ભરૂચ: ભરૂચ (Bharuch) નગરપાલિકામાં (Municipality) હાઉસટેક્સ (House Tax) ભરવા આવતાં સિનિયર સિટિઝન્સ સહિતના કરદાતાઓ ક્યારેક સર્વર ડાઉન તો ક્યારેક કર્મચારીઓની (Employees) ગેરહાજરીના (Absence) કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ગયા બાદ હવે કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયા હોવાથી અરજદારોની હાલાકીમાં ભારે વધારો થયો છે. સવારે ૧૧ વાગ્યાનો સમય હોવા છતાં કર્મચારી નહીં આવતાં વેરો ભરવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે કરદાતાઓ સહેલાઇથી વેરાઓ ભરી શકે એ માટે અલાયદુ સિવિક સેન્ટર બનાવવામાં આવ્યું છે, પણ કરદાતાઓ કોઇ ને કોઇ કારણોસર હાલાકી ભોગવી રહ્યા છે.
- ભરૂચ પાલિકાના સિવિક સેન્ટરમાં એકપણ કર્મચારીની સૂચક ગેરહાજરી
- વેરો ભરવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો
૧૧ વાગ્યા પછી પણ કર્મચારીઓની સૂચક ગેરહાજરી જોવા મળી
ભરૂચમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડ્યા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારે પાલિકાના સિવિક સેન્ટર પર કરદાતાઓ હાઉસટેક્સ ભરવા માટે આવ્યા હતા, પણ સિવિક સેન્ટરમાં એક પણ કર્મચારી હાજર ન હોવાથી કરદાતાઓ રોષે ભરાયા હતા. વેરો ભરવા આવેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સવારે ૧૧ વાગ્યાથી વેરો લેવાનું શરૂ કરાશે તેવું બોર્ડ મારવામાં આવ્યું છે.પણ ૧૧ વાગ્યા પછી પણ કર્મચારીઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
વેરો લેવા માટે બે કાઉન્ટર રાખવામાં આવ્યાં છે
એક કરદાતાએ જણાવ્યું હતું કે, તેના પિતા દવાખાનામાં દાખલ છે પણ હું હાઉસ ટેક્સ ભરવા માટે આવ્યો છું. આ બાબતે નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વેરો લેવા માટે બે કાઉન્ટર રાખવામાં આવ્યાં છે. જ્યારે સર્વર ડાઉન હોય ત્યારે હાથથી લખેલી રસીદ આપી વેરો સ્વીકારીએ છીએ. હવે ચૂંટણી પણ જાહેર થઇ ગઇ હોવાથી કર્મચારીઓને પણ મીટિંગોમાં જવાનું થઇ રહ્યું છે. જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે.