ મહોત્સવ થકી ટેકનોલોજી આધારીત ખેતી ધરતીપુત્રોને આપી ખેડૂતોની આવકનો ગ્રોથ ડબલ ડીઝીટમાં આપવામાં અમે સફળ રહ્યાં છીએ. રાજ્યમાં પહેલાં શાળાના બાળકોનો ડ્રોપ આઉટ રેશીયો ૩૭ ટકા સુધીનો રહેતો હતો જેને રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી આજે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશીયો ૨ ટકા જેટલો રહી ગયો છે.
પહેલાં રાજ્યમાં કન્યાઓને અભ્યાસી સીમીત રહેતો હતો પરંતુ અમારી કન્યા કેળવણી યોજના થકી બેટી પઢાઓના આંદોલનો કરી દિકરીઓને સુશિક્ષીત કરવામાં આવી રહી છે. રાજ્યમાં દિકરીઓને જન્મદર ઓછો રહેતો હોવાઇ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા માતૃ વંદના અને બેટી બચાવો યોજના થકી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મેળવેલ છે. ભૂતકાળની સરકારમાં રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હતું જેની ચિંતા કરી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી થકી વિદેશ મૂડી રોકાણ ગુજરાતમાં લાવી સૌથી વધુ રોજગારી આપતું ગુજરાત બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં અકસ્માત કે જીવલેણ બિમારીથી પિડાતા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓનો વ્યાપ વધારી લોકોના જીવ બચાવવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સફળતા મેળવેલ છે.
રાજ્યમાં ઓછા અભ્યાસના કારણે રોજગારીથી વંચિત રહેનાર લોકોને ગરીબ કલ્યાણ મેંળાના આયોજન થકી ગરીબોને સ્વનિર્ભર કરતું ગુજરાત બનાવવામાં સફળતા મેળવી છે. રાજ્યના બાળકો અને રમતવીરોને ખેલ કુદ ક્ષેત્રે ખેલમહાકુંભના આયોજન થકી અગ્રીમ હરોળમાં સ્થાન અપાવ્યું છે. રાજ્યની જનતાને ઘેર ઘેર નળ થી જળ મળી રહે તે માટે નર્મદા યોજના થકી ૬૯ હજાર કિલોમીટ સુધી કેનાલ અને ૧.૨૦ લાખ કિલોમીટરની પાઇપ લાઇન થકી પાણી પહોંચાડ્યું છે. રાજ્યમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે ઇ ગવર્નન્સ યોજના થકી ભ્રષ્ટાચાર મૂક્ત ગુજરાત બનાવવામાં સફળતા મેળવી છે. ગુજરાત શાંત અને સમૃધ્ધ રાજ્ય બની રહે તે માટે કાયદાઓનું કડક અમલીકરણ કરવામાં આવ્યું છે.
આદિવાસી ભાઇઓ અને બહેનોને વનબંધુ યોજના થકી તેમના હક અને અધિકાર આપી આદિવાસી વિસ્તારનો વિકાસ કરનાર રાજ્ય બનાવવામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. સાગર ખેડૂઓને તેમનું જીવન ધોરણ ઉપર લાવવામાં માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવી છે. ગુજરાતના લોહ પુરૂષ અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર સાહેબને યોગ્ય સન્માન મળી રહે તે માટે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમાંનું અનાવર કરી પ્રતિભા અનુસાર શ્રદ્ધાંજલિ આપી ટુરીઝમ ઉદ્યોગમાં વેગવંતુ સ્થાન ગુજરાતે મેળવ્યું છે. રાજ્યનો ખેડૂત દેવામાં ડુબી ન જાય તે માટે ૦ ટકાના દરે પાક ધિરાણ આપવામાં આવે છે.
રાજ્યના ૧.૪૮ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લઇ રૂ. ૫ લાખ સુધીની મફત સારવાર આપતું ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યની બહેનો ચૂલાના ધુમાડાથી બિમારીનો ભોગ ન બને તે માટે ૩૬ લાખ મહિલાઓને ગેસ કનેક્શન આપી મહિલાઓને રક્ષણ આપતું ગુજરાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના ૭૧ લાખ પરિવારોને દર મહિને નિઃશુલ્ક વ્યક્તિદિઠ પ કિલો અનાજ પુરૂ પાડતું ગુજરાત બનાવવામાં આવ્યું છે.રાજ્યનો વિદ્યાર્થી મેડિકલનો અભ્યાસ રાજ્યમાં જ કરી શકે તે માટે વધુ ૩૧ મેડિકલ કોલેજની મંજૂરી આપી ૫૭૦૦થી વધુ મેડિકલ બેઠક ધરાવતું ગુજરાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના નાનામાં નાના ૧.૧૦ કરોડ નાનાવેપારીઓને લોન સહાય આપી પગભર બનાવતું ગુજરાત બનાવવામાં આવેલ છે. રાજ્યના ૪૪ લાખ ૫૦ હજારથી વધુ લોકોને વિમાથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે અને ૮૬ લાખ ૫૬હજાર જેટલા અસંગઠિત શ્રમિકોની નોંધણી કરી તેમના હક્ક આપતું ગુજરાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના દરેક ગામમાં સામુહિક અને પ્રાથમિક તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર સ્થાપી જન આરોગ્યની ચિંતા કરનારૂ ગુજરાત બનાવવામાં આવ્યું છે.