સુરત: મહારાષ્ટ્રના પિંપલનેરથી ગાંજો (Marijuana) લાવીને અમદાવાદ ખાતે વેચનાર મુખ્ય સપ્લાયરને (supplier) સુરત એસઓજીએ (SOG) દોઢ વર્ષ બાદ ઝડપી પાડી અમદાવાદ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.એસઓજીની ટીમે બાતમીના આધારે એનડીપીએસના કેસના દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી કનૈયાલાલ ઉર્ફે કાનો તુલસીદાસ માનાકાની (વણઝારા)ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, તે બારડોલી ખાતે રહી ચોરી છુપીથી મહારાષ્ટ્રના પિંપલનેર ખાતેથી ગાંજો મંગાવતો હતો. અને તેનુ વેચાણ કરતો હતો. દોઢ વર્ષ પહેલા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે પકડાયેલા આરોપી શ્રવણભાઈ ઓમરામ પુરોહિત (રહે. કંસારીગામ તા.ખંભાત જિ.આણંદ) ને 1.19 લાખની કિમતનો 11.930 કિલોગ્રામ ગાંજો તેને જ વેચાણથી આપ્યો હતો. આ કેસમાં તે પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.
મોજશોખ અને આર્થિક જરૂરિયાત માટે વાહન ચોરી કરતો આરોપી ઝડપાયો
સુરત: પાંડેસરા આવાસમાં રહેતા યુવકને ક્રાઈમ બ્રાંચે બાઈક ચોરીના કેસમાં પકડી પાડ્યો હતો. આરોપી મોજશોખ માટે બાઈક ચોરી કરતો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને પાંડેસરા જીઆઈડીસી બાટલીબોય આવાસ પાસે એક વાહન ચોર ઉભો હોવાની બાતમી મળી હતી. જેના આધારે આરોપી દિનેશભાઈ બાલુભાઈ લાખે (ઉ.વ.૧૯ રહેવાસી રૂમનં-૨૧. બિલ્ડિંગ નં-૧૭ સુડા આવાસ પાંડેસરા તથા મુળ નંદુરબાર, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે એક વગર નંબરની બાઈક કબજે કરી હતી. આરોપીની પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે, તેની પાસે કોઈ કામધંધો ન હોવાથી તેની જરૂરીયાતો પૂરી કરવા તથા મોજશોખ માટે તે બાઈક ચોરી કરતો હતો. તેની પાસેથી મળી આવેલી બાઈક ઉધના પોલીસ સ્ટેશનના હદમાંથી ચોરી કરવામાં આવી હતી.