ગત સપ્તાહે રાજસ્થાનના ઉદયપુરથી 45 કિ.મી. દૂર આવેલા રાજસમંદ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઉંચી શિવપ્રતિમાના લોકાર્પણનો મહોત્સવ યોજાઇ ગયો. સતત નવ દિવસ સુધી ઉજવાયેલ આ લોકાર્પણ મહોત્સવ ગઇકાલે રવિવારે જ પૂર્ણ થયો. તતપદમ સંસ્થાન દ્વારા આ વિશાળ પ્રતિમાનું નિર્માણ કરાયું છે. આ સંસ્થાનના ટ્રસ્ટી અને મિરાજ સમૂહના અધ્યક્ષ મદનલાલ પાલીવાલ આ ભવ્યાતિભવ્ય શિવપ્રતિમાના મુખ્ય નિર્માણકર્તા છે. છેલ્લા 10 વર્ષ દરમ્યાન દેશમાં વિશાળ પ્રતિમાઓના નિર્માણનો એક અદ્ભૂત પ્રવાહ નિર્મિત થયો છે. 4 વર્ષ પહેલા વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના પછી દેશ વિશ્વના એક સમ્માનિય સ્થાન પર છે.
ધર્મ અને સંસ્કૃતિ રાષ્ટ્રનો આધાર છે. રાષ્ટ્રનિર્માણની સાથે ધર્મ અને સનાતન સંસ્કૃતિ આજે વિકાસના પથ પર છે. કેદારનાથ, જગન્નાથપુરી, ઉજજૈન, કાશી, અયોધ્યામા લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખી જે રીતે કામ થયા છે અને થઇ રહ્યાં છે તે સનાતની રાષ્ટ્રના નૂતન પ્રભાતનો પ્રકાશ છે. આજે દેશમાં અનેક જગ્યાએ વિશાળ કહી શકાય તેવી પ્રતિમાઓ વિવિધ સ્થળે નિર્માણાધિન છે. અયોધ્યામાં રામ પ્રતિમા, મથુરામા કૃષ્ણ પ્રતિમા, બોધગયામાં શયનમુદ્રાની વિશાળ બુધ્ધ પ્રતિમા, સારંગપુરમાં હનુમાન પ્રતિમા, યુ.પી. અને રાજસ્થાનમાં ભગવાન પરશુરામની પ્રતિમા તો મુંબઇ, હૈદ્રાબાદ અને વિજયવાડામાં બાબાસાહેબ આંબેડકરની વિશાળ પ્રતિમાઓ નિર્માણાધીન છે.
વિશાળ મૂર્તિઓના આ નિર્માણકાર્યના પ્રવાહમાં છેલ્લા 10 વર્ષથી બની રહેલી નાથદ્વારાની લોકાર્પણ કરાયેલી 369 ફૂટ ઉંચાઇની શિવપ્રતિમા વિશ્વની સૌથી ઉંચી શિવપ્રતિમા છે. હજુ ગઇકાલે જ પૂર્ણાહુતિ પામેલ આ લોકાર્પણ મહોત્સવને સ્પર્શતી રસપ્રદ વાતો જાણીયે…. 10 વર્ષ પહેલા નાથદ્વારાની ગણેશ ટેકરી પર શિવપ્રતિમાના નિર્માણ માટે સંત અને આધ્યાત્મિક ગુરૂ મોરારીબાપુના હસ્તે પાયાની પહેલી ઇંટ મુકાઇ હતી અને ભૂમિપૂજન રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોતના હસ્તે થયુ હતું તે 10 વર્ષ પછી પૂર્ણ સ્વરૂપે તૈયાર શિવપ્રતિમાનું લોકાર્પણ પણ પૂ. મોરારીબાપુ, અશોક ગેહલોત તથા વિવિધ રાજકીય પક્ષોના પ્રધાનો તથા દેશના નામાંકિત 20 જેટલા મહાનુભાવોની હાજરીમાં ગત તા. 29 મી ઓકટોબરના રોજ કરાયું હતું.
સાથે 9 દિવસના મહોત્સવનું પણ આયોજન કરાયું. દેશભરમાંથી હજારો લોકો નાથદ્વારામાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. 9 દિવસ દરમ્યાન બાપુની રામકથાની સાથે સાંજે લોકભોગ્ય મનોરંજન કાર્યક્રમો પણ યોજાયા. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ગુજરાતી સિધ્ધાર્થ રાંદેરીયા, શિવભકત હંસરાજ રઘુવંશી, ખ્યાતનામ કુમાર વિશ્વાસ અને વિખ્યાત ગાયક કૈલાસ ખેર જેવા કલાકારોએ ભાગ લઇને આ લોકાર્પણ કાર્યક્રમને રસપ્રદ બનાવી દીધો હતો. લગભગ ૪૨ હજારની વસ્તી ધરાવતા નાથદ્વારામાં રોજ એક લાખથી વધુ શ્રધ્ધાળુ અને મહેમાનોએ હાજરી આપી હતી.
તેઓના રહેવા માટે 20,000 જેટલા સગવડદાયી ભવ્ય ટેન્ટ બનાવવામાં આવેલ. VIP હોય કે સામાન્ય શ્રધ્ધાળુ ભકત, સૌને માટે એક સરખી ભોજન વ્યવસ્થા કરાયેલી. સવાર-સાંજ 1-1 લાખ લોકો માટે બનતા ભોજન ચુલા પર પકવવામાં આવેલ. 500 થી વધુ સ્વયંસેવકો સાથે રસોડુ ગુજરાતી નટવરલાલ શાહ નામના ઉદ્યોગપતિએ સેવક બની સંભાળેલું. સવાર-સાંજ આટલા મોટા માનવ મહેરામણ માટે રસોઇ ઉપરાંત અહીં મેડિકલ, ફાયર સેફટી અને સુરક્ષાની અદ્ભૂત વ્યવસ્થા જળવાઇ હતી.
અહીં એક અદ્ભૂત સંગમ જોવા મળ્યો. 51 વીઘાની ગણેશ ટેકરી પર આ શિવપ્રતિમાનું નિર્માણ થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે નાથદ્વારામાં બિરાજે છે અને મહોત્સવ દરમ્યાન રામકથાનું આયોજન હતું. મતલબ શિવ, ગણેશ, રામ, કૃષ્ણનો અનોખો સમન્વય આ મહોત્સવ સાથે જોડાયેલો રહ્યો. 369 ફૂટની ઉંચાઇ ધરાવતી બિન્દાસ ભાવે બેઠેલા શિવજીની પ્રતિમા પહેલા તો 351 ફૂટ બનવાની હતી પણ જટા પર ગંગાધારાનું નિર્માણ ઉમેરાતા કુલ ઉંચાઇ અંતે 369 ફૂટની થઇ ગઇ.
આ પ્રતિમાનું હિમપર્વત જેવું દેખાતુ આસન 110 ફૂટ ઊંચું છે.
જેની અંદર પ્રતિમાને સ્પર્શતા કાર્યોની ઓફિસો હશે. 600 થી વધુનો પગારદાર સ્ટાફ વ્યવસ્થા જાળવશે. વિશેષતા એ છે કે અહીં આ વિશાળ પ્રતિમાની અંદર વિવિધ ઉંચાઇએ જઇ શકાય એટલા માટે 4 લિફટની વ્યવસ્થા છે. અહીં દર્શનાર્થે આવનાર માટે 20 ફૂટની ઉંચાઇથી લઇ 351 ફૂટની ઉંચાઇ સુધી પહોંચવાની સગવડ છે. 280 ફૂટની ઊંચાઇએ એ શિવ પ્રતિમાના ડાબા અને જમણા ખભા પર બહારનો નઝારો જોવા માટે ગેલેરી બનાવી છે. તો 270 ફૂટની ઉંચાઇએથી 280 ફૂટની ઉંચાઇએ પહોંચવા 3 લેયરનો એક કાચનો પુલ બનાવાયો છે.
શ્વાસ થંભાવી દે તેવા આ પુલ પરથી નીચેનો નજારો આહલાદક લાગે છે. પ્રતિમાની અંદર નીચેના ભાગે એક મોટો હોલ છે જ્યાં 10 હજાર લોકો બેસી શકે તેમ છે. નજીકના ભવિષ્યમાં પ્રતિમાની અંદર – જવાની, ફરવાની ટિકિટ વગેરે નકકી કરાશે. સુરક્ષા માટે બહુ જ લિમિટેડ પ્રવેશ અપાશે અને 10 લોકોની એક એક ટીમ અંદર જઇને બહાર નીકળે એ હિસાબે રોજ માત્ર 700 લોકોનો પ્રવેશ મર્યાદિત રહેશે. આ વિશાળ પ્રતિમાનું નિર્માણ ગુડગાંવના આર્કિટેકટ, શિલ્પી નરેશ કુમાવતે કર્યું છે. આ વિશાળ નિર્માણ માટે 50 હજાર કારીગરોનો સહયોગ રહ્યો છે.
આ ભવ્ય નિર્માણ માટે 3000 ટન સ્ટીલ અને લોઢું તથા અઢી લાખ કયુબિક ટન કોંક્રીટ અને રેતી વપરાયા છે. સ્ટીલ-લોઢાને કાટ લાગે તેથી ઝિંક અને મિશ્રણનાં વિશિષ્ટ પ્રકારના લેપનું કોટીંગ કરાયું છે. 6.5 તીવ્રતાનો ભૂકંપ અને 220 કિ.મી.ની ગતિએ ફૂંકાતા વાવાઝોડા સામે સુરક્ષિતતાની ક્ષમતા ધરાવતી આ પ્રતિમાના નિર્માણ દરમ્યાન સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ અભ્યાસ કરાયેલો. શ્રધ્ધાળુ, યાત્રાળુ અને પ્રવાસી એમ સૌને પણ ધ્યાનમાં રાખી બહાર ભવ્ય ગાર્ડન બનાવાયો છે. એમ્યુઝમેન્ટ પાર્ક, ખાણી-પીણીની વ્યવસ્થા, લેસર શો, MP થિયેટર જેવી સુવિધાઓ ખૂબ નજીકના ભવિષ્યનો પ્લાન હશે.
આ ભવ્ય શિવપ્રતિમાને ‘વિશ્વ સ્વરૂપમ્’ નામ અપાયું છે. રાજસ્થાન આમ પણ ફરવા માટેનું ટુરિસ્ટોનું પસંદગીનું સ્થળ છે ત્યારે એક વધુ ડેસ્ટિનેશન તરીકે નાથદ્વારા વધુ વિકાસ પામશે. જોકે હાલ શિવપ્રતિમાની અંદર પ્રવેશ અંગેની બાબત એક વિવાદનો વિષય પણ બન્યો છે. કેટલાક સંત – સાધુ સંગઠનોને શિવજી એ ઇષ્ટદેવ છે તેનું વિશાળ પ્રતિમા સ્વરૂપનું નિર્માણ જરૂર આનંદ પમાડે તેવું છે પણ આ મૂર્તિમાં ચપ્પલ-બુટ પહેરીને અંદર જાઓ તો તે કોઇપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. શિવ પ્રતિમાની પવિત્રતા અને ધાર્મિક ભાવના સાથે છેડછાડ સાધુ સમાજ સ્વિકારવા તૈયાર નથી. અને તેથી જ શિવપ્રતિમાની અંદરના પ્રવેશ બાબતોના નીતિ-નિયમો નવા બનાવાશે પછી જ આમ જનતા માટે ખુલ્લુ મુકાશે.